મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર પર સંકટના વાદળ છવાયા છે. મહારાષ્ટ્ર શિવસેનામાં ભંગાણના સમાચાર સામે આવી રહ્યાં છે. શિવસેનાના નેતા અને મંત્રી એકનાથ શિંદે નારાજ જોવા મળી રહ્યાં છે. નેતા એકનાથ શિંદે સાથે સંપર્ક ન થતા મહારાષ્ટ્રમાં બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. CM ઉદ્ધવ ઠાકરેએ પણ મોડી રાત્રે ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. એકનાથ શિંદેએ સમર્થક ધારાસભ્યો સાથે મહારાષ્ટ્ર છોડ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. એકનાથ શિંદેના 10થી વધુ સમર્થકોએ MLA સાથે ગુજરાતમાં ધામા કર્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.
સુરતની હોટલ ગ્રાંડ ભગવતીમાં એકનાથ શિંદે કેટલાંક ધારાસભ્યો સાથે રોકાયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. હોટલના 100 મીટર દૂરથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તમને જણાવી દઇએ કે, થોડા દિવસ પહેલા બાલા સાહેબ નેશનલ મેમોરિયલના ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમનીના કાર્યક્રમમાં એક કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં શિંદેનું નામ ન હોતું.
મહત્વનું છે કે, થોડાં દિવસો પહેલાં રાજ્યસભાની ચૂંટણી હતી તેમાં ભાજપ પોતાની રાજ્યસભાની સીટ ન હોવા છતાં તે મહાવિકાસ અઘાડી જે સરકાર છે તેને પછાડીને પોતાની સીટો રાજ્યસભામાં લાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, દેવેન્દ્ર ફડણવીસે પણ અગાઉ દાવા કર્યા છે કે, મહાવિકાસ અઘાડી સરકાર ગમે ત્યારે પડી શકે છે. મહાવિકાસ અઘાડી સરકારના જો 14 જેટલાં ધારાસભ્યો જો સરકારનો સાથ છોડે તો સરકાર પડવાની સંપૂર્ણ સંભાવનાઓ દેખાઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી (MVA) સરકારની પાર્ટીઓ શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસે વિધાન પરીષદની ચૂંટણીમાં બે-બે ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતાં. જ્યારે ભાજપે પાંચ ઉમેદવારોને ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં અપક્ષો અને નાના પક્ષોની ભૂમિકા નિર્ણાયક માનવામાં આવી હતી. કારણ કે, મહાવિકાસ અઘાડી પોતાના તમામ છ ઉમેદવારોની જીતને લઈને પડકારનો સામનો કરી રહી હતી. વિધાન પરિષદના નવ સભ્યોનો કાર્યકાળ 7 જુલાઈએ પૂર્ણ થઈ રહ્યો છે. જ્યારે, આ વર્ષની શરૂઆતમાં ભાજપના એક સભ્યના મૃત્યુના કારણે 10મી બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના પાંચેય ઉમેદવારોનો વિજય થયો છે.
તો બીજી તરફ મહાવિકાસ અઘાડીના પાંચ ઉમેદવારોની જીત નિશ્ચિત હતી પરંતુ આઘાડીના ત્રણ પક્ષોએ (શિવસેના-2, NCP-2 અને કોંગ્રેસ-2) સાથે મળીને 6 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. જેના કારણે દસમી બેઠક માટેની સ્પર્ધા રસપ્રદ બની હતી. આ દસમી બેઠક માટે કોંગ્રેસના ભાઈ જગતાપને ભાજપના ઉમેદવાર પ્રસાદ લાડે હરાવ્યા છે. ભાજપના પાંચ ઉમેદવારો ઉપરાંત શિવસેનાના બે ઉમેદવારો અને NCPના બે ઉમેદવારો પણ વિધાન પરિષદમાં ચૂંટાયા છે. પરંતુ કોંગ્રેસના બે ઉમેદવારોમાંથી માત્ર એક જ વિધાન પરિષદમાં પહોંચી શક્યા. મળતી માહિતી અનુસાર મહાવિકાસ અઘાડીના લગભગ 21 ધારાસભ્યો તૂટી ગયા અને ભાજપના પાંચમા ઉમેદવાર પ્રસાદ લાડે દસમી બેઠક પર કબજો જમાવ્યો છે. જ્યારે કોંગ્રેસના ચંદ્રકાંત હંડોરને હારનો સામનો કરવો પડ્યો છે.
અહેવાલ: મયુર મિસ્ત્રી સુરત
આ પણ વાંચો: ઓવૈસી મહા વિકાસ અઘાડીમાં જોડાવવા તૈયાર