અમદાવાદમાં ઓલિમ્પિક્સ માટે લગભગ નવ લાખ ચોરસ મીટર જમીન ઓળખી કઢાઈ

| Updated: July 2, 2022 2:27 pm

અમદાવાદઃ અમદાવાદમાં 2036માં ઓલિમ્પિક્સ યોજવા માટે સ્પોર્ટ્સ ફેસિલિટીઝ ઊભી કરવાના રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઓડા)એ ભાટ ગામમાં બે ટાઉન પ્લાનિગં સ્કીમમાં લગભગ નવ લાખ ચોરસ મીટર જમીન ઓળખી કાઢી છે.

આ જમીન ટીપી સ્કીમ 238 અને 80ની છે. હાલમાં આ જમીન વિવિધ સરકારી એકમો જેવા કે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જીઆઇડીસી), સરદાર સરોવર નિગમ (એસએસએલ) અને વનવિભાગ પાસે છે. સત્તાવાળાઓ આ જમીન પર ઓલિમ્પિક્સ વિલેજ બનાવશે અને તેમા સ્પોર્ટ્સ ફેસિલિટીઝ હશે. તેની સાથે સ્પોર્ટ્સપર્સન્સ માટે ક્વાર્ટર અને પ્રેક્ષકો માટે હોટેલની સગવડનો પણ સમાવેશ થાય છે.

ઓડાએ આ ઉપરાંત બોપલમાં મણિપુર-ગોધાવી નજીક 200 એકર જમીનમાં સ્પોર્ટસ ટ્રેનિંગ ફેસિલિટીઝ સ્થાપવાની પ્રક્રિયા પણ હાથ ધરીએ છે. રાજ્ય સરકારે આ ઉપરાંત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમના વિસ્તારમાં 236 એકર જમીન પણ સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ ખાતે માટે ફાળવવાનું આયોજન કર્યુ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ઔડાએ ઓલિમ્પિકસમાં ઉપયોગ લઈ શકાય તેવી જમીનને ઓળખી કાઢવા માટે પ્રાઇસવોટરહાઉસકૂપર્સને નીમી હતી. આ ફર્મે તેના રિપોર્ટમાં સરવે કરવાનો હતો કે અમદાવાદ અને ગાંધીનગરની વર્તમાન સ્પોર્ટ્સ ફેસિલિટીઝ ઓલિમ્પિક્સ ગેમ્સ માટે ફિટ છે કે નહી. ફર્મે આ સિવાય તે પણ ઓળખી કાઢવાનું હતું કે ઓલિમ્પિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ જમીન પર ઊભું કરી શકાય. તેના અહેવાલના આધારે ઓડાએ 9 લાખ ચોરસ મીટરથી પણ વધુ જમીન ઓળખી કાઢી હોવાનું કહેવાય છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ઔડાનો ઓલિમ્પિક સેલ સરકારના આ વિભાગો સાથે જમીન હસ્તગત કરવા વાતચીત કરી રહ્યો છે. સરકાર આ ઉપરાંત બંને ટાઉન પ્લાનિંગમાંથી આ જમીન પણ અલગ તારવવાની પ્રક્રિયા હાથ ધરી છે, જેથી તેને ઓલિમ્પિક ડિસ્ટ્રિક્ટ સ્થાપવા માટે ઉપલબ્ધ બનાવી શકાય.

વર્ષ અગાઉ જ ઓડાએ ભાટ, સુઘડ, મોટેરા, કોટેશ્વર અને અન્ય સહિત દસ ગામોમાં સરકારી જમીન લીઝ આપવા પર કે વેચવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ઓડાએ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને પણ સૂચના આપી હતી કે સરકારી જમીન સાથે સંલગ્ન હોય તેવી કોઈપણ જમીન ટ્રાન્સફર કરવી નહી. આ જ સમયે એસએસએનએલે ભાટ નજીક નર્મદા કેનાલના કામ માટે જમીન હસ્તગત કરી હતી. કેનાલનો પ્લાન પછી બદલાતા આ હસ્તગત કરાયેલી જમીન બિનઉપયોગી પડી હતી. જીઆઇડીસી અને એસએસએનએલ બેની થઈને જ લગભગ 7.5 લાખ ચોરસ મીટર જમીન છે.

Your email address will not be published.