દુબઈઃ અદાણી જૂથે હવે હવે ક્રિકેટ સાહસમાં પણ ઝંપલાવ્યું છે. આઇપીએલમાં અમદાવાદની ક્રિકેટ ટીમ ખરીદવામાં નિષ્ફળતા મળ્યા પછી અદાણી જૂથે યુએઇની ફ્લેગશિપ ટી-20 ક્રિકેટ લીગમાં ટીમ ખરીદવામાં સફળતા મેળવી છે. અદાણીએ અદાણી સ્પોર્ટ્સલાઇનના નેજા હેઠળ આ ટીમ ખરીદી છે.
આઇપીએલની ભવ્ય સફળતાના પગલે દેશવિદેશમાં અનેક ક્રિકેટ લીગ શરૂ થઈ ગઈ છે. તેના પગલે દુબઈમાં પણ યુનાઇટેડ આરબ અમીરાત (યુએઇ)ની ફ્લેગશિપ ટી-20 લીગનો પ્રારંભ થઈ રહ્યો છે. આ લીગમાં અદાણી સ્પોર્ટ્સલાઇને નવી ક્રિકેટ ટીમ ખરીદી છે.

આ લીગમાં છ ટીમ વચ્ચે કુલ 34 મેચ રમાનાર છે. આમ અદાણી જૂથ હવે નવી ક્રિકેટ ટીમ સાથે ક્રિકેટ ફ્રેન્ચાઇઝીના ક્ષેત્રે હાથ અજમાવશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં રમાઈ રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પણ ગૌતમ અદાણી જૂથે ફ્રેન્ચાઇઝી ખરીદવા માટે બિડ કરી હતી. જો કે અંતિમ રાઉન્ડમાં પહોંચવામાં તે નિષ્ફળ ગયા હતા.
અદાણી જૂથે આ અંગેના નિવેદનમાં જણાવ્યું હતું કે યુએઇ ક્રિકેટ લીગ આગામી સમયમાં યુવા ક્રિકેટરોને નવું પ્લેટફોર્મ પૂરુ પાડશે. અદાણી સ્પોર્ટ્સલાઇનનું આ વિદેશમાં પ્રથમ રમતસાહસ છે. અદાણી જૂથના પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે યુએઇ ટી20 લીગની ટીમ ખરીદવાની સાથે ક્રિકેટની સાથે જોડાવવાની અમારી આકાંક્ષા પૂરી થઈ ગઈ છે. અમિરાત ક્રિકેટ બોર્ડ દ્વારા યુએઇ ટી20 લીગને માન્યતા મળી છે. આ લીગમાં દર વર્ષે ટીમો ટકરાશે. તેમા વૈશ્વિક કક્ષાના સ્ટાર ક્રિકેટર્સ ટકરાશે.
યુએઇ ક્રિકેટ લીગના ચેરમેન ખાલિદ અલ ઝરૂનીએ જણાવ્યું હતું કે અદાણી જૂથ દ્વારા ફ્રેન્ચાઇઝ ટીમ ખરીદવામાં આવી છે. આ જોડાણ લીગ માટે પણ ગૌરવ ભરી ક્ષણ છે. અદાણી ગ્રુપ ઉપરાંત યુએઇ ટી20 લીગમાં મુકે અંબાણીની માલિકીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન, જીએમઆરના કિરણ કુમારગ્રંથિ સહિતના જાણીતા વ્યક્તિઓ પોતાની ફ્રેન્ચાઇઝી ધરાવે છે.
અદાણી જૂથ વૈવિધ્યકૃત કારોબાર ધરાવે છે. તેના કારોબારમાં પોર્ટ મેનેજમેન્ટથી લઈને વીજ ઉત્પાદન, અને પરિવહન, અક્ષય ઊર્જા, માઇનિંગ, એરપોર્ટ કામગીરી, નેચરલ ગેસ, ફૂડ પ્રોસેસિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. અદાણી જૂથની કામગીરીમાંથી આવક 20 અબજ ડોલર છે અને તેની કામગીરી 50 દેશોના 70 સ્થળોએ પથરાયેલી છે. તેનું બજારમૂલ્ય 222 અબજ ડોલર છે.