ગૌતમ અદાણી સપરિવાર પોતાના કુળદેવી કુવારકા માતાના નિયમિત દર્શન કરવાનું ચૂકતા નથી

| Updated: November 25, 2021 12:46 am

સંપત્તિની બાબતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીને પણ પાછળ રાખી દેનાર ગૌતમ અદાણી ધાર્મિક વ્યક્તિ છે અને કુળદેવીના આશીર્વાદમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે.

એશિયાના સૌથી ધનિક બિઝનેસમેન ગૌતમ અદાણીએ ચાર દિવસ પહેલા જ થરાદ ખાતે પોતાના કુળદેવી કુવારકા માતાના મંદિરે સપરિવાર દર્શન કર્યા હતા. અદાણી પરિવાર ઘણી વખત થરાદ આવે છે અને કુળદેવીના મંદિરે દર્શન કરે છે.

અત્યારે પણ થરાદમાં તેમના પરિવારનું ઘર છે. 21 નવેમ્બરે જ તેમણે સપરિવાર પોતાના કુળદેવીના દર્શન કર્યા હતા અને થરાદમાં એક હોસ્પિટલ સ્થાપવા વિશે તૈયારી દર્શાવી હતી.

કુવારકા માતાને દેવી સરસ્વતીનું બીજું સ્વરુપ માનવામાં આવે છે. કુવારકામાંને અદાણી, મોદી, વોરા, જોટા, અને રાશીયા પરિવારો પણ પોતાના કુળદેવી માનતા હોય છે.

કુવારકામાં વિશે થરાદના સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ મંદિર જે જગ્યાએથી મળી આવ્યું છે તે જગ્યાએથી કુવારકા માતાની નાની પ્રતિમા મળી આવી હતી. થરાદમાં કુવારકામાંના જૂનું અને નવું એમ બે મંદિરો છે.

કુવારકામાંના હાલના મંદિરને આશરે 25 વર્ષ થઈ ગયા છે. આ મંદિરે દશેરાના દિવસે ગોત્રજ કરવામાં આવતો હોય છે અને માતાજીના મંદિરની વર્ષગાંઠ જેઠ સુદ તેરસના દિવસે ઉજવવામાં આવે છે.

અબજો ડોલરની સંપત્તિ હોવા છતાં અદાણીએ પોતાના વતન સાથે નાતો જાળવી રાખ્યો છે અને જ્યારે તેઓ ત્યાં જાય ત્યારે જૈન મૂનિઓના આશીર્વાદ મેળવે છે. આ વખતે પણ તેઓ બહોળા પરિવારની સાથે થરાદ ગયા ત્યારે જેઠીબા ભવનમાં સ્થાનિક લોકો સાથે બેસીને ભોજન લીધું હતું તથા આગેવાનો સાથે બેઠક કરી હતી.

કોરોના મહામારી વખતે અદાણી જૂથના ટેકાથી થરાદની સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે તેમણે અહીં એક હોસ્પિટલ સ્થાપવા માટે પણ તૈયારી દર્શાવી છે.

Your email address will not be published. Required fields are marked *