એફોર્ડેબલ હોમ લોનના દર વચ્ચે રિયલ એસ્ટેટના ભાવમાં 5થી 9 ટકાનો વધારો

| Updated: June 30, 2022 11:33 am

કોરોનાના રોગચાળા પછી આર્થિક સ્થિતિ સુધરવા ઉપરાંત આવકની સ્થિરતા વધી છે ત્યારે બીજા ત્રિમાસિક ગાળામાં મોટા શહેરોમાં મિલકતોની કિંમતમાં 5થી 9 ટકાનો વધારો થયો છે.

ઇનપુટ ખર્ચમાં વધારો, ફુગાવો અને રેડી-ટુ-મૂવ-ઇન ઇન્વેન્ટરીનાં પ્રીમિયમમાં વધારો થવાને કારણે પણ કિંમત વધી છે. જો કે, ઘર ખરીદનારાઓ પર તેની બહુ ઓછી અસર થઇ છે.

રિયલ ઇનસાઇટ રેસિડેન્શિયલ – એપ્રિલ-જૂન 2022 ના અહેવાલ મુજબ, ત્રિમાસિક ગાળા દરમિયાન વેચાણ અથવા નવી સ્કીમનાં લોન્ચિગં પર કોઈ નકારાત્મક અસર થઈ નથી.

આ અભ્યાસ અમદાવાદ, બેંગ્લોર, ચેન્નઈ, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ મેટ્રોપોલિટન રિજન, દિલ્હી-નેશનલ કેપિટલ રિજન અને પુણે જેવા શહેરો માટે કરવામાં આવ્યો હતો.

આરબીઆઈએ ત્રિમાસિક ગાળા દરમિયાન રેપો રેટમાં બે વખત વધારો કરીને તેને 4.9 ટકા પર લાવી દીધો હોવા છતાં, આ સમયગાળા દરમિયાન હોમ લોન મોટા ભાગે પરવડે તેવી રહી હતી. હાઉસિંગની માંગ માટે સૌથી મોટું પરિબળ મિલકતની માલિકીનું વધતું મહત્વ અને એકંદરે આર્થિક સ્થિતિમાં લોકોનો વિશ્વાસ છે તેમ Housing.com, PropTiger.com અને Makaan.comનાં ગ્રુપ સીઇઓ  વિકાસ વાધવાને જણાવ્યું હતું.

આરઇએ સમર્થિત PropTiger.com દ્વારા ભારતના ટોચના આઠ રહેણાંક બજારોના ત્રિમાસિક વિશ્લેષણમાં કહેવામાં આવ્યું છે કે સૌથી વધુ  ભાવ વધારો પુણેમાં 5-9 ટકા છે, ત્યારબાદ ચેન્નાઇ (9 ટકા), અમદાવાદ (8 ટકા), બેંગલુરુ (7 ટકા) અને દિલ્હી (6 ટકા) છે.

રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે કેલેન્ડર વર્ષ 2022 માં 30 જૂનના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા દરમિયાન ઘરનું  વેચાણ ત્રિમાસિક ધોરણે 5 ટકા નોંધાયું હતું.આ સમયગાળા દરમિયાન ટોચના આઠ શહેરોમાં આશરે 74,330 યુનિટ્સનું વેચાણ થયું હતું, જેની સંખ્યા  ક્વાર્ટર એકમાં 70,620 હતી. આ વધારો અમદાવાદ (3૦ ટકા) અને હૈદરાબાદમાં (21 ટકા) સૌથી વધુ  હતો. તે પછી કોલકાતા (13 ટકા) અને મુંબઈ (12 ટકા) હતા.

જો કે, યોગ્ય વિકલ્પનાં અભાવે દિલ્હી-એનસીઆર માર્કેટમાં વેચાણમાં 10 ટકાનો ઘટાડો થયો હતો. આર્થિક રાજધાની મુંબઈમાં 272890 એકમો વેચાયા વિનાના હતા અથવા 38 મહિનાની અનસોલ્ડ ઇન્વેન્ટરી હતી. પુણેમાં તે 117990 યુનિટ અથવા 25 મહિના અને દિલ્હી એનસીઆરમાં 99,850 યુનિટ અથવા 65 મહિના હતા.

અમે જોઈ રહ્યા છીએ કે ડેવલપર્સ વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં માર્કેટમાં પાછા આવ્યા છે.એકંદરે પ્રોત્સાહક વલણોને ધ્યાનમાં રાખીને, ખાસ કરીને આગામી તહેવારોની મોસમ દરમિયાન માંગમાં વધારો થવાની અપેક્ષા છે તેમ Housing.com, PropTiger.com અને Makaan.comનાં રિસર્ચ હેડ અંકિતા સૂદે જણાવ્યું હતું.

દરમિયાન, અહેવાલમાં જણાવાયું છે કે આ સમયગાળા દરમિયાન, દેશમાં ન વેચાયા હોય તેવા 7,63,650 યુનિટ  છે, તેને કલિયર થવામાં ટોચના આઠ શહેરોના હાલનાં વેચાણને જોતાં   લગભગ 2.8 વર્ષનો સમય લાગશે.

Your email address will not be published.