કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ બુધવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે સરકાર 2024 સુધીમાં 26 ગ્રીન એક્સપ્રેસ હાઇવેનું નિર્માણ કરશે અને તેના લીધે દેશના મુખ્ય શહેરો વચ્ચે મુસાફરીનો સમય ઘટશે.
ગડકરીએ જણાવ્યું હતું કે એક વખત એક્સપ્રેસ હાઇવે પૂરો થયા પછી દિલ્હીથી દહેરાદૂન, હરિદ્વાર અને જયપુરની મુસાફરીના સમયમાં અઢી કલાકનો ઘટાડો થશે. તેમણે રાજ્યસભાના સભ્યોને જણાવ્યું હતું કે દિલ્હીથી ચંદીગઢ અઢી કલાક, દિલ્હીથી અમૃતસર ચાર કલાક અને દિલ્હી-મુંબઈ 12 કલાકમાં પહોંચી શકાશે. હું ખાતરી આપું છું કે દેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગો 2024 સુધીમાં અમેરિકા જેવા હશે.
તેમણે જણાવ્યું હતું કે માર્ગ પરિવહન મંત્રાલય ટોલ પર ટ્રાફિકની સમસ્ય ઘટાડવા માટે ટોલ પ્લાઝાના બદલે બીજી ટેકનોલોજીઓ અપનાવવા પર વિચાર કરી રહ્યુ છે. સરકાર ટોલ વસૂલવા માટે બે નવા વિકલ્પો પર વિચાર કરી રહી છે. પહેલો વિકલ્પ સેટેલાઇટ આધારિત સિસ્ટમ છે, જેના દ્વારા વાહનમાં જ જીપીએસ રાખવામાં આવશે. વાહન માલિકના બેન્ક ખાતામાંથી સીધો ટોલ કપાઈ જશે. બીજો વિકલ્પ નંબર પ્લેટ છે. તેણે કહ્યુ 2019થી અમે નવી ટેકનોલોજી સાથે નવી નંબરપ્લેટ શરૂ કરી છે. આ કમ્પ્યુટરાઇઝ્ડ સિસ્ટમ હશે, જેના દ્વારા અમે સોફ્ટવેરનો ઉપયોગ કરીને ટોલ વસૂલી શકીશું.
તેમણે જણાવ્યું હતું કે આ સિસ્ટમમાં તે પોઇન્ટને રજિસ્ટર કરવામાં આવશે જ્યાં વાહન ટોલવાળા હાઇવેમાં પ્રવેશે છે અને પછી ટોલવાળા હાઇવેમાંથી બહાર નીકળે છે તેની નોંધણી કરાશે. હાઇવે પર કાર ચાલતા કિલોમીટર દીધ માલિકના ખાતામાંથી ટોલ ટોલ કાપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે મંત્રાલયે આ બંનેમાંથી કઈ ટેકનોલોજી અપનાવવી તેના અંગે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી પરંતુ મોટાભાગે છ મહિનાની અંદર સરકાર ગમે તે એક ટેકનોલોજી પર પસંદગી ઉતારશે.
તેમણે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક ટોલ કલેકશન સિસ્ટમ ફાસ્ટેગે ટોલ વસૂલવમાં જબરજસ્ત ફાળો આપ્યો છે. તેમણએ કહ્યું હતું કે આજ સુધીમાં 5.56 કરોડ ફાસ્ટેગ જારી કરવામાં આવ્યા છે. ફાસ્ટેગ દ્વારા થતું સરેરાશ દૈનિક ટોલ કલેકશન 120 કરોડ રૂપિયા છે. આ કલેકશન બીજા એક્સપ્રેસ હાઇવેનું નિર્માણ થતા અને ટોલ કલેકશનની નવી ટેકનોલોજી ઉપયોગમાં લેવામાં આવતા વધી પણ શકે છે.