આમિર ખાનઃ ‘કયામત સે અબ તક’

| Updated: July 3, 2021 5:58 pm

બોલીવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા આમિર ખાન તેમની ફિલ્મોમાં પરફેક્શન લાવવા માટે જાણીતા છે, પરંતુ તેમની ‘પરફેક્ટ મેરેજ’ની શોધ કદાચ હજુ પૂરી થઈ નથી.

તેઓ માત્ર પોતાની પ્રોફેશનલ લાઈફ અને બ્લોકબસ્ટર ફિલ્મોના કારણે જ નહીં, પોતાના વ્યક્તિગત જીવનના કારણે પણ ચર્ચામાં રહે છે. 1988માં ‘કયામત સે કયામત’ તકથી કારકિર્દીની શરૂઆત કરનારા આમિરને બોલીવૂડમાં એવા અભિનેતા તરીકે ઓળખવામાં આવે છે જે તમામ પ્રકારની ભૂમિકાઓ ભજવી શકે છે.

કિરણ રાવ સાથે આમિરના 15 વર્ષના લગ્નજીવનનો હવે અંત આવ્યો છે, ત્યારે ‘વાઈબ્સ ઓફ ઇન્ડિયા’ તેની પર્સનલ લાઈફ પર નજર નાખે છે. આમિરે તેની ભૂતપૂર્વ પત્નીઓ સાથે હંમેશા સારા સંબંધ જાળવી રાખ્યા છે.

રીના દત્તા

આમિરે બોલીવૂડમાં પ્રવેશ કર્યો તેના બે વર્ષ અગાઉ 18 એપ્રિલ, 1986ના રોજ રીના અને આમિરના લગ્ન થયા હતા. તે સમયે રીનાની ઉંમર 18 વર્ષ હતી જ્યારે આમિર 21 વર્ષનો હતો. તેઓ પડોશી હતા અને ઘણા પ્રયાસો પછી આમિર રીનાને લગ્ન માટે રાજી કરી શક્યો હતો. આમિરે એક વખત કહ્યું હતું કે તેણે રીનાને પોતાના લોહીથી પત્રો લખ્યા હતા, પરંતુ રીના તેનાથી નારાજ થઈ હતી. તેમના લગ્નજીવનથી બે બાળકો હતા, પરંતુ 16 વર્ષ પછી લગ્નજીવનનો અંત આવ્યો હતો. તેમને ઝુનૈદ અને ઇરા નામે બે બાળકો છે અને બંનેની કસ્ટડી રીનાને મળી હતી. હાલમાં 28 વર્ષીય ઝુનૈદ સોનમ વર્મા સાથે ડેટિંગ કરે છે, જ્યારે આમિરની પુત્રી ઇરા તેના ફિટનેસ ટ્રેનર નુપુર શિખરેને ડેટ કરે છે.

રીના જેની પ્રોડ્યુસર હતી તે ફિલ્મ ‘લગાન’ના સેટ પર આમિર અને કિરણ રાવની મુલાકાત થઈ હતી. અત્યારે આમિર અને કિરણ અલગ થઈ રહ્યા છે ત્યારે જોગાનુજોગ કહી શકાય કે આમિર અને ફાતિમાની મુલાકાત પણ ‘દંગલ’ના સેટ પર થઈ હતી અને તેની પત્ની કિરણ તેની કો-પ્રોડ્યુસર હતી.

જેસિકા હાઈન્સ

જેસિકા હાઈન્સ જાણીતા બ્રિટિશ લેખિકા અને પત્રકાર છે. તેમણે અમિતાભ બચ્ચન પર ‘લૂકિંગ ફોર ધ બિગ બીઃ બોલીવૂડ, બચ્ચન એન્ડ મી’ પુસ્તક લખ્યું હતું. કહેવાય છે કે આમિર ખાન અને જેસિકાની મુલાકાત 1998માં ‘ગુલામ’ના સેટ પર થઈ હતી. તેમણે લિવ-ઇન રિલેશન શરૂ કર્યા હતા. એવું પણ કહેવાય છે કે જેસિકાથી તેને જાન નામે એક પુત્ર છે. જાનનો જન્મ 2003માં થયો હતો. જેસિકાએ મીડિયાને જણાવ્યું હતું કે બોલીવૂડના અભિનેતા આમિર ખાન એ જાનના પિતા છે. જેસિકા 32 વર્ષના હતા ત્યારે તેમની મુલાકાત 37 વર્ષીય આમિર સાથે થઈ હતી,

