મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનતા જનાર્દનની સેવા કરવાની તેમની ટીમને મળેલી તક અને રાજ્યની વિકાસયાત્રાને તેજોમય બનાવવાની પરિશ્રમ યાત્રાની સફળતાનો શ્રેય ગુજરાતના સૌ નાગરીકોના ચરણે ધર્યો છે.
મુખ્યમંત્રીના નેતૃત્વની વર્તમાન રાજ્ય સરકારની જનસેવા યાત્રાના સુશાસનના સફળ 121 દિવસ પૂર્ણ થવા અવસરે મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલમાં આયોજિત કાર્યક્રમમાં “સુશાસનના 121 દિવસ” પુસ્તિકાનું લોન્ચિંગ કર્યું હતું.
મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજ કુમાર અને વરિષ્ઠ સચિવો તથા પ્રચાર માધ્યમોના પ્રતિનિધિઓ આ અવસરમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે કંડારેલી ગુડ ગવર્નન્સ- સુશાસનની કેડી પર ચાલતા તેમની નવી ટીમ ગુજરાતે સૌને સાથે રાખી, સૌ માટે, સૌ સંગાથે ચોતરફા વિકાસ માટેનો સંકલ્પ સાકાર કરવાની નેમ રાખી છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સાફ નિયત અને નેક નીતિથી પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને પળ-પળ, ક્ષણ-ક્ષણ રાજ્યના ભલા માટે ખપાવી દેવાની તેમની ટીમની તત્પરતા છે. શાસન દાયિત્વ સંભાળ્યાના પહેલા જ દિવસથી તેમની સમગ્ર ટીમે લોકપ્રશ્નો –જન સમસ્યાઓને સરકાર સુધી પહોચાડવાના દરવાજા ખુલ્લા કરી દીધા છે.
તેમના નેતૃત્વની વર્તમાન સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ત્વરિત નિર્ણયો અને શ્રેણીબદ્ધ જનહિત કાર્યોથી ગુડ ગવર્નન્સની નવી પરિભાષા અંકિત કરી છે, એમ તેમણે દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું.
ભૂપેન્દ્ર પટેલે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો ધ્યેય સાકાર કરવાના મંત્ર સાથે કૃષિ, ઊદ્યોગ,સેવા,સમાજ કલ્યાણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતે 121 દિવસ દરમ્યાન કરેલી ગતિ-પ્રગતિની વિશદ છણાવટ કરી હતી.
મુખ્યમંત્રીએ રાજ્યમાં પ્રાકૃતિક ખેતી બે લાખ ખેડૂતોએ અપનાવી છે અને વનબંધુ ડાંગ જિલ્લો સંપૂર્ણ પ્રાકૃતિક ખેતિયુક્ત જિલ્લો બન્યો છે તેની ભૂમિકા આપી હતી. રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધુ વિસ્તારવા રૂ. 100 કરોડના ફંડીંગ સાથે આગામી દિવસોમાં ગ્રામ્ય કક્ષાએ ખેડૂત તાલીમ કાર્યક્રમો, કૃષિ શિબિર, ગુણવત્તા ચકાસણી લેબોરેટરી, માસ્ટર ટ્રેનર્સ વિગેરેની સુવિધા વિકસાવવાનું કાર્ય આયોજન હાથ ધરશે.
પ્રધાનમંત્રી મોદીએ દેશના હરેક ઘરને ટેપ વોટર- નળથી જળ પહોચાડવા ‘નલ સે જલ’ની જે સંકલ્પના આપી છે તેમાં સંપૂર્ણ ગુજરાતને આગામી સપ્ટેમ્બર 2022 સુધીમાં આવરી લઇ 100 ટકા નલ સે જલ યુક્ત રાજ્ય બનાવવાનો નિર્ધાર મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વધુ 6 જિલાઓ ડાંગ, મોરબી, ગીર સોમનાથ, જુનાગઢ, જામનગર અને કચ્છને આગામી 31મી જાન્યુઆરી 2022 સુધીમાં શત પ્રતિશત નલ સે જલ અન્વયે આવરી લેવામાં આવશે તેમ પણ ઉમેર્યું હતું. આ 6 જિલ્લાઓ સાથે રાજ્યમાં કુલ 13 જિલ્લા સંપૂર્ણ નલ સે જલ યુક્ત થશે તેમ તેમણે કહ્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોરોનાનું સંકટ હોય કે કુદરતી આફતનો કહેર, પ્રજાની પડખે રહી તેને હૂંફ અને સધિયારો આપવાના સેવાધર્મથી તેમની ટીમ ગુજરાત સતત દિનરાત ખડેપગે રહી છે. તેમણે રાજ્યમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નૂકશાન સામે બે તબક્કામાં 1 હજારથી વધુ કરોડના સહાય પેકેજનો લાભ અસરગ્રસ્ત 1530 ગામના 5.06 લાખ ખેડૂતોને અપાયો છે તેની અને માછીમારો માટે 265 લાખના સહાય પેકેજની પણ વિગતો આપી હતી.
મુખ્યમંત્રીએ 121 દિવસના જનહિતકારી શાસન દરમ્યાન લોકાભિમુખ વહિવટ અને લોકોના કામોનાં સરળીકરણના અનેકાનેક નિર્ણયો કર્યા છે, તેની પણ વિસ્તૃત વિગતો આપી હતી. તેમણે આ અંગે જણાવ્યું કે, ગુજરાતે ગુડ ગવર્નન્સની સ્પર્ધામાં દેશના રાજ્યોમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. એટલું જ નહિ પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારીજીના જન્મદિને સુશાસન સપ્તાહની ઉજવણી અન્વયે વિવિધલક્ષી વિકાસ કામોથી પ્રજાને લાભ આપવામાં પણ ગુજરાત અગ્રેસર રહ્યું છે.