મોબાઈલમાં ગેમ રમતા રમતા 9 વર્ષની ભત્રીજીએ શોધી કાઢ્યું કાકાની આત્મહત્યાનું કારણ

| Updated: April 19, 2022 4:43 pm

ગાંધીનગરના કલોલમાં મોબાઈલમાં ગેમ રમતા રમતા 9 વર્ષની ભત્રીજીએ પોતાના કાકાની આત્મહત્યાનું કારણ શોધી કાઢયાંનો નવાઈ પમાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ ગાંધીનગરના કલોલમાં થોડા દિવસ પહેલા એક 24 વર્ષીય યુવકે કરી લીધેલ આત્મહત્યાનું કારણ તેનો પરિવાર જાણી શક્યો ન હતો. ત્યારે એક 9 વર્ષની બાળકીએ મોબાઈલમાં ગેમ રમતા રમતા પોતાના કાકાની આત્મહત્યાનુ કારણ શોધી કાઢ્યુ છે. યુવકની ભત્રીજીએ કાકાના ફોનને અનલોક કરતા જ તેને કોઈ ધમકી આપી હોવાની તેને જાણ થઇ ગઈ હતી.

મળતી માહિતી મુજબ ગાંધીનગરના કલોલ તાલુકાના મોખાસણ ગામમાં રહેતો 24 વર્ષીય કેતન રાવલ14 એપ્રિલની રાત્રે પોતાના પરિવારને જાણ કર્યા વગર ક્યાંક ચાલ્યો ગયો હતો. પરિવાર દ્વારા કરવામાં આવેલી ભારે શોધખોળ બાદ પણ કેતનનું કોઈ પગેરું પરિવારને મળ્યું નહોતું. જેના બાદ બીજા દિવસે 15 એપ્રિલના રોજ કેતનનો મૃતદતેહ ભાદોળ ગામના એક વૃક્ષ પર લટકતો મળી આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસે સ્યૂસાઈડ નોટ અને પુરાવાઓના આધારે કેતનની આત્મહત્યાને આકસ્મિક મોત ગણાવ્યું હતું.

આ ઘટનાના બે દિવસ પછી એટલે કે 17 એપ્રિલના રોજ કેતનની નવ વર્ષની ભત્રીજી રીયા રાવલે તેનો ફોન મોબાઈલ ગેમ રમવા માટે લીધો હતો. રીયા પાસવર્ડ જાણતી હોવાથી તેણે ફોન અનલોક કર્યો હતો. જેના બાદ તેને કેતનના ફોનમાંથી કેટલાક પુરાવા હાથ લાગ્યા હતા. જેની જાણ પરિવારને કરવામાં આવતા પરિવારે કેતનનો મોબાઈલ ચેક કરતા જાણવા મળ્યુ હતું કે, કલોકની બાજુમાં આવેલા છત્રાલનો વિષ્ણુજી ઠાકોર નામનો શખ્સ કેતનને ધમકાવતો હતો. વિષ્ણુજી ઠાકોરને એવી શંકા હતી કે કેતન અને તેની દીકરી વચ્ચે પ્રેમસંબંધ હતો. તેથી તેણે કેતન અને તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ વાતથી ગભરાઈ ગયેલા કેતને આખરે આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. જેના મોતનું રહસ્ય પરિવાર માટે અકબંધ જ હતું. આખરે ભત્રીજી રિયાએ એનો ફોન અનલોક કરતા તેની આત્મહત્યાના કારણનો ભેદ ઉકેલાયો હતો.

કેતનના ફોનની તપાસ કરતા પરિવારના સભ્યોને કેતનના ફોનમાંથી કેટલાક ઓડિયો રેકોર્ડિંગ્સ પણ મળ્યા હતા. જેમાં વિષ્ણુજી ઠાકોર કેતનને અને તેના પરિવારને મારી નાંખવાની અને ગામમાં તેની બદનામી કરવાની ધમકી આપી રહ્યો હતો. આ પુરાવાઓને આધારે કેતનના પરિવારજનો તરફથી કલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે સમગ્ર બનાવ અંગે વિષ્ણુજી ઠાકોર સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાની ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Your email address will not be published.