વેનસ્ડે વાઇબ્સ

| Updated: May 18, 2022 2:09 pm

જ્યોતિષ તરફ ઝુકાવ ધરાવે છે સરકારના વરિષ્ઠ કેબિનેટ પ્રધાન

થોડું ઘણું પણ નસીબ હોય તો જબરજસ્ત ફરક પડી જાય છે, આવુ માને છે ગુજરાતની ભાજપ સરકારના વરિષ્ઠ કેબિનેટ પ્રધાન. બ્રાહ્મણ તરીકે તે જ્યોતિષ શાસ્ત્ર તરફ થોડો ઝુકાવ ધરાવે છે. કાયદાકીય બાબતો પર નજર રાખવાની સાથે-સાથે તે તેમની કોર ટીમના હોરોસ્કોપ પણ જોઈ લે છે. પ્રધાનના આ પ્રભાવના લીધે તેમની ટીમના સભ્યો પણ  જ્યોતિષશાસ્ત્ર અનુસાર તેમને નડતા ગ્રહ મુજબના નંગ પહેરવા લાગ્યા છે. તેની સાથે ફ્રી ટાઇમમાં તેમના ભાવિ અંગે સર્ફ કરવા તત્પર રહે છે. તેમની ટીમના એક સભ્યએ જણાવ્યું હતું કે સર ફક્ત અમારો ચહેરો જ નહી પણ અમારો હાથ પણ જોઈ શકે છે. તેઓ પ્રધાન બન્યા તે પહેલા તેમને જ્યોતિષશાસ્ત્રમાં રસ હતો. એક વખતે 2016માં ઓક્ટોપસે અમેરિકાની ચૂંટણીની સાચી આગાહી કરી દીધી હતી હવે શું આ પ્રધાન પાસે આગામી ચૂંટણીને લઈને કોઈ આગાહી છે. અમે રાહ જોઈ રહ્યા છીએ.

એક મંત્રીના પીએનો દબદબોઃ પીઆઇને રાતા પાણીએ રોવડાવ્યા

રાજ્યમાં તાજેતરમાં નવી બનેલી સરકારમાં એક મોટા ગજાના નેતા મંત્રી બન્યા હતા પરંતુ તેઓ હજુ પણ જમીન સાથે જોડાયેલા છે ત્યારે તેમના પીએ આસમાન પર ચાલી રહ્યા હોવાની ચર્ચા છે. પીએના તાપથી શહેરના બે પોલીસ સ્ટેશનો ફફડી રહ્યા છે. તેઓ પોતાનો દબદબો બતાવવા માટે જાણે સતત સક્રિય રહે છે.તેવામાં આ મંત્રીની વાત ન માનનાર એક પીઆઇને તો તેમણે રાતા પાણીએ રોવડાવ્યા હતા.તેમની બદલી કરાવી દીધી હતી અને તેમને સારુ પોસ્ટીંગ મળ્યું તે પણ રીતસર છીવની લીધું હતુ.આમ મંત્રીના પીએએ પોતાનો દબદબો બતાવવા માટે આ પીઆઇને છોડ્યા ન હતા.તેના કારણે બે પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ તો ઠીક પરંતુ તેના અધિકારીઓ પણ આ પીએથી ફફડી રહ્યા છે.

