સામાજિક સુરક્ષાની ચાર યોજનાના 13 હજાર જેટલા લાભાર્થીઓને આવરી લેવાની અનોખી સિદ્ધિ

| Updated: May 12, 2022 3:59 pm

ભરૂચઃ સરકારની ગરીબલક્ષી જનહિત યોજનાઓ હેઠળ સો ટકા લાભાર્થીઓને આવરી લઇ પંથ કે વર્ગના ભેદભાવ વિના સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસ સાથે ગરીબ કલ્યાણની દરેક યોજનાઓથી કોઇ લાભાર્થી વંચિત ના રહે તેવા દ્રઢ સંકલ્પ સાથે દેશ આગળ વધી રહ્યો છે.

પીએમ મોદીએ જણાવ્યું કે, જનકલ્યાણ માટે અમલમાં મૂકવામાં આવેલી સરકારી યોજનાના તમામ લોકોને લાભ મળવાથી એક મનોવૈજ્ઞાનિક પરિવર્તન પણ આવે છે. ગરીબોને તેનો લાભ મળવાથી ગરીબ યાચકની ભાવનામાંથી બહાર આવે છે અને સરકારી યોજનાનો લાભ લેવા માટે લાંબી લાઇનમાં ઉભા રહેવું પડતું નથી. સરકાર તેમના ઘરે પહોંચે અને લાભ આપે ત્યારે તેમનામાં કર્તવ્યભાવનાના પણ બીજ પણ રોપાય છે. તૃષ્ટિકરણની રાજનીતિનો પણ અંત આવે છે અને સમાજના અંતિમ છૌર પર રહેલા વ્યક્તિને પણ સરકાર તેમની સાથે છે, તેવો અહેસાસ થાય છે.

સરકારી યોજનાને સો ટકા પરિપૂર્ણ કરવાના વડાપ્રધાનએ આપેલા કોલનો પ્રતિસાદ આપતા ભરૂચ જિલ્લા પ્રશાસન દ્વારા શરૂ કરાયેલી ઉત્કર્ષ પહેલ અંતર્ગત સામાજીક સુરક્ષાની મુખ્ય ચાર યોજનાના સો ટકા લાભાર્થીઓને લાભ વિતરણ કરવાના ભરૂચ ખાતેના કાર્યક્રમમાં વડાપ્રધાન વર્ચ્યુઅલ સહભાગી બન્યા હતા.

જિલ્લા વહીવટી તંત્રની ઉત્કર્ષ પહેલ હેઠળ ગંગા સ્વરૂપા બહેનોને રાજ્ય સરકારની નાણાંકીય સહાય માટે કાર્યરત યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ નાણાંકીય સહાય યોજના અને રાષ્ટ્રીય પરિવાર સહાય યોજનામાં દેશમાં સૌ પ્રથમ વખત 100 ટકા લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભરૂચ ખાતે આવી યોજનાઓના કુલ 13 હજાર લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ યોજનાના લાભાર્થીઓ સાથે વડાપ્રધાનએ સંવાદ પણ કર્યો હતો.

તેમણે ઉમેર્યું કે, સરકારના છેલ્લા આઠ વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણને સમર્પિત રહ્યા છે. ગરીબ કલ્યાણ યોજનાઓની પાત્રતા ધરાવતો કોઇ પણ લાભાર્થી વંચિત ન રહે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. કોઇ પણ યોજનામાં સો ટકા લક્ષ્ય પ્રાપ્ત કરીએ, તે માત્ર આંકડો નથી. પરંતુ, શાસન, પ્રશાસન ગરીબો પ્રત્યે સંવેદનશીલ છે, સુખદુઃખનો સાથી છે, તેનું મોટું પ્રમાણ છે. દેશમાં સૌ પ્રથમવાર 90 ટકા નાના અને સિમાંત ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના, માછીમારો માટે ક્રેડીટ કાર્ડ ઉપરાંત શેરી ફેરિયાઓ માટે પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોનસહાય ચૂકવવામાં આવી રહી છે. તેનાથી આ વર્ગના લોકો આર્થિક રીતે સક્ષમ બની રહ્યા છે.

