MSUમાં  NSUIના બે જૂથો વચ્ચે બબાલઃ વિજિલન્સે મામલો થાળે પાડ્યો

| Updated: July 28, 2022 3:59 pm

મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના કેમ્પસમાં NSUIના જ બે જૂથ વચ્ચે આંતરિક સંઘર્ષ થયો હતો. તેના પગલે બંને જૂથ મારામારી પર આવી ગયા હતા. કોમર્સ ફેકલ્ટીના મુખ્ય બિલ્ડિંગની પાછળ બનેલા આ બનાવના પગલે કેમ્પસમાં ધમાચકડી મચી ગઈ હતી. છેવટે વિજિલન્સે દોડી આવીને મામલો થાળે પાડ્યો હતો.

વાસ્તવમાં આ સમગ્ર કિસ્સો એમ એસ યુનિવર્સિટીમાં નવા પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને પોતાની તરફ ખેંચવાનો હતો. આ અંગેની ચડસાચડસી એટલી ઉગ્ર બની હતી કે વાત છેક મારામારી સુધી પહોંચી ગઈ હતી. તેના પગલે દોડધામ મચી ગઈ હતી. એમએસ યુનિવર્સિટીમાં આગામી દિવસોમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજવાના ભણકારા વાગી રહ્યા છે. વિદ્યાર્થી સંઘની ચૂંટણીના પગલે કેમ્પસના વિવિધ જૂથોમાં સળવળાટ જોવા મળી રહ્યો છે.

કોમર્સ ફેકલ્ટી ખાતે હાલ પહેલા વર્ષમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. તેના પગલે મોટી સંખ્યામાં નવા વિદ્યાર્થીઓ પૂછપરછના હેતુસર કોમર્સ ફેકલ્ટી લાઇનમાં મેઇન બિલ્ડિંગ ખાતે ધસારો બોલાવી રહ્યા છે. નવા વિદ્યાર્થીઓને પોતાના જૂથમાં ખેંચવા વિવિધ વિદ્યાર્થી જૂથો અને વિવિધ વિદ્યાર્થી પાંખો સક્રિય બની છે.

આ સંજોગોમાં કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગ પાછળ કેન્ટિન પાસે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIના બે જૂથોમાં યુનિવર્સિટીના ભૂતપૂર્વ જીએસ વ્રજ પટેલની દોરવણી હેઠળનું એક જૂથ અને NSUIના વિદ્યાર્થી અગ્રણી તૃષેન દેશમુખ તરફી વિદ્યાર્થી જૂથ પ્રચારમાં વ્યસ્ત હતુ. તેમા કેન્ટિન પાસે પ્રચાર કરવાના મુદ્દે આ બંને વિદ્યાર્થી જૂથોમાં ઝગડો થયો હતો. પહેલા તો બોલાચાલીથી શરૂઆત થઈ હતી. તેના પછી વાત ગરમાગરમી સુધી પહોંચી હતી. પછી બંને જૂથોએ છૂટ્ટા હાથની મારામારી શરૂ કરી દેતા કેમ્પસમાં દોડધામ મચી હતી. તેના પછી વિજિલન્સે તાત્કાલિક પહોંચી બંને જૂથોને સમજાવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો.

Your email address will not be published.