વટવામાં ગાર્ડનમાં રમતી બાળકીને કરંટ લાગતા મોત, ઇલેક્ટ્રીક વાયર ચાલુ કરંટ સાથે પાણીમાં હતો

|Ahmedabad | Updated: May 14, 2022 1:47 pm

પરિવારના પારિજાત હાઇટ્સના બિલ્ડર સામે આક્ષેપ, પોલીસે એફએસએલ અને ટોરેન્ટ પાવરની મદદ લીધી, વટવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો

અમદાવાદ,
વટવા ગામમાં પારિજાત હાઈટ્સ નામના ફ્લેટની સ્કીમમાં સાંજના સમયે 12 વર્ષની બાળકી ગાર્ડનમાં રમી રહી હતી. આ સમયે ગાર્ડનમાં ભરેલા પાણીમાં બાળકનો પગ પડ્યો હતો. પાણીમાં ઈલેક્ટ્રીકનો વાયર ચાલુ કરંટ સાથેનો છેડો હોવાથી પાણીમાં વીજળીનો કરંટ પ્રસરાયેલો હતો. જેના કારણે બાળકીને કરંટ લાગતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. આ અંગે વટવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો.

વટવા ગામમાં પારિજાત હાઈટ્સ નામનાં ફ્લેટની સ્કીમ આવેલી છે જ્યા 7 મે નાં રોજ સાંજનાં સમયે ઈશીકા દિપકભાઈ રાવલ નામની 12 વર્ષની બાળકી ફ્લેટનાં ગાર્ડનમાં રમી રહી હતી. ગાર્ડનમાં પાણી ભરેલુ હોવાથી બાળકીનો પગ પાણીમાં પડ્યો હતો. આ પાણીમાં ઈલેક્ટ્રીક વાયરની ચાલુ લાઈનનો છેડો હોવાથી પાણીમાં વીજળીનો કરંટ પ્રસરાયેલો હતો. કરંટ બાળકીને લાગતા તેણે બુમાબુમ કરી હતી. બાળકીની ચીસો સાંભળીને આસપાસનાં લોકો એકઠા થયા હતા અને બાળકીને આ સ્થળેથી દૂર કરી તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીને તાત્કાલિક એલ.જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તબીબીઓ પ્રાથમિક તપાસમાં બાળકીને કરંટ લાગતા તેનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટોરેન્ટ પાવર અને એફએસએલનાં અધિકારીઓને સાથે રાખી ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. જેમાં બિલ્ડર દ્વારા ફ્લેટના મકાનોની વાયરીંગની લાઈનની એમસીબીને બાયપાસ કરી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી તમામ ફ્લેટની તમામ લાઈટ બંઘ કરી દેવામાં આવી હતી. આ અંગે વટવા પોલીસે અકસ્માત મોત દાખલ કરી હતી છે.

જવાબદાર બિલ્ડરો સામે કાર્યવાહી કરવા પરીવારજનોની માંગ.

બાળકીનાં પરિવારજનોએ આ ઘટના અંગે પારિજાત હાઈટ્સ કંસ્ટ્રક્શન સાઈટનાં બિલ્ડર ભુપેન્દ્ર કસવાલા, વિરલ શાહ, સાગર ગજેરા અને રૂષભ શાહ નામના ફ્લેટનાં બિલ્ડરની બેદરકારીનાં આક્ષેપ કર્યા હતા. સાથે પરિવારજનોએ આ મામલે ન્યાયની માંગ કરી છે. મહત્વનું છે કે, બાળકીનાં મૃતદેહના પીએમ રિપોર્ટની પરિવારજનો રાહ જોઈ રહ્યા છે. પીએમ રિપોર્ટમાં કોઈ પણ પ્રકારે શંકા પરિવારજનોને લાગશે તો બાળકીનું ફરી પીએમ કરાવવાની પણ તૈયારી દર્શાવી છે. તેમજ જવાબદાર બિલ્ડરો સામે યોગ્ય કાર્યવાહી માટે ગુજરાત હાઈકોર્ટનાં દરવાજા ખખડાવવાનો પણ નિર્ણય કર્યો છે.

Your email address will not be published.