નબળા વૈશ્વિક સંકેતોના લીધે શેરબજારમાં 1100 પોઇન્ટનો કડાકો બોલ્યો

| Updated: May 19, 2022 2:25 pm

અમદાવાદઃ નબળા વૈશ્વિક સંકેતોના લીધે શેરબજારમાં આજે પ્રારંભિક કડાકો બોલ્યો હતો. સેન્સેક્સ 1100 પોઇન્ટથી વધારે અને નિફ્ટી 300થી વધારે પોઇન્ટ ડાઉન હતા. અમેરિકાના બજારમાં કડાકાની અસર વિશ્વભરના બજારો પર પણ તેની અસર દેખાઈ છે. અમેરિકામાં ડાઉ જોન્સ ગુરુવારે 1,164.52 પોઇન્ટ ઘટીને 31,490.47 પોઇન્ટ પર બંધ આવ્યો હતો. આમ અમેરિકન બજાર 3.57 ટકા ઘટીને બંધ આવ્યું હતું. જ્યારે નાસ્ડેક 566.37 એટલે કે 4.73 ટકા ઘટીને બંધ આવ્યો હતો. બધા યુરોપીયન બજારો પણ એક ટકા ડાઉન હતા. આના પગલે એશિયાઈ બજારો પણ ઘટાડા સાથે ખૂલ્યા છે.

સેન્સેક્સ નીચામાં જ 53070.30 પર પર એટલે કે હજાર પોઇન્ટ ડાઉન ખૂલ્યો હતો. નિફ્ટી પણ 300 પોઇન્ટ નીચે 15,904.35 પોઇન્ટ પર ખૂલ્યો હતો. બુધવારે નિફ્ટી 19 પોઇન્ટના ઘટાડા સાથે 16,240 પોઇન્ટ પર બંધ હતો. વૈશ્વિક બજારોમાંથી ખરાબ સંકેત જોવા મળી રહ્યા છે. ડાઉ જોન્સ ઘટીને 14 મહિનાની નીચલી સપાટીએ છે. યુએસ માર્કેટના બધા 11 સેક્ટરમાં વેચવાલી જોવા મળી હતી.

યુએસ અને યુરોપના ઘટેલા બજારની અસર એશિયાઈ બજારો પણ જોવા મળી છે. એશિયાઈ બજારો દિવસના પ્રારંભથી જ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. સિંગાપોરના સ્ટોક માર્કેટમાં લગભગ બે ટકાનો ઘટાડો છે તો જાપાનના નિક્કીમાં 2.63 ટકાનો ઘટાડો છે. હોંગકોંગના બજારમાં 2.95 ટકા અને તાઇવાનમાં 2.32 ટકાનો ઘટાડો છે. દક્ષિણ કોરીયાનું શેરબજાર આજે 1.61 ટકાના નુકસાન સાથે ટ્રેડ કરી રહ્યું છે. જ્યારે ચીનનું શાંઘાઈ કમ્પોઝિટ 1.10 ટકા તૂટ્યું છે.

વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય શેરબજારમાં વેચવાલીનું દબાણ જારી છે. એફઆઇઆઇ ચાલુ વર્ષે ભારતીય બજારમાં ચોખ્ખી વેચવાલ રહી છે. તેણે છેલ્લા સત્રમા ભારતીય મૂડીબજારમાંથી 1,254.64 કરોડ પરત ખેંચ્યા હતા. જો કે તેની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ 375.61 કરોડની લેવાલી કરી હતી, પરંતુ તે બજારમાં ઘટાડાને ખાળી શક્યા ન હતા. આ કડાકાના લીધે રોકાણકારોના બજારમૂલ્યમાં કુલ પાંચ લાખ કરોડનું ધોવાણ થયું છે.

Your email address will not be published.