વીસ વર્ષ પછી પણ ભાજપના રથને નરેન્દ્ર મોદી જ ખેંચી રહ્યા છે

| Updated: October 8, 2021 7:55 am

7 ઓક્ટોબર 2001ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે ભાજપ મુશ્કેલીમાં હતો. મોદીએ તે સમયે જાહેરાત કરી હતી કે, “હું અહીં વન-ડે મેચ રમવા આવ્યો છું.” 1995માં સૌપ્રથમ વખત પૂર્ણ બહુમતીની સરકાર રચ્યાના છ વર્ષની અંદર ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ હતો. તે સમયે મોદી સામે વિકટ પડકાર હતો. પત્રકારોએ તેમને એજન્ડા વિશે પૂછ્યું ત્યારે તેમણે એક અખબારની હેડલાઈનને ટાંકીને કહ્યું હતું, “મોદી ટાયર પર રથયાત્રા”.

વીસ વર્ષ બાદ કહી શકાય કે મોદી વન-ડે નહીં પણ ટેસ્ટ મેચ રમે છે જેમાં બોલર, બેટ્સમેન અને ત્રણેય અમ્પાયરની ભૂમિકા પણ મોદી જ ભજવે છે. સ્થિતિમાં કોઈ ફેર નથી પડ્યો. 7 ઓક્ટોબર 2021ના રોજ તેઓ એ જ વ્યક્તિ છે જે 7 ઓક્ટોબર 2001ના રોજ હતા. ફરક એટલો કે તેઓ શક્તિશાળી મુખ્યમંત્રીમાંથી શક્તિશાળી વડાપ્રધાન બની ગયા છે. તેઓ પોતાની સ્ટાઈલને ગુજરાત મોડેલ ગણાવે છે, પરંતુ વાસ્તવમાં તે મોદી મોડેલ છે.

ગુજરાતમાં તેમણે એવી સ્થિતિ ઉભી કરી કે જો તમે તેમને હટાવો તો પાર્ટી પડી ભાંગશે. અત્યારે મોદી સૌથી આગળ છે અને ભાજપ બીજા ક્રમે છે. રાષ્ટ્રીય સ્તરે પણ આજે પરિસ્થિતિ અલગ નથી. જો તેઓ અચાનક ગુજરાતમાં મુખ્યમંત્રી અને તેમની આખી ટીમને કોઈને પૂછ્યા વગર હટાવી શકે, તો તેઓ તેમના કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ આવું કરી શકે છે. ગુજરાતમાં 2014 અને સપ્ટેમ્બર 2021 વચ્ચે ત્રણ મુખ્યમંત્રી આવી ગયા, તો ઉત્તરાખંડને 4 વર્ષથી ઓછા સમયમાં આટલા મુખ્યમંત્રી મળ્યા.

ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે મોદીની રાજનીતિ અને શાસનની શૈલી પર નજર નાખીએ તો તેમાં પ્રધાનમંત્રી પદ તરીકેની કામગીરીનું પ્રતિબિંબ પડે છે.

નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર, 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

ગુજરાતમાં 2002થી 2014 અને 2019ની રાષ્ટ્રીય ચૂંટણીઓ દરમિયાન, મોદીએ ભાજપને અખંડ સત્તાની ઊંચાઈએ પહોંચાડ્યો છે. તેમણે કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરી હતી અને 2019ની લોકસભા ચૂંટણી પછી સૌથી જૂની પાર્ટીને 44 બેઠકો માંડ મળી હતી. તેના કારણે કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ પણ ન મળ્યું. જે રાજ્યોમાં ભાજપ હારી ગયું ત્યાં સત્તા છીનવી લેવામાં આવી. ગુજરાત જેવા રાજ્યમાં તેના માટે સહેજ જોખમ પેદા થયું તો ડઝનેક ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી દીધી અને ભાજપમાં જોડાઈ ગયા.

