રાજસ્થાનના અલવરમાં 300 વર્ષ જુના મંદિર પર ચાલ્યું સરકારનું બુલ્ડોઝર

| Updated: April 22, 2022 7:31 pm

રાજસ્થાનના અલવર જિલ્લાના રાજગઢ ખાતે 300 વર્ષ જૂના શિવ મંદિરને જમીન દોસ્ત કરી દેવામાં આવ્યું હતું. શિવાલય પર ચંપલ પહેરીને મૂર્તિઓ પર કટર મશીન ચલાવવાથી હિન્દુ સંગઠનો રોષે ભરાયા છે. જેની સામે પાલિકાના ઇઓ, એસડીએમ અને રાજગઢના ધારાસભ્ય સામે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની ફરિયાદ આપવામાં આવી છે. પરંતુ હજુ સુધી કેસ નોંધાયો નથી.

આ અંગે ભાજપે પણ કોંગ્રેસની ગેહલોત સરકાર પર પ્રહારો કર્યા છે. બીજેપી નેશનલ આઈટી સેલના ચીફ અમિત માલવિયાએ કહ્યું છે કે હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડવી એ કોંગ્રેસની ધર્મનિરપેક્ષતા છે. માલવિયાએ પોતાના ટ્વીટમાં લખ્યું, “રાજસ્થાનના અલવરમાં વિકાસના નામે 300 વર્ષ જૂનું શિવ મંદિર તોડી પાડવામાં આવ્યું. કરૌલી અને જહાંગીરપુરીમાં આંસુ વહાવવું અને હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડવી – આ કોંગ્રેસની ધર્મનિરપેક્ષતા છે.” અને ટ્વીટમાં લખ્યું. માલવિયાએ કહ્યું, “18 એપ્રિલે, રાજસ્થાનના રાજગઢ શહેરમાં સૂચના વિના વહીવટીતંત્રે 85 હિન્દુઓના પાકાં મકાનો અને દુકાનો પર બુલડોઝર ચલાવ્યું હતું.”

ભાજપ દ્વારા તોડાવવામાં આવ્યું મંદિર, કોંગ્રેસના મંત્રી પ્રતાપ સિંહ

બીજી તરફ રાજસ્થાન સરકારના મંત્રી પ્રતાપ સિંહ ખાચરીયાવાસનું કહેવું છે કે ભાજપ ખોટું બોલી રહી છે. રાજગઢ અર્બન બોડીઝ બોર્ડના ચેરમેન ભાજપના છે. તેમણે બોર્ડમાં દરખાસ્ત લાવીને રોડ પહોળા કરવા માટે મંદિરો અને મકાનો તોડી પાડ્યા છે. તેમના કહેવાથી મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. જ્યારે અમારા કોંગ્રેસના ધારાસભ્ય વિરોધ કરતા રહ્યા. ગેહલોત સરકારના મંત્રીએ વચન આપ્યું છે કે જો કોઈ કાયદાકીય અવરોધ નહીં આવે તો મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવશે.

સરકારનો ઈરાદો સ્પષ્ટ નથીઃ સતીશ પુનિયા

બીજી તરફ રાજસ્થાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયાએ કહ્યું છે કે સરકારે રસ્તો કાઢીને મંદિરને બચાવવું જોઈતું હતું. કરૌલીની ઘટના બાદ સરકારનો ઈરાદો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. કોંગ્રેસ સરકાર તુષ્ટિકરણની રાજનીતિ કરીને પોતાની વોટ બેંકને ખુશ કરવા માંગે છે, તેથી જ 300 વર્ષ જૂના મંદિરને તોડી પાડવામાં આવ્યું.

શું છે સમગ્ર મામલો

વાસ્તવમાં અલવરના રાજગઢમાં ત્રણ હિંદુ મંદિરો તોડી પાડવાનો મામલો સામે આવ્યો છે. માસ્ટર પ્લાનમાં અતિક્રમણની આડમાં રાજગઢ પ્રશાસને 300 વર્ષ જૂના ત્રણ મંદિરો તોડી પાડ્યા હતા. આ મંદિરોમાં સ્થાપિત ભગવાન શિવ, હનુમાનજી સહિત અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓ ખંડેર થઈ ગઈ હતી. જ્યારે સ્થાનિક લોકોએ વિરોધ કર્યો તો પોલીસે બળજબરીથી તેમને હટાવ્યા. આ સમગ્ર ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. 17 એપ્રિલથી રાજગઢમાં આવા કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે.

ધારાસભ્ય અને અધિકારીઓ સામે FIR દાખલ

આનો વિરોધ દર્શાવતા હિંદુ સંગઠનોએ પોલીસને લેખિત ફરિયાદ આપી છે જેમાં રાજગઢના ધારાસભ્ય જોહરી લાલ મીણા, એસડીએમ કેશવ કુમાર મીણા અને મ્યુનિસિપલ EO બનવારી લાલ મીણા વિરુદ્ધ કાવતરું રચીને રમખાણો ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. પરંતુ હજુ સુધી પોલીસે આ મામલામાં એફઆઈઆર નોંધી નથી. રાજકીય પ્રભાવના કારણે પોલીસ સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ કરી રહી છે.

હિંદુ સંગઠનના નેતાઓ રાજગઢ આવવા લાગ્યા

રાજગઢમાં હિંદુ સંગઠનોએ વિરોધ શરૂ કરી દીધો છે. સંગઠનના આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આ ઘટનાનો વિરોધ કર્યો અને એફઆઈઆર નોંધવાની માંગ કરી. વધી રહેલા વિવાદને જોતા પોલીસ અધિક્ષક તેજસ્વિની ગૌતમ શુક્રવારે લોકોને મળશે. તેમનું કહેવું છે કે સમગ્ર મામલે પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. બીજી તરફ રાજગઢમાં હિન્દુ સંગઠનોના સતત આગમનની પ્રક્રિયા ચાલી રહી છે.

હિંદુઓનું અપમાન થઈ રહ્યું છેઃ ડૉ.પંકજ ગુપ્તા

બ્રજભૂમિ કલ્યાણ પરિષદના રાષ્ટ્રીય કન્વીનર ડો.પંકજ ગુપ્તાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સામાજિક સમરસતા બગાડવા માંગે છે. રમખાણો ભડકાવવા માટે આયોજનબદ્ધ રીતે આ કામ કરવામાં આવ્યું છે. હિન્દુ સમાજના લોકોની આસ્થા સાથે રમત રમાઈ રહી છે. રાજ્ય સરકાર હિંદુ વિરોધી છે, તેથી જ હિંદુ દેવી-દેવતાઓનું અપમાન થઈ રહ્યું છે અને મૂર્તિઓની તોડફોડ થઈ રહી છે. આ સમગ્ર ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો પણ સતત પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.

Your email address will not be published.