હેપ્પી બર્થડે 108! દર કલાકે 16 વ્યક્તિના જીવ બચાવી 14 વર્ષ પુરા કર્યા

| Updated: September 4, 2021 11:52 pm

જ્યારે જીવન પર જોખમ આવે ત્યારે તરત યાદ આવતું એક એવું નામ એટલે 108. લાખો લોકોને નવજીવન આપતી ઈમરજન્સી સેવા 108ની આજે હેપ્પી બર્થ ડે છે. GMK EMRI 108 એમ્બ્યુલન્સ સેવાએ ગુજરાતમાં કામગીરીના 14 વર્ષ પૂર્ણ કર્યા. કુદરતી હોય કે માનવસર્જીત, આપત્તિના સમયે જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતા લોકોને તે તાત્કાલિક સારવાર આપી હોસ્પિટલ સુધી પહોંચાડે છે. આ એમ્બુલન્સ સેવાએ અનેક લોકોના જીવ બચાવી 14 વર્ષની સફર સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.

કોવિડ પ્રથમ વેવ દરમિયાન 650 એમ્બ્યુલન્સ ધરાવતો 108નો કાફલો આ વર્ષે માર્ચ અને મે મહિનામાં વધીને 800 થઈ ગયો. ગુજરાતમાં રોગચાળાના બે વર્ષમાં આ એમ્બ્યુલન્સ સેવાઓએ અંદાજે 2.19 લાખ કોવિડ-પોઝિટિવ દર્દીઓને સારવાર માટે પહોંચાડ્યા હતા.

તો એનાલિટિક્સના મેનેજર વિકાસ બિહાની (38) એ જણાવ્યું હતું કે જ્યારે કોરોનાની બીજી વેવ ચરમસીમા પર હતી, ત્યારે 108-કોલ સેન્ટરમાં એક જ દિવસમાં 64,000 કોલનો રેકોર્ડ નોંધાયો હતો.  

(Photo courtesy: Mayur Bhatt)

બિહાનીએ કહ્યું કે દર્દીઓના સંબંધીઓ તરફથી વધારે પડતા કોલ્સ અને કોવિડ હોસ્પિટલની બહાર લાંબી લાઈનો હતી, ત્યારે અમે બધાને જવાબ આપવામાં નિષ્ફળ રહ્યા. “તેમ છતાં, અમારા કર્મચારીઓ, ખાસ કરીને એમ્બ્યુલન્સ ડ્રાઇવરો અને પેરામેડિકસે તેમનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો અને વધુને વધુ લોકો સમયસર હોસ્પિટલ પહોંચે તેનો પ્રયાસ કર્યો”

બિહાનીએ કહ્યું કે રાજ્ય સરકારે તેમને ત્રીજી વેવની તૈયારીઓ શરૂ કરવા માટે જાણ કરી દીધી છે. “અમે સતત પરિસ્થિતિનો અભ્યાસ કરી રહ્યા છીએ, અને જો જરૂર પડશે તો અમે અમારા કાફલામાં વધારાની એમ્બ્યુલન્સ પણ ઉમેરીશું.”

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 108 નું લોકાર્પણ કરાયું હતું. આજે 108 દર કલાકે 16 લોકોના જીવ બચાવે છે અને 3000 દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડે છે. અમદાવાદની સોલા હોસ્પિટલ કેમ્પસમાં 14 વર્ષ પહેલાં 53 એ્બ્યુલન્સ સાથે કાર્યરત કરવામાં આવી હતી. આજે ગુજરાતમાં કુલ 802 એમ્બ્યુલન્સ લોકોને તાત્કાલિક સારવાર માટે કાર્યરત છે. જેમાં 2 બોટ એમ્બ્યુલન્સનો પણ સમાવેશ થાય છે.

અત્યાર સુધીમાં કુલ 1 કરોડ 25 લાખ લોકોને તાત્કાલિક સેવા પુરી પાડી અનોખી સિદ્ધી હાંસલ કરી છે.

આ પ્રસંગે 108 ના ગુજરાત વડા જશવંત પ્રજાપતિ કહે છે કે ‘લોકોને નવજીવન મળે છે તેનો ગર્વ છે, 108 ની સમગ્ર ટીમ ડેડીકેશન સાથે ફરજ બજાવે છે અને ભવિષ્યમાં હજુ પણ સારા પ્રોજેક્ટ અમલમાં મુકાશે.

(અશ્વિતા સિંહ અને જ્યોતિ પટેલ દ્વારા ઇનપુટ્સ)

Your email address will not be published. Required fields are marked *