એસબીઆઇને પછાડીને અદાણી ગ્રીન સાતમા નંબરની સૌથી વેલ્યુએબલ કંપની બની

| Updated: April 19, 2022 10:15 am

અદાણી ગ્રીન એ માર્કેટ કેપના મામલે નવો રેકોર્ડ બનાવ્યો છે. કંપનીએ માર્કેટ કેપના મામલે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)ને પાછળ છોડી દીધી છે. સોમવારે અદાણી ગ્રુપની રિન્યુએબલ એનર્જી કંપની દલાલ સ્ટ્રીટ પરની સાતમા ક્રમની સૌથી વધુ વેલ્યુ ધરાવતી કંપની બની હતી.

સોમવારના બંધ ભાવનાં આધારે એસબીઆઈની માર્કેટ કેપ 454619.71 કરોડ રૂપિયા રહી હતી, જે અદાણીની 4,64,215.08 કરોડ રૂપિયાની માર્કેટ કેપથી ઓછી હતી. આ આધાર પર એસબીઆઈ માર્કેટ કેપના મામલે બીએસઈ રેન્કિંગમાં સાતમાં સ્થાનથી આઠમાં સ્થાન પર પહોંચી ગઈ છે. જયારે અદાણી ગ્રીન સાતમાં નંબર પર પહોંચી ગઈ છે.સોમવારે, અદાણી ગ્રીનનાં શેર લગભગ 4 ટકા વધીને રૂ.2.968.10 પર બંધ થયા હતા.
અદાણી ગ્રીન એકમાત્ર નોન-સેન્સેક્સ કંપની છે જે માર્કેટ વેલ્યુએશનની દ્રષ્ટિએ બીએસઇ પર ટોચની દસ કંપનીની યાદીમાં છે.

ટોપ-10 કંપનીઓમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે, ત્યારબાદ ટીસીએસ, એચડીએફસી બેન્ક, ઇન્ફોસિસ, આઇસીઆઇસીઆઇ બેન્ક, એચયુએલ, અદાણી ગ્રીન એનર્જી, એસબીઆઇ, બજાજ ફાઇનાન્સ અને એચડીએફસી છે.

ગ્રીન એનર્જી સેગમેન્ટમાં અદાણી ગ્રીન એનર્જીનાં શેર રોકાણકારોનાં હોટ ફેવરિટ રહ્યા છે. રિન્યુએબલ એનર્જી પર કંપનીના ફોકસને કારણે એપ્રિલ 2020 થી 1,400 ટકાનાં વધારા સાથે તે માર્કેટની પસંદગીની કંપની બની છે.
ગયા વર્ષે કોપ26 સમિટમાં 2070 સુધીમાં નેટ કાર્બન ઝીરો ઇકોનોમી બનવાની પ્રતિબદ્ધતા ભારતે વ્યક્ત કરી હતી. તે સંજોગોમાં ગ્રીન એનર્જી બિઝનેસ પર અદાણી ગ્રૂપના તાજેતરના ફોકસને આશ્ચર્યજનક સફળતા મળી છે. અદાણી ગ્રૂપે તાજેતરમાં અબુ ધાબી સ્થિત ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપનીને ઇક્વિટી હિસ્સાની પ્રેફરન્શિયલ ફાળવણી દ્વારા કંપનીમાં રોકાણકારોનાં વિશ્વાસમાં વધારો કર્યો છે.

ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની પ્રેફરન્શિયલ શેર ફાળવણી દ્વારા અદાણી ગ્રૂપમાં ત્રણ ગ્રીન-ફોકસ્ડ કંપનીઓમાં 2 બિલિયન ડોલરનું રોકાણ કરશે.અબજોપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળના ગ્રુપે જણાવ્યું હતું કે, આઇએચસી અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (એજીઇએલ)માં રૂ.3,850 કરોડ, અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ (એટીએલ)માં રૂ. 3,850 કરોડ અને અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (એઇએલ)માં રૂ.7,700 કરોડનું રોકાણ કરશે. આ રોકાણ શેરહોલ્ડર અને નિયમનકારી મંજૂરીઓને આધીન છે અને તે સેબીના નિયમોનું પાલન કરશે.

Your email address will not be published.