મરતા મરી જઈશ, પણ કદી રાજકારણમાં નહીં જાઉ: પલટીબાજ હાર્દિક

| Updated: May 19, 2022 4:36 pm

પાટીદાર સમાજના પોસ્ટર બોય તરીકે ગણાતા હાર્દિક પટેલના આજે ફરી એકવાર રંગ બદલાયા છે. 2015માં પાટીદાર અનામત આંદોલન સમયે રાજકારણીઓ સામે કટાક્ષ કરનાર હાર્દિકે કહ્યું હતુ કે મરતા મરી જઈશ પરતું રાજકારણમાં કોઈ દિવસ કદમ નહીં રાખું. પરતું કોંગ્રેસના ગુણ ગાઈ ગાઈને હાર્દિક ધીમેથી કોંગ્રેસમાં સરકી ગયો હતો. જો કે, ત્રણ વર્ષમાં જ તેને કોંગ્રેસ કડવી લાગવા લાગી છે.

વર્ષ 2015માં અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર હાર્દિક પટેલની હાજરીમાં એક મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં મોટી સંખ્યામાં પાટીદારો પણ જોડાયા હતા. સભા બાદ તે દિલ્હી ગયો હતો. ત્યા મીડિયા સાથે વાતચીતમાં હાર્દિકે રાજકારણ પર કટાક્ષો કર્યા હતા અને કહ્યું હતું કે, રાજકારણ સાવ તુચ્છ અને હું આજે અથવા કાલે રાજકારણમાં એન્ટ્રી નહીં કરું. હું હમેશા મારા સમાજ માટે જ કામ કરીશ તેવા શબ્દો આજે હાર્દિકના મોઢેથી દૂર થઈ ગયો છે અને તે ફક્ત આજના સમયમાં રાજકારણ પર જ ધ્યાન આપી રહ્યો હોય તેવું સાફ દેખાઈ રહ્યું છે.

હાર્દિક પટેલે 2 નવેમ્બર 2017માં એક મીડિયાને ઈન્ટરવ્યુ પણ આપ્યો હતો જેમાં તેણે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવા માટેનો મક્કમ નિર્ણય કર્યો હતો. જો કે તેણે ભાજપનો વિરોધ પણ કર્યો હતો અને તેની સાથે કોંગ્રેસને સપોર્ટ પણ કરતો હતો. સપોર્ટ કરતા કરતા તે કોંગ્રેસના લોકો સામે ગુણગાન ગાતો પણ જોવા મળતો હતો. ત્યરબાદ તે ધીરેથી કોંગ્રેસમાં ઘુસી ગયો હતો. જયારે ગઈ કાલે તણે કોંગ્રેસ સાથે છેડો ફાડયો હતો.

પાટીદાર આંદોલન અને પાટીદાર સમાજના છોકરાઓ માટે અનામતની ઝુંબેશને કોરાણે કરીને હાર્દિક પટેલ 12 માર્ચ, 2019ના રોજ કોંગ્રેસમાં જોડાઈ ગયો હતો. અમદાવાદ ખાતે એક સમારોહમાં કોંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ઉપસ્થિત હતા. આ ઘટનાના સપ્તાહમાં જ પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં હાર્દિકે કહ્યું હતું કે મારી પાસે બે જ વિકલ્પ હતા ભાજપ અને કોંગ્રેસ. હું ભાજપમાં જોડાઉં તો છઠીનું ધાવણ લાજે. 9-9 મહિના સુધી જે પાર્ટીએ મને જેલમાં રાખ્યો, સમાજના 14-14 યુવાનોની છાતીમાં ગોળી મારી, એ ભાજપ સાથે જોડાઉ તો સમાજ સાથે ગદ્દારી કરી કહેવાય. જ્યારે કોંગ્રેસમાં હોઉ તો આવી રીતે સમાજના કાર્યક્રમમાં મંચ પર આવી શકું. ભાજપમાં હોઉ તો મારે વિનંતી કરવી પડે કે સમાજનાં કામમાં મને જવા દો.

હાર્દિક પટેલે માત્ર 1161 દિવસમાં જ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે. આ અંગે આજે તેણે અમદાવાદની પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસનું 2050 સુધી કોઈ ભવિષ્ય નથી. કોંગ્રેસમાં મને બે વર્ષ સુધી કાર્યકારી તરીકે કોઈ જવાબદારી નથી સોંપાઈ. કોંગ્રેસમાં સૌથી મોટી જાતિવાદની રાજનીતિ છે. કોંગ્રેસમાં સાચું બોલો એટલે મોટા નેતાઓ તમને બદનામ કરે અને એ જ તેમનો વ્યૂહ છે. મેં મારાં 3 વર્ષ કોંગ્રેસમાં ખોટા વેડફી નાખ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આજે હાર્દિક પટેલ ઘણા લાંબા સમય બાદ મીડિયા સામે ખુલીને વાત કરી હતી. તેણે મીડિયા સામે કોંગ્રેસને આડેહાથ લીધી હતી. તેણે જણાવ્યું કે કોંગ્રેસની માનસિકતા ગુજરાતી વિરોધી છે અને તેનો ભોગ બન્યા છે સરદાર પટેલ, મોરારજી દેસાઈ, ચીમનભાઈ પટેલ, નરહરિ અમીનની સાથે હાલમાં અદાણી અને અંબાણી તથા દેશના વર્તમાન વડાપ્રધાન. નિરવ મોદી અને મેહુલ ચોક્સી જેવા કૌભાંડીઓ સામે પણ તેમને ફક્ત ગુજરાતી હોવાના લીધે જ વાંધો છે.

હાલમાં કોંગ્રેસ પાસે ફક્ત બે જ રાજ્યમાં સત્તા છે, છતાં પણ રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના વિધાનસભ્યોને સાડા ચાર વર્ષે મળ્યા છે. પછી આ પક્ષ પાછો ગુજરાતમાં સત્તા પર પાછા ફરવાના સ્વપ્ન જુએ છે, ક્યાંથી મેળ પડે.

Your email address will not be published.