ગુજરાતમાં 12,300 પોલીસ કર્મચારી કોરોનાથી સંક્રમિત

| Updated: July 6, 2021 2:59 pm

કોરોના મહામારી દરમિયાન ફ્રન્ટલાઈન વોરિયર તરીકે પોલીસે પ્રસંશનીય ફરજ બજાવી છે. ખાસ કરીને લોકોને પોતાની જવાબદારીનું ભાન કરાવવામાં પોલીસે દિવસ રાત જોયા વગર કામ કર્યું છે. લોકોને માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સનું મહત્ત્વ સમજાવવામાં પોલીસની મોટી જવાબદારી રહી છે.

જોકે, કોરોનાના સંક્રમણમાંથી તેઓ પણ બચી શક્યા નથી. ગુજરાતમાં એક લાખમાંથી 12,300 પોલીસ કર્મચારી અને અધિકારી કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા હતા. કોરોનાના કારણે જે પોલીસ કર્મચારીઓનું મૃત્યુ થયું તેમાંથી 64 ટકાને બીજી લહેરમાં ચેપ લાગ્યો હતો.

ચિંતાજનક વાત એ છે કે, 140 પોલીસકર્મી કોરોનાથી મૃત્યુ પામ્યા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે, 90 પોલીસ કર્મચારીઓ મહામારીની બીજી વેવમાં મૃત્યુ પામ્યા છે. જેની ટકાવારી 64 ટકા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ એવું પણ કહ્યું હતું કે, અત્યાર સુધીમાં 95 ટકા પોલીસ કર્મચારીઓને વેક્સિન આપી દેવામાં આવી છે. પોલીસ કર્મચારીઓ પણ એક ફ્રન્ટલાઈન વોરિયર્સ છે. અમે અમારી ટુકડી માટે ઘણા તકેદારીના પગલાં લીધા છે. એટલું જ નહીં, અમે તેમના પરિવારો માટે પણ યોગ્ય પગલાં લીધેલા છે. તેમને માસ્ક, સેનિટાઈઝર, હાથમાં પહેરવાના મોજા અને રોગપ્રતિકારક શક્તિ વધે એવી દવાઓ પણ આપવામાં આવી છે. આ પોલીસ તથા પોલીસ પરિવાર માટે કોવિડ કેર સેન્ટર પણ તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત DSP રેન્કના 18 પોલીસ અધિકારીઓને પણ ત્યાં ડ્યૂટી સોંપી છે.

જે પોલીસ કર્મચારી મેડિસિન ક્ષેત્રે પોસ્ટ ગ્રેજ્યુએટ છે. એમને તબીબો સાથે મદદનીશ તરીકે સારવાર કરવા ડ્યૂટી સોંપી છે. આ ઉપરાંત જુદા જુદા જિલ્લાઓમાં આવેલી લોકલ ક્રાઈમ બ્રાંચ અને બીજી અન્ય શાખાને પોલીસ પરિવારને મદદ કરવા માટેની જવાબદારી સોંપી છે. બીજા બધા કરતા અમદાવાદમાં સૌથી વધારે પોલીસ કર્મીઓ ડયૂટી કરી રહ્યા છે. એવામાં પોલીસ બેડામાં સંક્રમણની સંખ્યા પણ વધારે રહી છે. 2408 પોલીસકર્મી સંક્રમીત થયા છે. આ આંકડો માર્ચ 2020થી મે 2021સુધીનો છે. આ ઉપરાંત એક IPS અને એક DSP રેન્કના અધિકારીએ આ મહામારીમાં દમ તોડી દીધો હતો, જે પાછળનું કારણ કોરોના હતું.

માત્ર પોલીસ કર્મચારીઓ જ નહીં, અમદાવાદ નજીક કરાઈ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં પણ કોરોનાએ કહેર વર્તાવ્યો હતો. અહીં 174 તાલીમાર્થી સંક્રમિત થયા હતા. જુનાગઢ પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાંથી 23 પોલીસ તાલીમાર્થીને કોરોના થયો હતો.

Your email address will not be published.