કિરણ રાવ

આમિર અને કિરણ રાવની પ્રથમ મુલાકાત 2001ની ફિલ્મ ‘લગાન’ના સેટ પર થઈ હતી, તે સમયે કિરણ રાવ આશુતોષ ગોવારીકરના આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા. રીનાથી અલગ થયા પછી આમિર અને કિરણની ફરી મુલાકાત થઈ અને તેઓ ફોન પર લાંબી વાતો કરવા લાગ્યા. આમિરે કબૂલાત કરી છે કે ફોન પર તેઓ જીવન, પ્રેમ અને સંબંધો વિશે જ વાતો કરતા હતા. તેના કારણે તેઓ પ્રેમમાં પડ્યા અને પરણી ગયા. તે સમયે આમિરની ઉંમર 40 વર્ષ અને કિરણની ઉંમર 33 વર્ષ હતી. તેમના પુત્ર આઝાદ કિરણ રાવનો જન્મ 2011માં થયો હતો અને આ પુત્ર તેમણે સરોગેટ મધર દ્વારા મેળવ્યો હતો.

જોકે, કેટલાક અહેવાલો પ્રમાણે આમિર અને કિરણ એક ફિલ્મના સેટ પર પ્રેમમાં પડ્યા હતા. આજે 15 વર્ષ પછી આ દંપતીએ છૂટાછેડા લેવાની જાહેરાત કરી છે. તેમણે પોતાના નિવેદનમાં ક્યું છે કે “15 વર્ષના સુંદર લગ્નજીવન દરમિયાન અને પ્રેમ, આનંદ, હાસ્યનો અનુભવ કર્યો હતો. અમારા સંબંધો વિશ્વાસ, સન્માન અને પ્રેમના આધારે વિકસ્યા છે. હવે અમે અમારા જીવનનું નવું પ્રકરણ શરૂ કરીએ છીએ. અમે હવે પતિ-પત્ની નથી રહેતા, પરંતુ સહ-વાલી અને પરિવારજન બનીએ છીએ.” તેમણે એમ પણ લખ્યું છે કે તેમના પુત્ર આઝાદને તેઓ સાથે મળીને ઉછેરશે.

ફાતિમા સાના શેખ

આમિર અત્યારે દંગલની સ્ટાર ફાતિમા સાના શેખ સાથે રિલેશનમાં હોય તેવી અફવા ઉડી છે. સાના મૂળ જમ્મુ અને કાશ્મીરની છે. તેના પિતા વિપિન શર્મા જમ્મુના હતા, જ્યારે માતા તબસ્સુમ શ્રીનગરની હતી. એવું કહેવાય છે કે 2016માં દંગલનું નિર્માણ ચાલુ હતું ત્યારે તેઓ ડેટિંગ કરતા હતા. આમિર અને રીનાના પુત્ર કરતા ફાતિમા માત્ર એક વર્ષ મોટી છે.

આમિર અને ફાતિમા એકબીજાનો હાથ પકડીને સાથે ફરતા જોવા મળ્યા છે. તેઓ વિવિધ પાર્ટીમાં પણ સાથે જતા હતા તેના કારણે અફવાઓને વેગ મળ્યો હતો. આમિરે આદિત્ય ચોપ્રાની ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિંદોસ્તાન’ માટે ફાતિમાના નામની ભલામણ કરી હતી. આમિર ખાન કરતા ફાતિમા ઉમરમાં 27 વર્ષ નાની છે.

બોલીવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ હવે ‘લાલ સિંઘ ચઢ્ઢા’માં કરીના કપૂર સાથે જોવા મળશે.

Your email address will not be published.