અમદાવાદ પછી હવે સુરત મનપાએ પણ ‘ગો ઇલેક્ટ્રિક’નું સૂત્ર અપનાવતા 450 ઇલેક્ટ્રિક બસો દોડશે

| Updated: April 29, 2022 12:36 pm

સુરતઃ અમદાવાદ મહાનગરપાલિકા (મનપા)ની જેમ હવે સુરત મહાનગરપાલિકાએ પણ ગો ઇલેક્ટ્રિકનું સૂત્ર અપનાવ્યું છે. અમદાવાદ મનપા લગભગ 50 ઇલેક્ટ્રિક બસ જૂનમાં ખરીદવાની છે તો સુરત મનપાએ આગામી સમયમાં 450 ઇલેક્ટ્રિક બસ ખરીદવાનો લક્ષ્યાંક મૂક્યો છે. તેથી ટૂંક સમયમાં સુરતના માર્ગો પર શહેરી પરિવહન માટે મોટાભાગની ઇલેક્ટ્રિક બસો જ જોવા મળશે. આના પગલે સુરતમાં કુલ ઇલેક્ટ્રિક બસોની સંખ્યા પણ વધીને 450 પર પહોંચશે.

સુરત મનપા દ્વારા હવે ડીઝલ બસોના બદલે ઇલેક્ટ્રિક બસોને દોડાવવાનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. આમ તબક્કાવાર ધોરણે ડીઝલ બસોને બદલવામાં આવી રહી છે. તેના ભાગરૂપે હાલમાં 50 ઇલેક્ટ્રિક બસો રસ્તા પર દોડી રહ્યા છે.

ભારત સરકાર દ્વારા ગ્રાન્ડ ચેલેન્જ ટેન્ડરમાં દેશના મોટા પાંચ શહેરો કોલકાતા, દિલ્હી, બેંગ્લુરુ, હૈદરાબાદ અને સુરતનો 5,450 ઇલેક્ટ્રિક બસોમાં સમાવેશ કરાયો હતો. ભારત સરકારનું ટેન્ડર હોવાથી આ બસો ખરીદવા માટે સુરત મનપાએ રૂપિયો પણ આપવો નહી પડે. પાંચેય શહેરોની મનપાને તેના લીધે આર્થિક ફાયદો થશે. તેના લીધે ઇ-બસને લેવાની પ્રક્રિયા વધારે ઝડપી બનશે. અગાઉ દેશની જે તે મહાનગરપાલિકા પોતાની રીતે ટેન્ડર બહાર પાડતી હતી, પણ હવે ભારત સરકાર દ્વારા પાંચ શહેરની માંગ માટે સંયુક્ત ટેન્ડર બહાર પાડવામાં આવતા બધા શહેરોને તેનો ફાયદો મળશે.

અત્યાર સુધી મનપા દ્વારા દરેક બસ માટે ઓપરેટરને પ્રતિ કિ.મી. 55 રૂપિયા ચૂકવવા પડતા હતા. હવે લોએસ્ટ ટેન્ડરના લીધે તેને  પ્રતિ કિ.મી. 41 રૂપિયા ચૂકવવા પડશે. આમ પ્રતિ કિ.મી. 14 રૂપિયાની સીધી બચત થશે. સુરત સિટી ઇલેક્ટ્રિક પોલિસી 2021ના વિભાગે તૈયાર કરેલા ડ્રાફ્ટ હેઠળ 2025 સુધીમાં 40 હજાર ઇલેક્ટ્રિક વાહનો પરિવહન માટે ઉપલબ્ધ થાય તેવુ્ં આયોજન કરાયું છે. વાહનો માટે તબક્કાવાર ધોરણે 500 જેટલા ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનો પણ ઊભા કરવામાં આવશે. તેમા 200 ચાર્જિંગ સ્ટેશન મનપા દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાયતાથી સ્થાપવામાં આવશે. જ્યારે 150 ચાર્જિંગ સ્ટેશન પીપીપી ધોરણે સ્થપાશે.

મનપાના કમિશ્નરે જણાવ્યું હતું કે મહાનગરપાલિકા તેના તમામ વાહનો ઇલેક્ટ્રિક વાહનોમાં રૂપાંતરિત કરવા વિચાર કરી રહી છે, જેથી પ્રદૂષણ ન થાય અને ઇંધણ બચાવી શકાય. તેમા પણ ખાસ કરીને સોલિડ વેસ્ટ વ્હીકલને ઇ-વાહનોમાં પરિવર્તીત કરવામાં આવશે.

Your email address will not be published.