કોઇ પાર્ટીમાં જતી યુવતી એકલી હોય અથવા કોઇના ટાર્ગેટ પર હોય ત્યારે તેની સાથે કોઇ પણ ખરાબ કૃત્ય કરવા માટે વપરાતું કેટામાઇન ડ્રગ્સ રાજસ્થાનથી યુએસએ જતુ હતુ. જેને કસ્ટમ વિભાગ અને ક્રાઇમ બ્રાંચે કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસ શાહિબાગ ખાતેથી પકડી પાડ્યું હતુ. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 2.95 કરોડ હોવાનું બહાર આવ્યું છે. પોસ્ટ દ્વારા આ ડ્રગ્સ રાજસ્થાનથી નવસારી અને ત્યાથી યુએસએ જવાનુ હતુ. રાજસ્થાન અને ગુજરાતમાં ડ્રગ્સના કનેક્શન મોટા પાયે હોવાનું બહાર આવ્યું છે.
કોસ્મેટિક સાધનો, મરી મસાલા, કપડાં વગેરેની આડમાં રાજસ્થાન પુષ્કરથી વાયા નવસારી પોસ્ટ ઓફિસ મારફતે કેટામાઇન હાઇડ્રોક્લોરાઇડ નામનું ડ્રગ્સનો જથ્થો જતો હોવાની માહિતી મળતી હતી. ક્રાઇમ બ્રાંચે કસ્ટમ વિભાગના ડેપ્યુટી કમિશનરની મદદ લીધી હતી અને આ પાર્સલ રોકાવી દીધું હતુ. આ પાર્સલ શાહિબાગ સ્થિત કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસ શાહિબાગ ખાતે રોકી પોલીસે ખોલી તપાસ કરી હતી. તેમાં કોસ્મેટીક સાધનો, મરી મસાલા અને કપડા મળી આવ્યા હતા. જેમાં ચુર્ણના બે પ્લાસ્ટીકના ડબ્બા હતા 590 ગ્રામના આ ડબ્બામાં સફેદ સ્ફટિકમય પદાર્થ પાવડર હતો.
આ પદાર્થ પ્રુથક્કરણ માટે ગાંધીનગર એફએસએલ મોકલી આપ્યો હતો. જેમાં આ કેટામાઇન હાઇડ્રોક્લોરાઇડ નામનું ડ્રગ્સ હોવાનું બહાર આવ્યું હતુ. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 2.95 કરોડ હોવાનું ખુલ્યું હતુ. પાર્સલ મોકલનાર શખ્સ સામે ક્રાઇમ બ્રાંચે ગુનો નોધ્યો હતો અને તેની રાજસ્થાનથી અટકાયત પણ કરી હોવાનું બહાર આવ્યું છે. આમ ભારતમાંથી વિદેશ મોકલવાના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોસ્ટ વિભાગના અધિકારીઓ કે અન્ય કોઇની ભુમિકા છે કે કેમ તેની પણ પોલીસ જીણવટભરી તપાસ હાથ ધરવામાં આવશે.
આ ડ્રગ્સનો ઉપયોગ કેવી રીતે થાય
આ ડ્રગ્સને પાર્ટી ડ્રગ્સ તરીકે ઓળખાય છે. જે વિદેશમાં અને ભારતમાં જ્યા પણ રેવ પાર્ટી યોજાય છે. ત્યા આ ડ્રગ્સનો ઉપયોગ થાય છે. આ ડ્રગ્સ સામાન્ય રીતે કોઇ યુવતીના કોલ્ડ્રીકસમાં નાખી દેવામાં આવે છે. જેના બાદ યુવતી અર્ધ બેભાન કે સામે વાળા વ્યક્તિના તાબે થઇ જાય છે. આ પાર્ટીમાં જે યુવતીઓ તાબે ન થાય તેમની કોલ્ડ્રિંકસમાં આ ભેળવીને તેમનું શારીરીક શોષણ કરવામાં આવે છે. આ યુવતીઓ ભાનમાં આવે ત્યા સુધી તેમનું સર્વસ્વ લૂંટાઇ ગયુ હોય છે. વિદેશમાં ઉપયોગમાં આવતું ડ્રગ્સ હવે ભારતમાં પણ બેફામ ઉપયોગ થઇ રહયો છે. તે નકારી શકાય તેમ નથી.
સ્નિફર ડોગને ડ્રગ્સની સ્મેલ આવતી નથી
મહત્વની વાત તો એ છે કે પહેલા વિદેશતી તૈયાર થઇ ડ્રગ્સ ભારતમાં આવતુ હતુ અને હાઇપ્રોફાઇલ વિસ્તારમાં એક મોટા વર્ગના લોકો લેતા હતા. હવે આવા ડ્રગ્સ ભારતથી વિદેશમાં જતા હોવાનું ક્રાઇમ બ્રાંચની તપાસમાં બહાર આવ્યું છે. હવે ભારતના ડ્રગ્સ માફિયા ક્યા ક્યા આ ડ્રગ્સ મોકલે છે તેની તપાસ ક્રાઇમ બ્રાંચે હાથ ધરી છે. જોકે આ ડ્રગ્સ ગરમ મસાલાની આડમાં સંતાડી દેવામાં આવે છે અને વિદેશ મોકલવામાં આવે છે ત્યારે આ ડ્રગ્સને સ્નિફર ડોગ જે સ્પેશિયલી ડ્રગ્સ ઓળખવાનું કામ કરે છે તે પણ આ ડ્રગ્સને શોધી શકવામાં અસફળ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
વિવિધ પાર્સલમાં વિદેશ અને રાજ્યોમાંથી મોંઘા ડ્રગ્સ વેચાણ થાય છે
રાજ્યમાં અલગ અલગ પાર્સલ સેવાઓ ચાલી રહી છે જેમાં પ્રાઇવેટ અને સરકારી બંનેનો સમાવેશ થાય છે પરંતુ તે મારફતે અનેક ડ્રગ્સ અથવા સંવેદનશીલ વસ્તુઓની હેરફેર થઇ રહી છે. તે સ્પષ્ટ છે અગાઉ પણ અમદાવાદ જિલ્લામાં વિદેશથી ડ્ર્ગ્સ મંગાવતો શખસ પકડાયો હતો. અગાઉ અનેક પાર્સલ સેવાઓ કરતી સંસ્થાઓ પણ ડ્રગ્સમાં પકડાઇ ચુકી છે.