વૃદ્ધ માતા-પિતાની કસ્ટડી માટે ગુજરાત હાઈકોર્ટમાં કેસ; મોટા પુત્રના ગેરવર્તન બાદ નાના પુત્રને તાત્કાલિક કસ્ટડી અપાઈ

| Updated: August 4, 2022 9:00 am

બે પુત્રો વચ્ચે તેમના વૃદ્ધ માતા- પિતાની કસ્ટડી માટે ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat HC) કેસ ચાલતો હતો. જેમાં કોર્ટે બુધવારે નાના પુત્રને કસ્ટડી આપવાનો નિર્ણય કર્યો હતો. કોર્ટમાં તેમની 86 વર્ષની માતા એમ્બ્યુલન્સમાં આવી હતી, અને વ્હીલચેરમાં ન્યાયાધીશોના ચેમ્બરમાં લઈ જવામાં આવી હતી. ત્યાં તેણે વર્ણવ્યું કે કેવી રીતે તેના પતિ અને તેની સાથે મોટા પુત્રએ ખરાબ વર્તન કર્યું હતુ. ત્યારબાદ મોટો પુત્ર ગુસ્સે થઈ ગયો અને તેની માતાને “મુખ્ય વિલન” કહ્યું હતું. આ ઘટના બાદ જસ્ટિસ વી એમ પંચોલી અને જસ્ટિસ એસ એન ભટ્ટની ખંડપીઠે વૃદ્ધ દંપતીની કસ્ટડી નાના પુત્રને તાત્કાલિક ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો.

કોર્ટે કહ્યું કે, મોટા પુત્રને માતા-પિતાની કસ્ટડી તેના નાના ભાઈને સોંપવા માટે થોડો સમય આપવામાં આવ્યો હોત, પરંતુ મોટા ભાઈ દ્વારા આચરેલા દુષ્કર્મને ધ્યાનમાં રાખીને કોર્ટે તરત જ કસ્ટડી સોંપવાનું નક્કી કર્યું હતું.

નાના પુત્રએ એડવોકેટ બ્રિજેશ રાજ મારફત ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat HC) ફરિયાદ કરી હતી કે તેનો મોટો ભાઈ તેને અને તેની બહેનોને માતા-પિતા સાથે વાત કરવા અને મળવા દેતો નથી. માતા-પિતાને મળવા અને પાછા લાવવાના તેમના અગાઉના પ્રયાસોને પરિણામે તેમના મોટા ભાઈ દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી હતી.

નાના પુત્રએ માતાપિતાની કસ્ટડી મેળવવા માટે કુટુંબની મિલકતમાં તેનો હિસ્સો છોડી દેવાનું વચન આપ્યું હતું. જ્યારે ઉગ્ર દલીલો થઈ ત્યારે મોટા પુત્રએ પણ કોર્ટને કહ્યું કે, જો તેના માતા-પિતાને તેની સાથે રહેવાની મંજૂરી આપવામાં આવે તો તે મિલકતમાં હિસ્સાનો દાવો કરશે નહીં. ત્યારબાદ કોર્ટે બંને ભાઈઓને એક સપ્તાહની અંદર કૌટુંબિક મિલકતોમાં તેમના હિસ્સાનો દાવો નહીં કરવાની બાંહેધરી રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

નાનો પુત્ર વડોદરામાં રહેતો હતો અને પિતા પથારીવશ હોવાથી તેમની સારવાર અને વાહનવ્યવહાર માટે ICU-ઓન-વ્હીલ્સ સહિતની તમામ વ્યવસ્થા કરવા હાઇકોર્ટે તેને નિર્દેશ આપ્યો હતો. કોર્ટે પિતાની દેખરેખ માટે તેણે અટેન્ડન્ટની વ્યવસ્થા કરવા પણ કહ્યું હતું. તેમણે તમામ વ્યવસ્થા કરવા અને ખર્ચ ઉઠાવવાનું વચન આપ્યું હતું.

આ પણ વાંચો: 14 વર્ષની છોકરીએ ગુજરાત હાઈકોર્ટમાં કહ્યું, માતા-પિતા રૂ. 2 લાખમાં મારા લગ્ન કરાવવા માગે છે

Your email address will not be published.