સિવિલ હોસ્પિટલમાં 15 મહિનામાં 50 અંગદાન : છેલ્લા ત્રણ મહિનામાં 25 થયાં

| Updated: April 6, 2022 4:49 pm

અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં અંગદાનના સેવાયજ્ઞમાં 50 અંગદાતાઓના સત્કાર્યની સોડમ ઉમેરાઈ છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં 15 મહિનામાં 50 અંગદાન પૂર્ણ થયા છે. મહત્વની બાબત એ છે કે વર્ષ 2022ના પ્રારંભના ત્રણ મહિનામાં 25 અંગદાનમાં સફળતા મળી છે.

સિવિલ મેડિસિટીની જ કિડની ઇન્સ્ટિટ્યુટમાં બુધવારે 500મું લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. આ સંખ્યાની દ્રષ્ટિએ કિડની ઇન્સ્ટિટ્યુટ સમગ્ર દેશમાં સૌથી વધુ ટ્રાન્સપ્લાન્ટ કરનારી બીજા નંબરની સંસ્થા બની છે.

કોરોનાની વિકટ પરિસ્થિતિઓ વચ્ચે ડિસેમ્બર 2020માં સિવિલ હોસ્પિટલમાં અંગોના રીટ્રાઇવલ સેન્ટરની મંજૂરી મળી હતી. રીટ્રાઇવલ સેન્ટર એટલે જ્યાં બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગોને કાઢીને પ્રત્યારોપણ માટે મોકલવામાં આવે છે. પ્રારંભમાં બ્રેઇનડેડ થયેલા દર્દીના પરિવારજનોને અંગદાન અંગે જાગૃત કરવા તેમને સમજ આપવામાં ઘણા પડકારોનો સામનો કરવો પડતો હતો.

આજે પંદર મહિનાના અંતે કાઉન્સેલિંગ અને અંગદાનની જનજાગૃતિના પરિણામે જ સિવિલ હોસ્પિટલના સેવા યજ્ઞમાં 50 અંગદાતાઓની યશકલગી ઉમેરાઈ છે. સિવિલ હોસ્પિટલમાં અંગદાન માટે કાર્યરત SOTTO ટીમના તમામ સભ્યોના પ્રયાસોના સહિયારા પ્રયાસ અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી આજે જનજનમાં અંગદાનની જાગૃતિ પ્રવર્તી છે. સિવિલ હોસ્પિટલના આઇ.સી.યુ.માં દાખલ દર્દી જ્યારે બ્રેઇન ડેડ થાય ત્યારથી લઈને અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા પડકાર ભરેલી હોય છે.

બ્રેઇનડેડ દર્દીના પરિવારજનો અંગદાન માટે સહમત થાય અને કુટુંબીઓમાં અંગદાનની જાગૃતિ આવે તે માટે કાઉન્સેલર્સ અને અંગદાનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા દિલિપ દેશમુખ દ્વારા દર્દીના સ્વજનોને અંગદાન માટે પ્રેરવામાં આવે છે. તેના પરિણામે આજે લોકોમાં અંગદાન અંગે જાગૃતિ વધી છે.

અંગદાનની સહમતી મળ્યા પછી બ્રેઇનડેડ દર્દીના અંગદાન માટેના જરૂરી ટેસ્ટ અને રિપોર્ટ્સ કરવામાં આવે છે. આ રિપોર્ટ અંગદાન માટે બંધબેસે ત્યારબાદ જ બ્રેઇનડેડ શરીરને રીટ્રાઇવલ સેન્ટરમાં લઈ જવામાં આવે છે તેના પછી સર્જનોની ટીમ દ્વારા અંગોને કાઢવાની પ્રક્રિયા હાથ ધરાય છે. આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ ઝીણવટ ભરેલી હોય છે. તેમા સર્જનોએ પળેપળ સતર્કતા કમ્યુનિકેશન, ખાસ કરીને હૃદય અને ફેફસા જેવા અંગેમાં જે હોસ્પિટલમાં પ્રત્યારોપણ કરવામાં આવનાર હોય તે તબીબો સાથે સંકલન અત્યંત આવશ્યક બની રહે છે.

સિવિલ હોસ્પિટલમાં થયેલા 50મા અંગદાનની વિગત જોઈએ તો ગાંધીનગરના 27 વર્ષના તેજલબા ઝાલાને ત્રીજી એપ્રિલના રોજ સિવિલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેઓ બ્રેઇનડેડ થતાં સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા પાંચમી એપ્રિલના રોજ તેમનો એપ્નિયા ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. એપ્નિયા ટેસ્ટમાં અંગદાન માટે સંતોષકારક પરિણામ આવતા તેઓને રીટ્રાઇવલ સેન્ટરમાં અંગદાન માટે લઈ જવામાં આવ્યા હતા.

બ્રેઇનડેડ તેજલબાના અંગોના રીટ્રાઇવલમાં બે કિડની, બે ફેફસા, એક લીવર અને એક સ્વાદુપિંડ મેળવવામાં સફળતા મળી છે. તેનું જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડો. રાકેશ જોષી જણાવે છે કે સિવિલ હોસ્પિટલમાં 50 અંગદાનની સિદ્ધિ અંગદાતાઓ અને અને તેમના પરિવારજનો તેમજ અમારી ટીમના સભ્યોને સમર્પિત છે. 50 અંગદાનમાં બ્રેઇનડેડ વ્યક્તિઓના પરિવારજનોની મહત્વની ભૂમિકા રહી છે. કુટુંબીજનોએ અંગદાન માટે સંમતિ આપી ત્યારે જ આગળની પ્રક્રિયા શક્ય બની છે.

ડો. જોષીએ અંગોના પ્રત્યારોપણ માટે વેઇટિંગ લિસ્ટ ઘટાડવા અને જીવિત વ્યક્તિને અંગોની જરૂરિયાત ધરાવતા દર્દીને અંગ આપવું પડે નહી તે માટે બ્રેઇનડેડ દર્દીનું અંગદાન જ એકમાત્ર વિકલ્પ હોવાનું ભારપૂર્વક કહ્યુ હતું. ડો. પ્રાંજલ મોદીએ જણાવ્યું હતું કે 28મી મે 2008ના દિવસે કિડની ઇન્સ્ટિટ્યુટમાં પ્રથમ લીવર ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. આજે 14 વર્ષના અથાક પરિશ્રમે આ સંખ્યા 500 પર પહોંચી છે. અમદાવાદના સિવિલ મેડિસિટી હોસ્પિટલ કેમ્પસમાં અંગોનું રિટ્રાઇવલ અને ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર કાર્યરત બનતા અનેક પીડિત વ્યક્તિઓને નવજીવન મળી રહ્યું છે.

ડૉ.જોષીએ અંગોના પ્રત્યારોપણ માટે વેઇટીંગ લીસ્ટ ઘટાડવા અને જીવીત વ્યક્તિને અંગોની જરૂરિયાત ઘરાવતા દર્દીને અંગ આપવું પડે નહીં તે માટે બ્રેઇનડેડ દર્દીનું અંગદાન જ એકમાત્ર વિકલ્પ હોવાનું ભારપૂર્વક કહ્યું હતુ.ડૉ. પ્રાંજલ મોદીએ જણાવ્યું કે, 28 મી મે 2008 ના દિવસે કિડની ઇન્સ્ટીટ્યુટમાં પ્રથમ લીવર ટ્રાન્સપ્લાન્ટ થયું હતુ. આજે 14વર્ષના અથાગ પરિશ્રમ બાદ આ સંખ્યા 500 એ પહોંચી છે.

Your email address will not be published.