રાજકોટમાં સ્કૂલ વાનને અકસ્માતઃ એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું

| Updated: April 18, 2022 2:24 pm

રાજકોટઃ રાજકોટમાં સ્કૂલ વાનને અકસ્માત નડતા એક વિદ્યાર્થીનું મોત થયું છે, જ્યારે નવને ઇજા થઈ છે. અકસ્માતનો આ બનાવ સવારે જસદણના આટકોટ અને હનુમાન ખારચીયા ગામ વચ્ચેની સ્કૂલ વાન તથા એક કાર વચ્ચે સર્જાયો હતો. આ ઘટનામાં ઇજા પામેલા નવને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

રાજકોટમાં જસદણની પાસે આવેલી એકલવ્ય સ્કૂલની વાનમાં ત્રણ વિદ્યાર્થી સહિત અન્ય લોકો સવાર હતા ત્યારે આ ઘટના બની હતી. સ્કૂલની વાન જઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીનું મોત થતા કુટુંબમાં કાગારોળ મચી ગઈ હતી. સ્કૂલની વાન અને કારમાં બેઠેલા અન્ય લોકો ઘાયલ થયા તેને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતના પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા રસ્તા પર ઉતરી પડ્યા હતા. વિદ્યાર્થીનું અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃત્યુ પામેલા બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલાયો છે. પોલીસે અકસ્માતના સ્થળે લોકોના ટોળા એકત્રિ થતા સ્થિતિ વણસે નહી તે સંભાવનાને ધ્યાનમાં રાખીને પોલીસ સઘન બંદોબસ્ત કર્યો છે.

પોલીસ દ્વારા સ્કૂલ વાનને આ પ્રકારની અકસ્માતની ઘટના કઈ રીતે બની તેની તપાસ કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે સ્કૂલ વાન નિયત સ્પીડમાં જ ચાલતી હોય છે. તેથી તેની ઝડપ તો નિયંત્રણમાં જ હોય તેમ મનાય છે, તેથી સામેની ગાડીમાં વાહનચાલકની ઝડપ વધારે હતી કે તે બેધ્યાન હતો તે બધુ ચકાસવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત અકસ્માતનો ઘટનાક્રમ જોવા સીસીટીવી ફૂટેજનો પણ આશરો લેવામાં આવી રહ્યો છે.

સ્કૂલવાનને નડેલા અકસ્માતની ઘટનાએ વાનમાં બાળકોને સ્કૂલે મોકલતા વાલીઓને ચિેંતિત કરી દીધા છે. આ પ્રકારના બનાવમાં ગુનેગાર સામે આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ પણ ઊઠી છે.

Your email address will not be published.