ગોતામાં 200 કરોડનું લેન્ડ ડીલઃ કોવિડ કટોકટીમાંથી આળસ મરડીને બેઠું થતું અમદાવાદનું રિયલ્ટી માર્કેટ

| Updated: May 10, 2022 12:08 pm

અમદાવાદઃ અમદાવાદનું રિયલ એસ્ટેટ માર્કેટ કોવિડ-19 કટોકટીમાંથી આળસ મરડીને બેઠું થઈ ગયું છે. તેનો પુરાવો હોય તો તે ગોતામાં 200 કરોડમાં જમીનનો સોદો થયો તે છે. આ સોદો ફક્ત 40 જ દિવસમાં પૂરો થઈ ગયો છે. ડેવલપરે ગોતામાં 21 હજાર સ્કવેર યાર્ડનો પ્લોટ વિકસાવ્યો છે.

બજારના વર્તુળોનું કહેવું છે કે આ ડીલનું કદ 200 કરોડનું છે. શિલ્પ ગ્રુપ દ્વારા ખરીદવામાં આવેલા આ પ્લોટમાં લક્ઝરી રેસિડેન્સિયલ બિલ્ડિંગ બનાવવામાં આવનાર છે.

આ પહેલા એપ્રિલના પ્રારંભમાં જ અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં 250 કરોડનો સોદો પડ્યો હતો. આ જમીન પર પણ 30 માળની રહેણાક સ્કીમ અમલમાં આવનારી છે. આ ડીલને સમર્થન આપતા શિલ્પ ગ્રુપના ચેરમેન યશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે આ ડીલ આગામી કેટલાક સમયમાં જરૂરી પેપરવર્ક પૂરું થવાની સાથે જ પૂરુ થઈ જશે. અમે ગોતામાં પ્લોટ ખરીદ્યો છે અને તે એસજી રોડની ઘણો નજીક છે.  બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે આ પ્લોટ પર થ્રી અને ફોર બીએચકેના પ્રીમિયમ એપાર્ટમેન્ટ અસ્તિત્વમાં આવશે.

શિલ્પ ગ્રુપ આ સ્કીમમાં 300 એપાર્ટમેન્ટ બનાવવાનું આયોજન ધરાવે છે. આ પ્લોટની એફએસઆઇ 4.0 છે. બિલ્ડરોનું કહેવું છે કે તેઓ આ પ્લોટનો સારી રીતે વિકાસ કરી શકે છે. એસજી રોડ પર ફ્લાયઓવર અને સારી કનેક્ટિવિટીના લીધે આ વિસ્તારમાં એક્સેસિબિલિટી વિકસી છે. તેના પરિણામે આ વિસ્તારમાં માંગ અને ભાવ પણ ઉચકાયા છે.

અમદાવાદ રાજ્યના ઊંચામાં ઊંચા બિલ્ડિંગોનું હોમ બનવા જઈ રહ્યું છે. રાજપથ ક્લબ નજીક 41 માળના ઊંચા કોમર્સિયલ પ્રોજેક્ટ અસ્તિત્વમાં આવી રહ્યા છે. આ ડીલ અંગે ટિપ્પણી કરતાં રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટે જણાવ્યું હતું કે એસજી રોડને જબરજસ્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પુશ મળ્યું છે. એક પછી એક ઓવરબ્રિજના નિર્માણ અને દહેગામથી સરખેજ સુધી 60 કિ.મી.ના છ લેનના માર્ગે એસ.જી. રોડની કાયા જ પલટ કરી નાખી છે. આના લીધે કોઈપણ વ્યક્તિ અમદાવાદથી ગાંધીનગર ગણતરીની મિનિટોમાં પ્રવાસ કરી શકે છે. તેના લીધે આ રોડની આસપાસના બધા જ વિસ્તારોમાં કોમર્સિયલથી લઈને રહેણાક વિસ્તારના ભાવ ઉચકાયા છે.

કન્સલ્ટન્ટે જણાવ્યું હતું કે વર્ષો વીતવાની સાથે કોર્પોરેટ હાઉસીસનો પ્રવાહ વૈષ્ણોદેવી સર્કલથી સરખેજના રોડ તરફ ફંટાયો છે. આજે વૈષ્ણોદેવી સર્કલથી લઈને સરખેજ સુધી જુઓ તો બંને બાજુએ રહેણાક વિસ્તાર ભાગ્યે જ દેખાશે પરંતુ કોર્પોરેટ હાઉસિસ જ દેખાશે. આજે એસજી રોડ સાથે લિંક્ડ હોય તેવા બધા જ રહેણાક વિસ્તાર અને પ્રોપર્ટીની માંગમાં જોરદાર ઉછાળો નોંધાયો છે.

Your email address will not be published.