22 લાખનો ATM ફ્રોડઃ ગુજરાતના ખેડૂતને બધી રકમ પરત કરવા બેન્કને આદેશ

| Updated: May 17, 2022 4:51 pm

અમદાવાદઃ ગુજરાત રાજ્ય ગ્રાહક નિવારણ પંચે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા (સીબીઆઇ)ને ખેડૂતના એટીએમ કાર્ડ વડે છેતરપિંડીપૂર્વક તેના ખાતામાંથી ઉપાડવામાં આવેલા 22 લાખથી પણ વધુ રકમ વ્યાજ સાથે પરત કરવા આદેશ આપ્યો છે. બેન્કે ગ્રાહક તરીકે ખેડૂતને જારી કરેલું એટીએમ કાર્ડ ક્યારેય તેના સુધી પહોંચ્યું જ ન હતુ અને તેના ખાતામાંથી છેતરપિંડીપૂર્વક આ રકમ ઉપડી ગઈ હતી. આશ્ચર્યની વાત તો એ છે કે ખેડૂતે ના પાડી હોવા છતાં પણ બેન્ક દ્વારા તેના ડેબિટ કાર્ડ જારી કરી દેવામાં આવ્યું હતું. ખેડૂતે જણાવ્યું હતું કે હું ફક્ત ચેકનો જ ઉપયોગ કરું છું, કાર્ડનો ઉપયોગ કરતો નથી. આમ છતાં બેન્કે તેને ડેબિટ કાર્ડ જારી કર્યુ હતુ.

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે બેન્ક કર્મચારી દ્વારા કાર્ડ ચોરી કરવામાં આવ્યું હતું અને ખેડૂતના ખાતામાંથી નાણા ઉપાડી લેવાયા હતા. કોર્ટે બેન્કને ખેડૂતને સર્વિસ પૂરી પાડવામાં નિષ્ફળ જવા માટે અને તેને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે પણ જવાબદાર ઠેરવી છે. કોર્ટે ખેડૂતને થયેલી માનસિક હેરાનગતિના લીધે 50,000નું વળતર આપવા અને દસ હજારનો કાયદાકીય ખર્ચ આપવા જણાવ્યું છે.

આ કેસની વિગત એવી છે કે જૂનાગઢ જિલ્લાના સાગરવડા ગામના ખેડૂત મનસુખલાલ ચોવટિયાને રાજ્ય સરકારે ફેબ્રુઆરી 2016માં તેમના જમીન સંપાદન બદલ 27.88 લાખનું વળતર ચૂકવ્યુ હતું. તેમણે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની ખલીલપુર શાખામાં ખાતુ ખોલાવ્યું હતું. તેમને એટીએમ કાર્ડ ઓફર કરવામાં આવ્યું હતું, પણ તેમણે ઇન્કાર કર્યો હતો, કારણ કે તેઓ તેનો ઉપયોગ કરવાનું જાણતા ન હતા. તેઓ ચેકથી જ વ્યવહાર કરવાનું પસંદ કરતા હતા. તેમણે પછી ચેક દ્વારા 5.80 લાખની રકમ ઉપાડી.

તેમણે જ્યારે સપ્ટેમ્બરમાં પાંચ લાખની રકમનો ચેક જારી કર્યો ત્યારે તેમને આંચકો લાગ્યો કે તેમના ખાતામાં ફક્ત 154.71 રૂપિયા જ બેલેન્સ હતું. તેમને કહેવામાં આવ્યું હતું કે 22.46 લાખની રકમ ખાતામાંથી ઉપાડવામાં આવી હતી. ચોવટિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેને કાર્ડ મળ્યું જ નથી. તેમણે તરત જ ખાતામાંથી ઘયેલી આ રકમ માટે બેન્કમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે પછી પોલીસમાં પણ આ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ફરિયાદના પગલે તપાસ હાથ ધરી હતી અને તેમા જાણવા મળ્યું હતું કે તેમનું એટીએમ કાર્ડ ચોરાઈ ગયુ છે અને તેમા આરોપી તરીકે બેન્કના જ કર્મચારી મહેશભાઈ વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે. તે બેન્કમાં દેનિક વેતનદાર તરીકે કામ કરે છે. પોલીસ તપાસમાં જણાવાયું હતું કે રકમ એટીએમ કાર્ડ દ્વારા વારંવાર ઉપાડવામાં આવી હતી.

ચોવટિયાએ ના પાડી હોવા છતાં શા માટે બેન્કે તેમને કાર્ડ આપ્યું હતું તેના જવાબમાં બેન્કે દલીલ કરી હતી કે રિઝર્વ બેન્ક લોકોને કાર્ડ દ્વારા ટ્રાન્ઝેકશન માટે પ્રોત્સાહિત કરવા દબાણ કરે છે, તેના પગલે તેમણે ખેડૂતને કાર્ડ આપ્યું હતું. પણ સુનાવણીમાં ગ્રાહક નિવારણ પંચનું તારણ હતું કે બેન્ક મૂલ્યવાન એટીએમ કાર્ડની અને તેના પાસવર્ડની સલામતી સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ ગઈ છે. બેન્ક તેના ગ્રાહક માટે એટીએમની સલામત કસ્ટડી પૂરી પાડી શકી નથી. બેન્કના કર્મચારીના કોઈપણ પ્રકારના નિષ્કાળજીભર્યા કે બદઇરાદાવાળા કૃત્ય માટે બેન્ક પોતે જવાબદાર છે, પછી ભલે તે કર્મચારી કાયમી હોય કે હંગામી હોય.

Your email address will not be published.