કચ્છમાં ભાઈચારાની અનોખી ઘટના: મુસ્લિમ યુવાનને ડૂબતો બચાવવા હિંદુ યુવાને કૂદકો માર્યો, બંનેના મોત

| Updated: June 15, 2022 3:32 pm

કચ્છમાં ભાઈચારાની અનોખી મિશાલ સામે આવી છે. જેમાં મુસ્લિમ યુવક ડૂબતો હતો જેને જોઈને ત્યા ઉભેલો હિન્દુ યુવક તેને બચાવવા માટે પાણીમાં કૂદી પડ્યો હતો. જો કે, આ યુવકને પણ તરતા ન આવડતા બન્નેના મોત થયા છે. આ ઘટનાને લઈ હાલ ગામમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો હતો.

ભચાઉ SRP કેમ્પ નજીક આવેલી નર્મદા કેનાલમાં મુસ્લિમ યુવાન અક્રમ યુસુફભાઈ અબડા માતાની નજર સામે પાણીમાં ડૂબી રહ્યો હતો, જેને બચાવવા માટે ચોપડવા ગામના 24 વર્ષીય ક્ષત્રિય યુવાન જિતેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજાએ કેનાલમાં કૂદકો માર્યો હતો, જેમાં બંનેના જીવ ગયા હતા. આ ઘટના બાદ મુસ્લિમ યુવાન અકરમનો મૃતદેહ મળ્યો હતો. જ્યારે જિતેન્દ્રસિંહ જાડેજાનો મૃતદેહ જે જગ્યાએ બનાવ બન્યો હતો એનાથી 10 કિલોમીટર દૂર એનઆરઈ કોક કંપની પાછળ નર્મદા કેનાલમાંથી 20 કલાક બાદ મળી આવ્યો હતો.

જોગરાજસિંહે આગળ જણાવ્યું હતું કે મુસ્લિમ પરિવાર કંઈક વિધિ કરવા આવ્યા હતા. એ વખતે અકરમ, તેની માતા અને એક નાનો છોકરો પણ હતો. જે વખતે અકરમ કેનાલમાં કંઈક વસ્તુ નાખવા ગયો ત્યારે તેનો પગ લપસી ગયો. તેની ઉંમર અંદાજે 35 વર્ષની હશે. તે ભચાઉના માનસરોવર વિસ્તાર નજીકના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જોગરાજસિંહે કહ્યું હતું કે જિતેન્દ્રસિંહ દિલદાર માણસ હતો. ગામના તળાવમાં નાનપણથી જ તરવાનું શીખેલો હતો. અમારી સાથે હવે ફક્ત તેની યાદો જ રહી ગઈ છે.

સરપંચે વધુમાં કહ્યું હતું કે જિતેન્દ્રસિંહના પરિવારમાં માતા-પિતા અને એક મોટો ભાઈ છે. પિતા ગામમાં ફેક્ટરીમાં પાણી સપ્લાય કરનારને ત્યાં નોકરી કરે છે. માતા ગૃહિણી છે. તેનો ભાઈ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. બંને ભાઈઓ અપરિણીત હતા. ગામમાં કંઈપણ કામ હોય જિતેન્દ્રસિંહ મદદ કરવા આવી જતો. કોઈ દિવસ કામની ના પાડતો નહોતો. છોકરો અને તેના પરિવારના માણસો સાવ સીધા છે. તેમના ઘરની આર્થિક સ્થિતિ નબળી છે. સરકાર તેમની થોડી મદદ કરે તો સારું. જિતેન્દ્રસિંહની સ્મશાન યાત્રામાં આજુબાજુનાં ગામોમાથી મુસલમાનો પણ ઘણા આવ્યા હતા.

બીજી તરફ, મુસ્લિમ અગ્રણીઓએ જિતેન્દ્રસિંહ જાડેજાના ઘરે પહોંચી પરિવારને દિલાસો આપ્યો હતો. દિલ્હીના માજી સાંસદ મૌલાના ઉબેદુલાખાન આઝમી, હાજી જુમાભાઈ રાયમા સહિતના મુસ્લિમ અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે જિતેન્દ્રસિંહ જાડેજાએ મુસ્લિમ યુવાનને બચાવવા શહીદી વહોરી એક ક્ષત્રિય ધર્મને છાજે એવું કાર્ય કર્યું છે. આ વાત મુસ્લિમ સમાજ ક્યારેય ભૂલશે નહીં.

Your email address will not be published.