2000 રૂપિયાની અને 500ની નકલી નોટમાં સો ગણાથી પણ વધુ વધારો

| Updated: August 3, 2022 12:30 pm

નોટબંધી (#Demonatisation) કાળાબજારને (#Blackmarket)અને કાળા નાણાને (#Blackmoney) અંકુશમાં લાવવા માટે લવાઈ હતી. પણ આજે તેને પાંચ વર્ષ કરતાં પણ વધારે સમય વીતી ગયો છે ત્યારે પરિસ્થિતિ અત્યંત વિપરીત છે. આ સમયગાળામાં સરકાર દ્વારા નવી લાવવામાં આવેલી 2000ની નોટની નકલી નોટની સંખ્યામાં 100 કરતાં પણ વધુ ગણો વધારો થયો છે. જ્યારે 500ની નકલી નોટમાં પણ સો ગણા કરતા વધુ વધારો થયો છે.

રિઝર્વ બેન્કનું પોતાનું જ કહેવું છે કે 500ની નકલી નોટ 2017-18માં માંડ 9,892 હતી તે 2021-22ના અંતે વધીને 2,30,971 થઈ હતી. આ જ રીતે 2016માં 2000ની નકલી નોટ 2,272 હતી. તે આંકડો 2020ના અંતે વધીને 2,44,834 થઈ ગયો છે.

લોકસભામાં લેખિત જવાબમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે 2016માં 2000 રૂપિયાની માંડ 2,272 નકલી ચલણી નોટ જપ્ત કરવામાં આવી હતી. 2017માં આ આંકડો વધીને 74898, 2018માં 54,776, 2019માં 90,566, 2020માં આ આંકડો 2,40,240 થયો હતો. આમ બે હજારની બનાવટી ચલણી નોટોની સંખ્યા રીતસર વધી જ રહી છે. 2019થી 2020ની વચ્ચે 2000ની નકલી ચલણી નોટોમાં 170 ટકાનો વધારો થયો છે. જ્યારે 2021-22માં 2000ની બનાવટી ચલણી નોટ પકડાવવાના પ્રમાણમાં 55 ટકા હતુ.  તેની સામે બેન્કિંગ સિસ્ટમમાં નકલી નોટ પકડવાની સંખ્યામાં ઘટાડો થયો છે.

આ પણ વાંચોઃ ગુજરાતના વિકાસનું મોડેલઃ નકલી નોટોની જપ્તીમાં રાજ્ય દેશમાં ટોચ

2018-19થી 2020-21 સુધી બેન્કિંગ સિસ્ટમમાં આવી નોટોની સંખ્યા ઘટી છે. 2021-22માં આ સંખ્યા 13,604 હતી, જે ચલણમાં 2000 મૂલ્યની બેન્ક નોટોના કુલ સંખ્યાના 0.000635 ટકા છે. નકલી ભારતી ચલણી નોટો (FICN)ના પરિભ્રમણને રોકવા માટે સરકારે ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ 1967 અમલી બનાવ્યો. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની રચના કરી. સુરક્ષા વચ્ચે ગુપ્ત માહિતી અને માહિતી શેર કરવા માટે રાજ્યો અને કેન્દ્રની એજન્સીઓ વચ્ચે FICN કોઓર્ડિનેશન ગ્રુપ (FCORD)ની રચના કરી હતી. તેણેNIAમાં ટેરર ફંડિંગ અને ફેક કરન્સી (TFFC) સેલની પણ રચના કરી હતી,  જેથી ટેરર ફંડિંગ અને નકલી ચલણના કેસોની કેન્દ્રિત તપાસ કરવામાં આવે.

તેમણે જણાવ્યું હતું કે FICN દાણચોરોની માહિતીના આદાનપ્રદાન અને વિશ્લેષણ માટે વિશ્વાસ અને સહકાર બનાવવા ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સંયુક્ત ટાસ્ક ફોર્સ કાર્યરત છે. ચૌધરીએ એલએસએને માહિતી આપી હતી કે બનાવટી ચલણી નોટોની દાણચોરી અને ચલણને રોકવા અને અટકાવવા માટે બાંગ્લાદેશ માટે એક એમઓયુ પર સહીસિક્કા કરવામાં આવ્યા છે.

Your email address will not be published.