ભરૂચ સાથેના પોતાના સંસ્મરણો વાગોળતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, એક જમાનામાં ભરૂચમાં રસ્તા ઉપર રેંકડી લઇ ચાલો તો તેમાંથી વસ્તુ નીચે પડી જાય એવી સ્થિતિ હતી. આજે તે જ ભરૂચ યુવાનોના સપના અને આકાંક્ષાઓનો જિલ્લો બની ગયો છે. મા નર્મદા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી ભરૂચ અને રાજપીપળા જિલ્લાની વૈશ્વિક ઓળખ બની છે. ઔદ્યોગિક વિકાસ સાથે ફ્રેઇટ કોરિડોર, બૂલેટ ટ્રેઇન, એક્સપ્રેસ વેની સુવિધા મળતા ભરૂચને મોટો લાભ થશે. બ્લ્યુ ઇકોનોમીમાં ભરૂચ જિલ્લો મહત્વનું યોગદાન આપી શકે છે. ભાડભૂત બેરેજ યોજનાથી ભરૂચને ફાયદો થશે.

વડાપ્રધાનએ કહ્યું કે, ઉત્કર્ષ સમારોહ સાચા અર્થમાં ઉત્તમ સમારોહ છે. સરકાર પ્રમાણિક્તાથી સંકલ્પ લઇ લાભાર્થી સુધી પહોંચે તો તેના કેવા સાર્થક પરિણામો મળે એ ગુજરાત સરકાર અને ભરૂચ જિલ્લા પ્રશાસને આ સમારોહથી સાબિત કરી બતાવ્યું છે.

મુખ્યમંત્રી જણાવ્યું કે, ગંગા સ્વરૂપા મહિલાઓને આપવામાં આવતી નાણાંકીય સહાય વધારીને રૂ. 1250 કરવામાં આવી છે. એટલું જ નહીં, યોજનામાં લાભાર્થીનો પુત્ર 21 વર્ષનો થાય એટલે તેમને સહાય મળતી નહોતી. પણ, એ બાધ સરકારે દૂર કર્યો છે. જેના પરિણામે લાભાર્થીઓની સંખ્યા 3.70 લાખ હતી, જે વધીને 11.36 લાખ સુધી પહોંચી છે. અત્યાર સુધીમાં રૂ. 1530.76 કરોડની સહાય આ યોજનામાં ચૂકવવામાં આવી છે.

વડીલો, દિવ્યાંગોનો સહારો રાજ્ય સરકાર બની છે, તેની ભૂમિકા આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે, 130 લાખ વૃદ્ધો અને દિવ્યાંગોને રૂ. 103 કરોડ પેન્શન સહાય, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 8.90 લાખ પરિવારોને ઘરના ઘર આપવામાં આવ્યા છે. રાજ્યમાં 1.68 કરોડથી વધુ લોકોના જનધન ખાતા ખોલવામાં આવ્યા છે. જેમાં રૂ. 7400 કરોડની બચત જમા થઇ છે. એક એક નાગરિકને શોધી સરકારી લાભ આપવામાં આવે છે. આ બાબત વડાપ્રધાનના દિશાદર્શનમાં ગુજરાતમાં એક સર્વગ્રાહિ, ઇન્ક્લુઝીવ ઇકોસિસ્ટમ ઉભી થઇ છે, તે સૂચવે છે. રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી 1.47 કરોડ લાભાર્થીઓને રૂ. 26676 કરોડની સહાય હાથોહાથ આપવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

ભરૂચની દૂધધારા ડેરી દ્વારા જિલ્લાના 5400 કુપોષિત બાળકોને પોષણક્ષમ બનાવવા અપાનારા ચણા, મગ અને દૂધનું મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું કે, રાજ્ય પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી હોય છે. આ સરકાર દ્વારા સુશાસનની પહેલ કરવામાં આવી છે. નાગરિકોની આશા અને અપેક્ષા પૂર્ણ કરવાનું કામ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મૂકી સમાજના શોષિતો, પીડિતો, ગરીબો, વંચિતોનું જીવન સુશાસન થકી અમૃતમય બને તે દિશામાં વડાપ્રધાન અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કાર્ય કરી રહ્યા છે.

આ પ્રસંગે સાંસદ સી. આર. પાટીલ, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ, અરૂણસિંહ રણા, મુખ્ય સચિવ પંકજ કુમાર, પદાધિકારીઓ, અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં લાભાર્થીઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Your email address will not be published.