ગુજરાતમાં CNG ગેસના ભાવમાં નવ દિવસમાં સતત બીજી વાર ભાવ વધારો, નવો ભાવ રૂ. 79.56

| Updated: April 15, 2022 3:35 pm

ગુજરાતમાં 14 એપ્રિલની મધ્યરાત્રીથી ગુજરાત ગેસના સીએનજીના ભાવમાં વધારો થઈ ગયો છે. સીએનજીના ભાવમાં 2.58 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે નવો ભાવ 79.56 રૂપિયા થયો છે. ગુજરાત ગેસ દ્વારા  બુલેટ ગતિએ થઈ રહેલ ભાવ વધારાની વાત કરીયે તો હજુતો 5 એપ્રિલના રોજ રૂ.6.45 નો વધારો કર્યા બાદ ફક્ત 9 દિવસમાં બીજો રૂ.2.58 નો ભાવ વધારો થયો છે. 

ખાનગી કંપનીઓ પર સરકારની કોઈ લગામ ન હોય તેમ ફક્ત 23 દિવસમાં 3 વાર ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે 23 દિવસમાં સીએનજીના ભાવમાં રૂ.13.82 નો વધારો નોંધાયો છે. એટલું જ નહીં આ ખાનગી કંપનીએ છેલ્લા એક વર્ષમાં 7 વાર સીએનજી ના ભાવમાં વધારો કર્યો છે. જેના કારણે એક વર્ષમાં ગેસના ભાવમાં કુલ રૂ. 27.11 નો વધારો નોંધાયો છે. આ વધી રહેલી મોંઘવારીને લઈ સરકાર સામે નારાજગી પણ જોવા મળી રહી છે.

ગેસના સતત ભાવ વધારાને લીધે વાહન ચાલકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. એક  રીક્ષાચાલકના કહેવા મુજબ “ સીએનજી કંપની સતત ગેસના ભાવ વધારી રહી છે. પરંતુ જો અમે ભાડામાં વધારો કરીએ તો ગ્રાહકો સાથે ઝઘડા થાય. ગ્રાહકોને તો મિનિમમ ભાડું જ આપવુ છે. ત્યારે બેફામ થઈ રહેલા ભાવ વધારાને કારણે હવે વ્યવસાય કરવો તો કેવી રીતે ખબર પડતી નથી.

અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયન ઉપ પ્રમુખ અને આપ ઓટો સંગઠનના ઉપપ્રમુખ કિશનભાઇ કોરીએ  CNGના ભાવ વધારાનો વિરોધ કર્યો છે, અને જણાવ્યું છે કે ભાવ વધારાના વિરોધમાં અમદાવાદના બે લાખથી વધુ રીક્ષા ચાલકો ગાંધી ચીધ્યા માર્ગે શાંત અને અહિંસક  હડતાળ  કરશે.

આંદોલનમાં અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયન, ગુજરાત ઓટો રીક્ષા ડ્રાઇવર્સ એક્શન કમિટી, ઓટૉ રીક્ષ વેલફેર એસોસિએશન, અમદાવાદ, અમદાવાદ ઓટૉ રીક્ષા ચાલક સંધર્ષ સમિતિ, અતુલ શક્તિ રીક્ષા ચાલક યુનિયન, ગુજરાત રાજ્ય ઓટો રીક્ષા ચાલક સંધ, અમદાવાદ એરપોર્ટ રીક્ષાચાલક યુનિયન, અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયન (ખોખરા), ઓટૉ રીક્ષા ડ્રાઇવર સુરક્ષા સમિતિ, મણીનગર રીક્ષા ડ્રાઇવર એસોસિએશન (એક્શન કમિટી), અમદાવાદ ઓટૉ રીક્ષા ડ્રાઇવર સિટી યુનિયન આ તમામ સંસ્થાઓએ  CNG ભાવ વધારાનો વિરોધ નોંધાવ્યો છે.

અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયન ઉપ પ્રમુખ અને આપ ઓટો સંગઠનના ઉપપ્રમુખ કિશનભાઇ કોરીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે  સી.એન.જી. ગેસમાં થયેલ ભાવ વધારો પાછા ખેચવાની, સી.એન.જી. ને જી.એસ.ટી. માં લાવવું, રીક્ષાચાલકોને સી.એન.જી. માં સરકારે સબસીડી આપવી,  રીક્ષા ભાડામાં વધારો કારવાની અને  રીક્ષા ચાલકો ઉપર પોલીસ દમન બંધ કરાવવાની  માંગણીઓ કરી છે.

Your email address will not be published.