રાજધાની દિલ્હીના ચિત્તરંજન પાર્ક વિસ્તારમાં ડિલિવરી બોયની બાઇક પરથી પડી ગયેલા મોટા થેલામાંથી એક સાથે 14 હજાર પ્રતિબંધિત ચાઇનીઝ ચાકુ મળતા લોકોમાં ડર ફેલાયો છે. પોલીસે તપાસ કરીને ચીની ચાકૂની તસ્કરીમાં સંડોવાયેલા પાંચ આરોપીઓને પકડીને જેલભેગા કર્યા છે.
સાઉથ ડિસ્ટ્રિક્ટના ડીસીપી બેનિતા મેરી જેકરે જણાવ્યું હતું કે 18 જુલાઈના રોજ બાતમી મળી હતી કે કોઈએ કુરિયર પેકેટ છોડી દીધું છે અને તેમા છરીઓ છે. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા તો ખબર પડી કે ડિલિવરી બપોયની બાઇક બેગ પરથી પડી ગઈ છે. તેમા રાખેલી તમામ છરીઓ કુરિયર પેકેટમાં પેક કરેલી હતી, જેના પર માલવીયા નગર વિસ્તારમાં મોકલનાર વ્યક્તિઓની વિગતો લખવામાં આવી હતી. તેના પછી પોલીસ પેકેટ પર લખેલા એડ્રેસ પર પહોંચી હતી, જ્યાં એક ગોડાઉનમાંથી મોહમ્મદ સાહિલ અને વસીમને પકડવામાં આવ્યા હતા. ગોડાઉનની તપાસ કરતા ત્યાંથી 533 બટનવાળી છરીઓ મળી આવી હતી. આ પછી પોલીસે આર્મ્સ એક્ટનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી.
પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન મોહમ્મદ સાહિલે જણાવ્યું હતું કે તેણે ઓનલાઇન શોપિંગ એપમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. માય સ્ટાઇલ નામની કંપની દ્વારા તે આ છરીઓ ઓનલાઇન વેચતો હતો. મોહમ્મદ યુસુફે તેના માટે કામ કર્યુ હતુ. તે સદર બજારમાંથી છરી ખરીદતો હતો અને માલવીયા નગરના ગોડાઉનમાં પહોંચતો હતો. આના પર પોલીસે મોહમ્મદ યુસુફની પણ ધરપકડ કરી હતી. આશિષની પૂછપરછ બાદ સદર બજારના એક ગોડાઉનમાંથી 13,440 છરીઓ મળી આવી હતી. પાંચમા ગુનેગાર મયંક બબ્બર ઉર્ફે મિકીની પણ ધરપકડ કરવામાં ાવી હતી. તે કેટુએમ ઇમ્પોર્ટર એન્ડ એક્સ્પોર્ટર ધરાવે છે, જેની ચીનમાં ઓફિસ છે. છરી ખરીદવાનો આદેશ હતો. ચીનથી આ છરીઓ કન્ટેનર મારફતે ભારત મોકલવામાં આવી હતી.
ભારતમાં પ્રતિબંધિત છે ચીની ચાકુઓ
દિલ્હીના પાર્કમાંથી જે ઘાતક ચાકુઓ મળ્યા છે તે ચાકુઓ ભારતમાં રાખવા ગેરકાયદેસર છે અને તે બટનથી સંચાલિત થાય છે. આવા ચાકુઓ પળવારમાં કોઈનો પણ જીવ લઈ શકે છે તેથી હથિયાર કાયદા હેઠળ તેને પ્રતિબંધિત જાહેર કરાયા છે. આવી સ્થિતિમાં પ્રતિબંધિત ચાકુઓનો મોટો જથ્થો મળવો જેવી તેવી વાત નથી.