ભારત સરકારની ટીકાને દબાવી દેવાનાં પ્રયાસનાં વિરોધમાં 14 શિક્ષણવિદોએ એઆઈઆઈ સાથે છેડો ફાડ્યો

| Updated: April 13, 2022 12:11 pm

ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓના 14 શિક્ષણવિદોએ મેલબોર્નમાં આવેલી ઓસ્ટ્રેલિયા ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ (એઆઇઆઇ) સાથે છેડો ફાડી નાખ્યો છે. આ શિક્ષણવિદોએ આક્ષેપ કર્યો છે કે એઆઇઆઇને ભારત સરકાર સંબંધી ચર્ચા કરવામાં રસ નથી. રાજીનામું આપનારા શિક્ષણવિદોનો આક્ષેપ છે કે એઆઈઆઈએ ભારત સરકાર અંગે કરાતી ટીકાને દબાવી દઇને તેના દુષ્પ્રચારને પ્રોત્સાહન આપ્યું હતું. આ શિક્ષણવિદોએ આ સંદર્ભમાં એક લેખ અને પોડકાસ્ટનો પણ હવાલો આપ્યો છે.

ગત 29 માર્ચે, એઆઇઆઇ સાથે જોડાયેલા 13 શિક્ષણવિદોએ મેલબોર્ન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડંકન માસ્કેલને સંબોધીને લખેલા રાજીનામા પત્ર પર સહી કરી હતી. પત્રમાં એઆઇઆઇ પર ભારત સરકારનો પ્રચાર, સરકારની ટીકાને અવગણવાનો અને તેને પ્રોત્સાહન આપવા અને ભારતીય લઘુમતીને હાંસિયામાં ધકેલવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ પછી અન્ય એક શિક્ષણવિદે રાજીનામું આપ્યું હતું.

રાજીનામાનાં પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, વર્ગ અને જાતિ પર એઆઈઆઈના એક સહયોગીની ટિપ્પણી પર કેટલીક ટીકા થઇ હતી.એઆઈઆઈએ ગાંધી પરના હુમલાઓની ચર્ચા કરવાના હેતુથી (મેલબોર્નમાં ગાંધીની પ્રતિમાના માથાને ધડથી અલગ કરવાના પ્રયાસને ધ્યાનમાં રાખીને) બે એઆઈઆઈનાં સહયોગી વતી તૈયાર કરવામાં આવેલા લેખના પ્રકાશનને ટેકો આપવાની ના પાડી હતી. પત્ર અનુસાર, તેમને કહેવામાં આવ્યું હતું કે એઆઈઆઈએ આ વિષયથી દૂર રહેવાનું નક્કી કર્યું છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, અમને એ પણ જાણવા મળ્યું છે કે ભારત અને વિદેશમાં આ બે સહયોગીઓ વતી કાસ્ટ એન્ડ કોર્પોરેશન નામના યર ટુ એશિયા પોડકાસ્ટનો પણ એઆઇની વેબસાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો, જ્યારે અન્યનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બંને બાબતો (નિબંધો અને પોડકાસ્ટ) મેલબોર્ન યુનિવર્સિટીના મેનેજમેન્ટ અને માર્કેટિંગ વિભાગના પ્રોફેસર હરિ બાપુજી અને પ્રોફેસર ડોલી કીકોનના પ્રોજેક્ટ્સ હતા. જે 14 લોકોએ રાજીનામું આપ્યું છે તેમાં બાપુજીનો પણ સમાવેશ થાય છે. અન્ડરસ્ટેન્ડિંગ મોર્ડન એટેક્સ ઓન ગાંધી શીર્ષકવાળા આ નિબંધમાં મહાત્મા ગાંધી પરના હુમલાઓ પાછળના સંભવિત કારણોની તપાસ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં તેમની મૂર્તિઓની તોડફોડનો પણ સમાવેશ થાય છે.

