પંજાબમાં નેશનલ લો યુનિવર્સિટીના 60 વિદ્યાર્થી કોરોનાના ભરડામાં

| Updated: May 5, 2022 2:29 pm

અમૃતસરઃ ગુજરાતમાં ગાંધીનગર ખાતેની નેશનલ લો યુનિવર્સિટીમાં 60 કરતાં વધારે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા હવે બિલકુલ તે જ રીતે પંજાબમાં પતિયાલા ખાતેની નેશનલ લો યુનિવર્સિટીમાં પણ 60 વિ્દ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેના પગલે યુનિવર્સિટીના કેમ્પસને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી દેવાયો છે.

યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ થતાં વહીવટીતંત્રએ વિદ્યાર્થીઓને 10મી મે સુધીમાં હોસ્ટેલ ખાલી કરી દેવા જણાવ્યું છે, જેથી ચેપનો વધુ ફેલાવો થતો અટકાવી શકાય. જો કે જે વિદ્યાર્થીઓમાં કોરોનાના લક્ષણો મળ્યા છે, તે હળવા છે. આ વિદ્યાર્થીઓને જુદા-જુદા બ્લોકમાં આઇસોલેટ કરવામાં આવ્યા છે.

યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં આ કેસ છેલ્લા ચાર દિવસ દરમિયાન આવ્યા હતા. આરોગ્ય સત્તાવાળાઓએ યુનિવર્સિટીની મુલાકાત લઈને પરિસ્થિતિની માહિતી મેળવી છે. આગામી દિવસોમાં કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થાય તેવી સંભાવના છે.

કોરોનાએ તળિયુ બતાવ્યા પછી ફરીથી તેના કેસો ઉચકાવવા માંડ્યા છે. તેના લીધે સક્રિય દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. ઘણા રાજ્યોમાં કોલેજો અને યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ પોઝિટિવ જોવા મળી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,275 કેસ સામે આવ્યા છે અને 55 લોકોએ તેના લીધે જીવ ગુમાવ્યા છે.

નેશનલ લો કોલેજ યુનિવર્સિટીના સત્તાવાળાઓએ 60 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થતા તાકીદે કોલેજ બંધ કરી દીધી છે. કોલેજના બધા જ વિદ્યાર્થીઓનું પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. કોલેજના ટીચિંગ અને નોનટીચિંગ બંને સ્ટાફનું પણ પરીક્ષણ હાથ ધરાયું હતું. તેની સાથે કોલેજોમાં ફરી પાછુ શિક્ષણ ઓનલાઇન કરવામાં આવ્યું છે.

સમગ્ર યુનિવર્સિટીને ફરી પાછી ડિસઇન્ફેક્ટ કરવામાં આવી છે. યુનિવર્સિટીએ કોરોનાના વધતા કેસોના પગલે વિદ્યાર્થીઓ ઉપરાંત ટીચિંગ અને નોનટીચિંગ સ્ટાફનો પણ સમયાંતરે કોરોનાનું ટેસ્ટિંગ કરાવવાનો નિર્ણય લીધો છે. તેના લીધે ગમે ત્યારે કોઈપણ કોરોનાની પક્કડમાં આવી ગયું હોય તો તેની જાણ થાય અને બીજાને તેનો ચેપ ન લાગે.

Your email address will not be published.