ગુજરાતના દલિત યુવાને બનાવેલી મરાઠી ફિલ્મની ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા માટે પસંદગી

| Updated: November 26, 2021 1:34 pm

ભારતના પ્રતિષ્ઠિત 52માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (આઇએફએફઆઇ) માટે ગુજરાતી દલિત યુવક મેહુલ આગજા દ્વારા લિખિત અને દિગ્દર્શિત મરાઠી ફિલ્મની પસંદગી કરવામાં આવી છે. ‘નિવાસ’ નામની આ ફિલ્મનું શનિવારે સ્ક્રીનિંગ થશે.

ગોવાના માહિતી અને પ્રસારણ મંત્રાલયના  ડિરેક્ટોરેટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલ્સ દ્વારા આયોજિત ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મની પસંદગી ઇન્ડિયન પેનોરમા (ફીચર ફિલ્મ) કેટેગરી હેઠળ કરવામાં આવી છે. “નિવાસ” એ ૨૪ ફિલ્મોમાં સામેલ છે જેણે દેશભરની કુલ ૨૨૧ ફિલ્મોમાંથી અંતિમ શોર્ટલિસ્ટમાં સ્થાન મેળવ્યું હતું.

મરાઠી અભિનેતા સયાજી શિંદેને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મમાં વૃદ્ધાવસ્થામાં બે પુરુષો વચ્ચે થતી મિત્રતાની વાત છે.મેહુલ કહે છે કે, જ્યારે આપણે મિત્રતાની વાત કરીએ છીએ, ત્યારે તે મોટે ભાગે બાળકો અથવા યુવાનોની વાર્તાઓ હોય છે. પરંતુ વૃદ્ધાવસ્થામાં પણ મિત્રતા જરુરી છે.વૃદ્ધાવસ્થાની પોતાની સમસ્યાઓ છે. આ લોકો પાસે સમય કેવી રીતે વિતાવવો તે મુખ્ય પ્રશ્ન હોય છે, અને તે ઉંમરે મિત્રતા એક અલગ સ્તરની હોય છે કારણ કે તેમાં જીવનભરના અનુભવો પણ સાથે આવે છે. તેથી, આ ફિલ્મ મૂળભૂત રીતે એવા વૃદ્ધ લોકોના જીવન વિશે છે જેમણે સમાજમાં, તેમના પોતાના ઘરમાં પોતાનું સ્થાન ગુમાવ્યું છે. આવી વ્યક્તિઓ કેવી રીતે પોતાનો સમય વિતાવે છે અને મિત્રો સાથે સમસ્યાઓ શેર કરે છે તેની આ વાત છે.

ઉલ્લેખનીય છે કે, “નિવાસ” મેહુલની દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ છે, જે 35 વર્ષની ઉંમરે અસાધારણ સિદ્ધિ કહી શકાય. હું તેને સિદ્ધિ એ રીતે માનું છું કે મેં ગુજરાતી હોવા છતાં આ ફિલ્મ બનાવી છે. તે બતાવે છે કે આપણે અન્ય ભાષાઓમાં પણ સર્જન કરી શકીએ છીએ,તેમ મેહુલ કહે છે.

ઉત્તર ગુજરાતના મહેસાણાના અખજ ગામનો વતની મેહુલ અમદાવાદની શાળા અને કોલેજમાં ભણ્યો છે.ફિલ્મ મેહુલે ગુજરાત યુનિવર્સિટીમાંથી એકસટર્નલ વિદ્યાર્થી તરીકે બેચલર્સ ઇન હિસ્ટ્રીની ડિગ્રી મેળવી છે. તે માત્ર 18 વર્ષની ઉંમરે પોતાના સપનાને પુરાં કરવા માતાપિતાની ઇચ્છા વિરુદ્ધ.મુંબઈ ગયો હતો. મેહુલ કહે છે કે તેણે લેખક અને દિગ્દર્શક બનવા કોઇ ઔપચારિક તાલીમ લીધી નથી. લેખન અને દિગ્દર્શન તે જાતે શિખ્યો છે.

મેહુલ વધુમાં કહે છે કે,મારા માતા-પિતા ઓશોના અનુયાયીઓ છે. તેથી, હું પુસ્તકો અને વાચકોથી ઘેરાયેલા માહોલમાં મોટો થયો છું. મને નાનપણથી જ વાર્તા કહેવામાં ઊંડો રસ હતો. ફિલ્મ બનાવવા પ્રત્યેનાં મારા આકર્ષણની શરુઆત ત્યાંથી જ થઇ હતી.માર્ટિન સ્કોર્સીસ અને શેખર કપૂર તેના સૌથી વધુ ગમતાં ફિલ્મ ડાયરેકટર છે.
મુંબઈમાં શરુઆતના વર્ષોમાં મેહુલે ફિલ્મ ઉદ્યોગમાં ફ્રીલાન્સ કામ કર્યું હતું.તેની સાથે જ, તેણે 300 થી વધુ હોલીવુડ ફિલ્મોની સ્ક્રીન પ્લેનો અભ્યાસ કરીને ફિલ્મ કેવી રીતે બનાવાય તે શિખવાનું શરું કર્યું.

મેહુલ કહે છે કે,મેં ટકી રહેવા માટે ઘોસ્ટ રાઇટિંગ પણ કર્યું છે. બે વર્ષ બાદ મારા માતા-પિતાને સમજાયું કે હું મારા સપનાને પુરાં કરવા આવ્યો છું. તેથી તેઓ મુંબઈ આવ્યા અને મને સપોર્ટ આપ્યો.મારા પિતા નિવૃત્ત બેંક મેનેજર છે અને તે વખતે તેમની  ટ્રાન્સફર મહારાષ્ટ્રમાં થઇ હતી.

મેહુલે 2018માં બીજી મરાઠી ફિલ્મ યૂંટમ પણ લખી હતી. મહારાષ્ટ્રમાં લગભગ 18 વર્ષ વિતાવીને, મને સમજાયું છે કે મરાઠી ફિલ્મો વાર્તાઓથી સમૃદ્ધ છે.ત્યાં સ્ટાર કરતાં વાર્તાનું વધુ મહત્વ છે.જ્યારે  ફિલ્મ નિર્માણની કારકિર્દી માટે મરાઠી ફિલ્મની પસંદગી કરવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, હાલમાં તે એક ગુજરાતી ફીચર ફિલ્મ પર કામ કરી રહ્યો છે.

મેહુલ કહે છે કે,“હું દલિત સમુદાયનો છું, તે મારું મૂળ છે, અને હું મારા કામ દ્વારા કહેવા માંગુ છું કે કોઈપણ વ્યક્તિ ફિલ્મ નિર્માણમાં શ્રેષ્ઠ બની શકે છે. જે વ્યક્તિએ ઔપચારિક રીતે સિનેમાનો અભ્યાસ કર્યો નથી તે આ લેવલે પહોંચી ગયો છે અને તે દર્શાવે છે કે કોઈપણ વ્યક્તિ ગમે ત્યાં પહોંચી શકે છે. ગુજરાતમાં અત્યારે સિનેમાને કરિયર તરીકે જોવામાં નથી આવતું. હું ખરેખર ઈચ્છું છું કે મારું કામ યુવાઓને તે દિશામાં પ્રેરિત કરે.

Your email address will not be published. Required fields are marked *