તેઓ 2002માં ખુલ્લે આમ કોમ્યુનલ પ્રચાર કરીને સત્તા પર આવ્યા હતા જેમાં તેઓ મિંયા મુશરર્ફ વિરુદ્ધ બોલતા ત્યારે તેનો ઇશારો મુસ્લિમો સામે હતો અને જેમ્સ માઈકલ લિંગ્દોહ (તત્કાલિન ચૂંટણી કમિશ્નર)નું નામ લેતા ત્યારે ખ્રિસ્તિઓ નિશાન પર હતા. લિંગ્દોહે ગુજરાતમાં વહેલી ચૂંટણી રચવાની મંજૂરી ન આપી ત્યારે મોદી પોતાના ચૂંટણી પ્રચારમાં તેમનું આખું નામ લેતા હતા.

ગોધરાકાંડ પછીના તોફાનો વખતે મોદી સરકાર સામે હિંસા ફેલાવવાનો આરોપ હતો. તેમણે સૌથી લાંબો ચૂંટણી પ્રચાર કર્યો જે એપ્રિલથી લઈને ડિસેમ્બર 2002 સુધી ચાલ્યો. આખી દુનિયામાં તેમની સરકારની ઇમેજને કલંક લાગ્યો હતો ત્યારે મોદીએ તેને ગુજરાતની અસ્મિતા અને ગૌરવનો મુદ્દો બનાવી દીધો અને તેમાં સફળ રહ્યા.

ગયા સપ્ટેમ્બરમાં મોદીએ મુખ્યમંત્રી વિજય રુપાણી અને તેમની આખી કેબિનેટને બદલી નાખી. અગાઉ તેમણે રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરને પણ પડતા મુક્યા હતા. તેઓ પહેલીવાર મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે તમામ છ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તમામ મ્યુનિસિપલ કાઉન્સિલરોને બદલી નાખ્યા હતા અને બધાના વિજય માટે એકલા હાથે કેમ્પેઈન કર્યું હતું. 2019માં તેઓ ચૂંટણી પ્રચાર વખતે કહેતા, “આપનો એક એક મત મોદીના ખાતામાં જશે.”

મોદી પછી કોણ?
પણ આની એક વરવી બાજુ પણ છે. મોદીના વ્યક્તિત્વ આસપાસ એવી આભા રચાઈ છે કે તેની સામે ભાજપ વામણો થઈ ગયો છે. એટલું જ નહીં, રાજ્યોમાં બીજી હરોળના નેતૃત્વનો પણ વિકાસ થઈ શક્યો નથી. ગુજરાતનું જ ઉદાહરણ લો. ગુજરાતમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બનેલા કેશુભાઈ પટેલ પાસેથી મોદીએ 2001માં સત્તા સંભાળી ત્યાર બાદ રાજકીય રીતે કેશુભાઈ લગભગ ખતમ થઈ ગયા. 1998માં કેશુભાઈએ મોદીને ગુજરાતમાંથી બહાર મોકલી દીધા હતા અને તેમના ઉગ્ર વિરોધી બની ગયા હતા.

ત્યારબાદ કેશુભાઈએ પાટીદારોનું પ્રભુત્વ હોય તેવો પક્ષ રચવાનો વ્યર્થ પ્રયાસ કર્યો હતો, પરંતુ 2007ની વિધાનસભા ચૂંટણીમાં તેમને ભારે નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો. કેશુભાઈની ગુજરાત પરિવર્તન પાર્ટીએ ભાજપમાં ભળી જવું પડ્યું અને તેના સૌથી મહત્ત્વના નેતા ગોરધન ઝડફિયાએ વારાણસી અને ઉત્તર પ્રદેશમાં વડાપ્રધાન મોદી માટે કામ કરવું પડ્યું હતું.