બીપી શ્રીવાસ્તવની અમદાવાદ ટ્રાન્સફર થતાં સન્નાટો છવાયો

આવકવેરા વિભાગના ડ્રોઇંગ એન્ડ ડિસ્બર્સિંગ ઓફિસર (ડીડીઓ)ના ગાંધીનગરના વરિષ્ઠ ઇન્કમ ટેક્સ ઓફિસરોમાં આઇઆરએસ શ્રીવાસ્તવની ગાંધીનગરથી અમદાવાદ ટ્રાન્સફર થતાં સન્નાટો છવાયો હતો. ગાંધીનગરના આવકવેરા વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રાન્સફરની જાહેરાત થયા પછી પણ સરનું વર્તન એવુંને એવુ જ છે, તેઓ પહેલાની જેમ જ પડતર કેસોનો નિકાલ કરી રહ્યા છે અને દરેક સાથે સન્માનપૂર્વક વર્તી રહ્યા છે. દરેક મુદ્દાઓનો સત્વરે ઉકેલ લાવવા પ્રયત્ન કરે છે. અમે છેલ્લા એક વર્ષથી કામ કરી રહ્યા છીએ અને તેમની ગેરહાજરી ચોક્કસ સાલશે. આ આઇઆરએસ ઓફિસર ગમે તેટલી વિપરીત સ્થિતિમાં પણ મગજ ન ગુમાવવા જાણીતા છે. ગાંધીનગર વિભાગના 50 જેટલા ઓફિસરોને તેમની આ સારી લીડરશિપ સ્કિલ્સનો અનુભવ થયો છે. ડેપ્યુટી કમિશ્નર ઓફ ઇન્કમ ટેક્સ (ડીસીઆઇટી) ટૂંક સમયમાં અમદાવાદના આયકર ભવનમાં હશે. અમદાવાદની નજર પણ હવે આવકવેરા વિભાગની મુખ્ય કચેરી તેમની સારી કામગીરી નીહાળે તેના પર છે.

પોલીસ બેડામાં ‘લક્ષ્મી માતા’ની કૃપા માટે દોડધામ

તાજેતરમાં આઇપીએસ અધિકારીઓની બદલી થઈ છે તેમા અમદાવાદ શહેરમાં મોટાભાગના તમામ ઝોન અને એજન્સીના અધિકારીઓની બદલી થઈ હતી. આવામાં નવા આવેલા એક ડીસીપી ગોઠવણમાં લાગી ગયા છે. તેઓએ પોતાના વહીવટદાર માટે ઇન્ટરવ્યુ તો ગોઠવ્યા હતા, પરંતુ સીધા પોલીસ સ્ટેશનની કામગીરીમાં પણ ફાયદો થાય તે માટે પણ ગોઠવણ કરવાનો પ્લાન બનાવી દીધો છે. તેઓએ તમામ પોલીસ સ્ટેશનોમાંથી યાદી પણ મંગાવી છે કે કોણ ડીસ્ટાફ પીએસઆઇ બનવા ઇચ્છી રહ્યું છે. તેના લીધે પોલીસ સ્ટેશનના પીએસઆઇમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. આથી આંકડે મધ દેખાયું હોય તેમ તેમના તાબામાં આવતા પોલીસ સ્ટેશનના પીએસઆઇઓ તાબડતોડ ડીસીપીના નજીકના માણસો અને ડીસીપીને મળવા સીધા પહોંચી ગયા હતા.આમ તેઓ પણ સારા ના નામે તેમની ગોઠવણમાં કોણ પીએસઆઇ બેસે છે તેની રાહ જોઇ આગામી સમયમાં નિર્ણય કરશે તેવી ચર્ચા પોલીસ બેડામાં થઇ રહી છે.

ભૂતપૂર્વ મંત્રીના વફાદાર પીઆઇઓનું પત્તુ કપાયું

તાજેતરમાં શહેરમાં 17 પીઆઇઓની આંતરિક બદલી થઈ હતી. ભૂતપૂર્વ મંત્રીના વફાદાર પીઆઇઓનું પત્તુ કપાયુ હતું. તેમના નજીકના પીઆઇઓને સારી જગ્યામાં પોસ્ટિંગ કરવામાં આવ્યા તેમ કહી તેમની બદલી કરી દેવાઈ છે. આમ વર્તમાન મંત્રીએ તેમના વિસ્તારમાં અગાઉ ફરજ બજાવતા પીઆઇને ભૂતપૂર્વ મંત્રીના વિસ્તારમાં પોસ્ટિંગ કરાવતા પોલીસ બેડામાં આ વાત ચર્ચાનો વિષય બની છે. 17 પીઆઇઓની બદલી થઈ તેમા છ બહારથી આવ્યા હતા અને તે લાંબા સમયથી લીવ રિઝર્વમાં હતા.

Your email address will not be published.