નવી દિલ્હીઃ વિશ્વની સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક હોલ્સિમ ભારતમાંથી નીકળી જાય અને તેના ભારતીય એકમને અદાણી જૂથ ખરીદે તેવી સંભાવના છે. કંપનીએ તેની બંને લિસ્ટેડ કંપની એસીસી અને અંબુજા સિમેન્ટને વેચાણાર્થે મૂકતા આ વાતે વેગ પકડ્યો છે. જો કે તેના ભારતીય એકમને ખરીદવાની રેસમાં અદાણી જૂથ અને જેએસડબલ્યુ અગ્રેસર છે. હાલમાં હોલ્સિમની બંને જૂથ સાથે વાતચીત ચાલી રહી છે.
અદાણી જૂથ અને હોલ્સિમ બંને તાજેતરમાં જ સિમેન્ટ સેક્ટરમાં પ્રવેશ્યા છે, પરંતુ તે આક્રમક વિસ્તરણનું આયોજન ધરાવે છે. આ સિવાય પ્રાદેશિક કંપનીઓમાં શ્રી સિમેન્ટને પણ તેમા રસ છે. હોલ્સિમ ભારતમાં સત્તર વર્ષથી છે. અંબુજા સિમેન્ટ અને એસીસીને હસ્તગત કર્યા પછી તે સમગ્ર ભારતમાં 6.6 કરોડ ટનની વાર્ષિક સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા સાથે બીજા સ્થાને છે. આદિત્ય બિરલા જૂથની અલ્ટ્રાટેક 117 એમટીપીએની ક્ષમતા સાથે ભારતની સૌથી મોટી સિમેન્ટ કંપની છે.
સ્વિટ્ઝરલેન્ડ સ્થિત હોલ્સિમે 2015માં તેની ફ્રેન્ચ હરીફ લાફાર્જ સાથે મર્જર કર્યુ હતું. આમ તેણે લાફાર્જ હોલ્સિમના સ્વરૂપમાં યુરોપની સૌથી મોટી સિમેન્ટ અને બિલ્ડિંગ મટીરિયલ જાયન્ટની રચના કરી હતી. જો કે યુરોપ અને ભારત સહિત એશિયામાં વિવિધ નિયમનકારોનો સામનો કરવા માટે તેણે તેના માળખામાં મોટાપાયા પર પુર્નરચના કરી હતી.
ભારતમાં હોલ્સિમની મુખ્ય કંપની અંબુજા સિમેન્ટ છે. હોલ્ડરઇન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ તેમા પ્રમોટર તરીકે 63.1 ટકા હિસ્સો ધરાવે છે. જયારે અંબુજા સિમેન્ટ એસીસીમાં 50.01 ટકા હિસ્સો ધરાવે છે. હોલ્ડર ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ એસીસીમાં 4.48 ટકાનો સીધો હિસ્સો ધરાવે છે.
બુધવારે બંને કંપનીઓનું સંયુક્ત બજારમૂલ્ય 1.14 લાખ કરોડ (15 અબજ ડોલર) હતું. તેમા અંબુજાનું મૂલ્ય 73,349 કરોડ હતું. સંભવિત ટ્રાન્ઝેકશન્સમાં બંને કંપનીના 26 ટકાની ઓપન ઓફર થઈ શકે છે. આના પગલે બંને કંપનીઓના શેર બુધવારે ઉચકાયા હતા. જો કે આ અંગે જેએસડબલ્યુ અને અદાણી બંનેમાંથી કોઈએ ટિપ્પણી કરી નથી.
હોલ્સિમ અત્યારે પુર્નગઠનના તબક્કામાં છે. તે તેની યુરોપીયન કામગીરીના માળખામાં ધરમૂળથી પરિવર્તન કરી રહી છે અને તેના જ ભાગરૂપે તે તેના ભારતીય એકમને વેચી રહી છે. કંપની તેની કામગીરીને વધારે સુચારુ અને સુવ્યવસ્થિત બનાવીને સંચાલકીય ખર્ચ ઘટાડવા માંગે છે. આ માટે કંપની તેની કેટલીક એસેટ્સ કે કંપનીઓનું વ્યૂહાત્મક વેચાણ કરી રહી છે.