મેધા પાટકરના નર્મદા બચાઓ આંદોલન સામે કાનૂની અને રાજકીય લડતમાં અગ્રેસર રહીને કામ કરનારા તથા સરદાર સરોવર પ્રોજેક્ટને સાકાર કરવામાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવનારા જય નારાયણ વ્યાસની પણ આવી હાલત થઈ હતી. તેમને ચૂંટણીમાં ટિકિટ તો આપવામાં આવી પરંતુ પાર્ટીની અંદરથી જ કથિત રીતે એવી ચાલબાજી થઈ કે તેઓ હારી ગયા. આજે જય નારાયણ વ્યાસને પાર્ટીની કોઈ મહત્ત્વની બેઠકમાં આમંત્રિત પણ નથી કરાતા અને પક્ષના મહત્ત્વના નિર્ણયોમાં પણ સામેલ નથી કરાતા. અમદાવાદમાં એક સમયે ભારે પ્રભાવ ધરાવતા અશોક ભટ્ટને વર્ષમાં માત્ર બે વખત મળતી વિધાનસભાના સ્પીકર બનાવી દેવાયા. મોદી માટે એલિસબ્રિઝની બેઠક ખાલી કરવાનો ઈનકાર કરનાર હરેન પંડ્યાને તો ડિસેમ્બર 2002ની ચૂંટણી વખતે ટિકિટ પણ નહોતી મળી.

આજે ગુજરાતમાં મોદીનું સ્થાન લઈ શકે તેવા કોઈ નેતા નથી. રાજ્યના મુખ્યમંત્રી હવે રબર સ્ટેમ્પથી વિશેષ નથી જેમને ગમે ત્યારે બદલી શકાય છે અને કોઈ કંઇ બોલી પણ નથી શકતું. વિજય રુપાણી, નીતિન પટેલ અને બીજા સિનિયર નેતાઓ સહિત આખા મંત્રીમંડળને હટાવી દેવાયું છતાં કોઈ કંઇ કરી શક્યું નહીં. 2022ની વિધાનસભા ચૂંટણી અગાઉ 2021માં ફેબ્રુઆરીમાં રુપાણીની આગેવાની હેઠળ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપે જોરદાર દેખાવ કર્યો હોવા છતાં તેમને પણ પડતા મુકાયા.

અહીં મોદીની આવડત કામ કરી જાય છે. તેઓ પહેલા દિવસથી જ જાણતા હતા કે રાજ્યના વહીવટની નાની નાની બાબતો કરતા લોકોના મનમાં સરકાર વિશે ધારણા કેવી છે તે વધુ મહત્ત્વનું છે. તેથી જ તેમણે સત્તા પર આવ્યા પછી તરત વાઈબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમો શરૂ કર્યા જેમાં તેઓ દેખાડવા માંગતા હતા કે “વિરોધપક્ષો અને મીડિયાએ” ગુજરાતની ભલે ગમે તેવી છબિ ઉભી કરી હોય, પરંતુ ગુજરાત એ રોકાણ માટે એક આદર્શ સ્થળ છે અને તેમના નેતૃત્વ હેઠળ ગુજરાત એક આધુનિક રાજ્ય બન્યું છે. અરુણ શૌરી જેવા અભ્યાસુ નેતાઓ અને જુદી જુદી વિચારધારાના પત્રકારો પણ મોદીથી અત્યંત પ્રભાવિત થયા હતા. થોડા જ સમયમાં હિંદુત્વના આઈકોન ગણાતા મોદીએ પોતાની જાતને એક વિઝનરી નેતા તરીકે રજૂ કર્યા જેઓ વિકાસનો એકદમ નવો એજન્ડા ધરાવતા હતા. મોદીએ પોતાની પ્રભાવશાળી વાણીથી હિંદુત્વ અને વિકાસની વાતોના એવા તાણાવાણા રચ્યા કે આ બંને ચીજો જાણે એક જ હોય તેવું લાગે છે.

Your email address will not be published. Required fields are marked *