અમદાવાદઃ અદાણી જૂથે મીડિયા સેક્ટરમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. તેણે એએમજી મીડિયા નેટવર્ક લોન્ચ કર્યુ છે. એએમજી મીડિયા નેટવર્ક્સ લિમિટેડ અદાણી એન્ટરપ્રાઇઝિસની પૂર્ણ માલિકીની પેટા કંપની છે.
એએમજી મીડિયા નેટવર્ક્સની મુખ્ય કામગીરી મીડિયા સેક્ટરમાં હશે. મીડિયા સેક્ટરમાં તે મીડિયા સંલગ્ન પ્રવૃત્તિઓ સંભાળશે. તેમા પ્રકાશન, એડર્વટાઇઝિંગ, પ્રસારણ અને વિવિધ પ્રકારના મીડિયા નેટવર્ક્સ દ્વારા માહિતીના પ્રસારણનો સમાવેશ થાય છે.
રજિસ્ટ્રાર ઓફ કંપનીઝના જણાવ્યા મુજબ એએમજી મીડિયા નેટવર્કના ત્રણ ડિરેક્ટર હશે. તેમા અદાણી એન્ટરપ્રાઇઝિસના ડિરેક્ટર પ્રણવ અદાણી હશે. બીજા ડિરેકટર સીઇઓ અને મીડિયા ઇનિશિયેટિવના એડિટર ઇન ચીફ હશે. જ્યારે ત્રીજા ડિરેક્ટર અદાણી જૂથના અને અદાણી એન્ટરપ્રાઇઝિસના ચીફ ટેકનોલોજી ઓફિસર સુદિપ્તા ભટ્ટાચાર્ય હશે.
અદાણીએ આ ઉપરાંત ક્વિન્ટિલિયન બિઝનેસ મીડિયા (ક્યુબીએમ)માં લઘુમતી માલિકી ખરીદી છે. તે ક્વિન્ટ ડિજિટલની પેટા કંપની છે. ગયા મહિને જ આ સોદો કર્યો હતો. આ જ રીતે તેણે ક્યુબીએમ, ક્વિન્ટ ડિજિટલ બિઝનેસ ન્યુ પ્લેટફોર્મ ખરીદ્યુ છે. જો કે તેણે ક્વિન્ટ, ધ ન્યુઝ મિનિટ કે યુથ કી આવાઝને ખરીદ્યા નથી.
જાણીતા લેખક સંજય પુગલિયા ગ્રુપના નવા સીઇઓ છે. ગયા વર્ષે તેમને મીડિયા સાહસના એડિટર-ઇન-ચીફ બનાવાયા હતા. તેઓ અગાઉ ક્વિન્ટ ડિજિટલ મીડિયાના પ્રમુખ હતા. તેઓની જવાબદારી હવે અદાણી જૂથના મીડિયા, કમ્યુનિકેશન્સ અને બ્રાન્ડિંગના પ્રયત્નોને જોવાની રહેશે. રિલાયન્સ પછી અદાણી જૂથના મીડિયા સાહસે પણ મીડિયા સેક્ટરમાં નોંધપાત્ર હલચલ મચાવી છે. તે આગામી સમયમાં કેટલીક અગ્રણી બ્રાન્ડ ખરીદી શકે તેમ માનવામાં આવે છે.