અદાણી ગ્રુપ 4 અબજ ડોલરના રોકાણ સાથે હેલ્થકેરમાં ઝંપલાવશે

| Updated: May 3, 2022 9:04 am

અનેકવિધ બિઝનેસ ચલાવતું અદાણી ગ્રુપ હવે હેલ્થકેર બિઝનેસમાં પ્રવેશવા માટે વિદેશી બેન્કો અને ગ્લોબલ પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર્સ સાથે જોડાણ કરી રહ્યું છે.

અદાણી ગ્રુપ એક ભારતીય મલ્ટીનેશનલ કંપની છે, જેનું હેડકવા્ટર અમદાવાદમાં આવેલું છે.  ગૌતમ અદાણીએ તેની સ્થાપના 1988માં કોમોડિટી ટ્રેડિંગ બિઝનેસ તરીકે કરી હતી, જેમાં મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ (અગાઉ અદાણી એક્સપોર્ટ્સ લિમિટેડ) હતી. ગ્રુપના વિવિધ બિઝનેસમાં પોર્ટ મેનેજમેન્ટ, ઇલેક્ટ્રિક પાવર જનરેશન અને ટ્રાન્સમિશન, રિન્યુએબલ એનર્જી, માઇનિંગ, એરપોર્ટ ઓપરેશન્સ, નેચરલ ગેસ, ફૂડ પ્રોસેસિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે.

અદાણીનાં નવા સાહસથી માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ભારતીય માર્કેટ માટે જોઇન્ટ ઇન્ડસ્ટ્રી કે જોડાણ માટે હેલ્થકેર સેકટરની ગ્લોબલ કંપનીઓ સાથે વાતચીત કરી રહ્યા છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત કરાય તેવી શકયતા છે. કંપની આ માટે 4 અબજ ડોલર સુધીનું રોકાણ કરવાની પણ યોજના બનાવી રહી છે. જોકે, કંપની તરફથી હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

અન્ય એક સૂત્રએ જણાવ્યું હતું કે, અદાણીને હેલ્થકેરમાં મોટી તક દેખાય છે અને તે વિવિધ કારણોસર પડકારોનો સામનો કરી રહેલા આ ક્ષેત્રમાં મજબૂત જગ્યા બનાવવા તૈયાર છે.

કંપનીનું ફોકસ હેલ્થકેર સેક્ટર પર છે.સરકારે હેલ્થકેર સેક્ટરમાં રોકાણને આકર્ષવા માટે પ્રોત્સાહનો સહિત અનેક નીતિગત પહેલની જાહેરાત કરી છે. ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ ડિવાઇસીસનાં દેશમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની યોજના ચાલી રહી છે. હોમ હેલ્થકેર સેક્ટર અને ખાસ કરીને ઓનલાઇન ફાર્મસી સેક્ટરમાં છેલ્લાં બે વર્ષમાં મર્જર અને એક્વિઝિશનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

Your email address will not be published.