નિબંધ અને પોડકાસ્ટમાં શું હતું?
મેલબોર્ન યુનિવર્સિટીના એક મંચ ધ પર્સ્યુટ વતી પાછળથી પબ્લિશ કરાયેલા આ નિબંધમાં કહેવામાં આવ્યું છે કે, ગાંધીજીનું જીવન અને ભવિષ્ય માટેની તેમની દ્રષ્ટિ ભારતના બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતો અને તમામ ધાર્મિક જૂથોના અધિકારો સાથે જોડાયેલી છે. ધર્મસ્વાતંત્ર્યનો અધિકાર ભારતના બંધારણમાં પ્રસ્થાપિત થયેલો છે. પરંતુ આ સિદ્ધાંત હવે મહત્વ ગુમાવી રહ્યો છે, કારણ કે હિન્દુ રાષ્ટ્રવાદ વધી રહ્યો છે અને હવે બંધારણને બદલવાની વિચારણા પણ ચાલી રહી છે.

દરમિયાન 47 મિનિટના પોડકાસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત અને વિદેશમાં શિક્ષણથી લઈને ખાનગી નિગમો અને અમલદારશાહી સુધી, જાતિ પ્રણાલીનું મૂળ અને વિવિધ ક્ષેત્રો પર તેની અસર જાણી શકાય છે.

મેલબોર્ન યુનિવર્સિટીની સ્પષ્ટતા
મેલબોર્ન યુનિવર્સિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી અને એઆઇઆઇ રાજીનામું આપવાનાં શિક્ષણવિદોનાં નિર્ણયનું સન્માન કરે છે. અમે એઆઇઆઇ, તેના બોર્ડ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરનાં સમર્થનમાં મજબૂતપણે ઊભા છીએ. મેલબોર્ન યુનિવર્સિટી શૈક્ષણિક શૈક્ષણિક સ્વતંત્રતા અને વાણી સ્વાતંત્ર્ય માટે પ્રતિબદ્ધ છે. તેઓ અમારા મૂળ મૂલ્યો અને ઓળખ છે.યુનિવર્સિટી છેલ્લા બે વર્ષથી અમારી આ નીતિઓને મજબૂત કરવા માટે કામ કરી રહી છે અને આવા કોઈપણ આરોપોને ખૂબ ગંભીરતાથી લે છે તેમ પ્રવક્તાએ ઈ-મેલ પર જણાવ્યું હતું.

ઘણા શિક્ષણવિદો યુનિવર્સિટીની ટિપ્પણી સાથે અસંમત
જો કે, રાજીનામું આપનારા કેટલાક વિદ્વાનો અસંમત છે. તેમાંથી એકે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, તે એઆઈઆઈના નિર્ણયને એડિટોરિયલ નિર્ણય તરીકે ગણાવે છે તેથી તેની વિશ્વસનીયતા પર સવાલ ઉઠે છે. એઆઈઆઈ માટે પસંદ કરવામાં આવેલું મિશન અને ઓરિએન્ટેશન તેની સાથે બંધબેસતું નથી. આ સિવાય એઆઈઆઈને ટેકો આપતી ઘટનાઓ અને સામગ્રીની એક પેટર્ન રહી છે, જેણે વર્તમાન ભારત સરકારની પ્રશંસા કરતી વખતે પ્રોપેગેન્ડાનું સમર્થન કર્યું છે.

એઆઇઆઇ શું છે?
એઆઈઆઈની સ્થાપના ૨૦૦૮માં મેલબોર્ન યુનિવર્સિટીમાં કરવામાં આવી હતી. ભારતીયો સામે થયેલા હેટ ક્રાઇમને પગલે ઓસ્ટ્રેલિયાની સરકારે તેની સ્થાપના કરી હતી. જેના માટે 80 લાખ અમેરિકન ડોલરની ગ્રાન્ટ આપવામાં આવી હતી. તેનો હેતું શિક્ષણનાં માધ્યમથી બંને દેશો વચ્ચે વધુ સમજણ કેળવવાનો હતો.

Read Also: હિંદુત્વ કેવી રીતે હિંદુઓને જ નુકસાન કરશે?

Your email address will not be published.