અમદાવાદઃ ગૂડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (જીએસટી)નો હેતુ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં વધારો કરવાનો અને વધુને વધુ કારોબારોને તેના હેઠળ આવરી લેવાનો છે. પણ જીએસટીના આગમન પછી ગુજરાતમાં લગભગ 2.75 લાખ એકમ બંધ થઈ ગયા છે, તેઓએ તેમના જીએસટી નંબર સરન્ડર કરી દીધા છે, એમ રાજ્યના કોમર્સિયલ ટેક્સ વિભાગે જણાવ્યું હતું. ગુજરાતમાં હાલમાં 11.1 લાખ કરદાતા આ બંધ થયેલા એકમોના ચોથા ભાગ જેટલા થાય.
કોરોનાના લીધે છેલ્લા બે વર્ષમાં જ લગભગ 1.24 લાખ કારોબાર બંધ થયા છે. ઉદ્યોગની કંપનીઓએ આના માટે સર્વગ્રાહી આર્થિક નરમાઈને જવાબદાર ઠેરવી છે. આટલું ઓછું હોય તેમ કોમ્પ્લાયન્સનો બોજો ઉમેરાયો અને રોગચાળાએ કારોબારની ગતિ રૂંધી નાખી.
રાજ્યના કોમર્સિયલ વિભાગના ટોચના વર્તુળોએ જો કે અલગ જ ચિત્ર રજૂ કર્યુ છે. તેમના કહેવા મુજબ ઘણા બધા લોકોએ કારોબારની અપેક્ષાએ સ્વૈચ્છિક રીતે જીએસટીની નોંધણી કરાવી હતી. પણ કેટલાક કિસ્સામાં બધુ સમુસૂતરુ પાર ન પડ્યુ. લોકોને જ્યારે રિટર્ન ફાઇલ ન કરવા બદલ પેનલ્ટી ફટકારવામાં આવવા લાગી ત્યારે તે તેમના રજિસ્ટ્રેશન સરન્ડર કરતા જોવા મળ્યા. ઉદ્યોગની કંપનીઓનું કહેવું છે કે નાની અને મધ્યમ કદની કંપનીઓમાં કોમ્પ્લાયન્સનો બોજો ઘટાડવા માટે કોન્સોલિડેશન જોવા મળ્યું અને તેના લીધે પણ કંપનીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો.
છેલ્લા પાંચ વર્ષ દરમિયાન આર્થિક પરિસ્થિતિ કારોબારો પર પડેલી અસર અંગે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઇ)ના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પથિક પટવારીએ જણાવ્યું હતું કે નવા ટેક્સ રેજિમમાં ઘણા બધા કોમ્પ્લાયન્સની જરૂર પડે છે. તેમા માસિક રિટર્ન ફાઇલ કરવાથી લઈને કર ચૂકવણીનો સમાવેશ થાય છે. નાના કારોબારો કે એકમો પાસે જંગી ભંડોળ હોતું નથી અથવા તો તે લાંબી પેમેન્ટ સાઇકલમાં ફિટ થઈ શકતા નથી. તેના લીધે કેટલાય એકમોએ ક્યાં તો તેમનો કારોબાર બંધ કર્યો છે અથવા તો મોટી કંપનીઓ સાથે ભળી જવું મુનાસિબ સમજ્યું છે. દરેક રિટર્ન ફાઇલ કરવાનો કોમ્પ્લાયન્સ ખર્ચ પણ મોટો આવે છે, જે કેટલીય કંપનીઓને પોષાઈ શકે તેમ નથી.
પટવારીએ જણાવ્યું હતું કે ફુગાવો અને ભૂરાજકીય તનાવની સાથે સંલગ્ન આર્થિક નરમાઈના લીધે છેલ્લા ત્રણથી ચાર વર્ષ દરમિયાન માંગના ટ્રેન્ડમાં નરમાઈ જોવા મળી હતી. તેમા પણ ખાસ કરીને રોગચાળો ફાટી નીકળતા ઘણા બધા નાના વેપારીઓ, રેસ્ટોરા, ટેક્સ્ટાઇલ, રિટેલ અને ટ્રાવેલના અન્ય નાના કારોબારોએ બંધ થયા વગર છૂટકો ન હતો. તેના લીધે પણ રજિસ્ટ્રેશનમાં ઘટાડો થયો હતો.