અફઘાનિસ્તાનમાં ભૂકંપે મચાઈ તબાહી, 950થી વધારે લોકોના મોત, 600 લોકો ઘાયલ

| Updated: June 22, 2022 4:16 pm

અફઘાનિસ્તાનમાં ભૂકંપથી તબાહી મચી ગઈ છે. મોડી રાત્રે આવેલા ભૂકંપમાં લગભગ 950 લોકોના મોત અને 610 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ દાવો ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના નાયબ મંત્રી મૌલવી શરફુદ્દીને કર્યો છે. અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે 255 લોકો માર્યા ગયા છે.

ભૂકંપના આ આંચકા પાકિસ્તાનમાં પણ અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના દક્ષિણપૂર્વમાં હતું.

સમાચાર એજન્સીઓ અનુસાર, ભૂકંપના કારણે અફઘાનિસ્તાનમાં અત્યાર સુધીમાં 950 લોકોના મોત થયા છે. તે જ સમયે લગભગ 610 લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપ પક્તિકા અને ખોસ્ત પ્રાંતમાં આવ્યો હતો.

ભૂકંપની મહત્તમ તીવ્રતા હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. જોકે રિક્ટર સ્કેલ પર 7.0 કે તેથી વધુની તીવ્રતા ધરાવતો ભૂકંપ સાધારણ ખતરનાક માનવામાં આવે છે. અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા આના કરતા ઓછી હતી.

પાકિસ્તાનના અનેક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા

પાકિસ્તાની મીડિયા અનુસાર, ભૂકંપના આંચકા ઈસ્લામાબાદ સહિત અન્ય શહેરોમાં પણ અનુભવાયા હતા. સોશિયલ મીડિયા પર પણ લોકો ભૂકંપ વિશે વાત કરી રહ્યા છે. લોકોએ લખ્યું કે ભૂકંપના આ આંચકા થોડી સેકન્ડ માટે અનુભવાયા હતા. આ આંચકાના કારણે લોકોમાં બારે ભય જોવા મળ્યો હતો જેથી લોકો આમતેમ ભાગવા લાગ્યા હતા.

આ પહેલા શુક્રવારે પણ પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ આ આંચકા ઈસ્લામાબાદ, પેશાવર, રાવલપિંડી અને મુલતાનમાં અનુભવાયા હતા. આ આંચકા ફૈસલાબાદ, એબોટાબાદ, સ્વાત, બુનેર, કોહાટ અને મલકંદીમાં પણ અનુભવાયા હતા.

Your email address will not be published.