નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્વાડ સમિટમાં ભાગ લેવા માટે સોમવારે સવારે જાપાનની રાજધાની ટોક્યો પહોંચ્યા. વડાપ્રધાનનું ત્યાં જાપાનીઝ પરંપરા મુજબ ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. ટોક્યો પહોંચ્યા પછી વડાપ્રધાન પોતે ટવીટ પણ કર્યુ હતું કે હું ટોક્યો પહોંચ્યો છું. તેમણે જાપાનમાં ઉતરીને કહ્યુ હતું જય શ્રી રામ. દરમિયાન હું ક્વોડ સહિત વિવિધ કાર્યક્રમમાં ભાગ લઈશ. આ સિવાય ક્વાડ લીડર્સ સાથે મુલાકાત થશે, જાપાનીઝ ઉદ્યોગપતિઓ અને ભારતીય મૂળનો લોકો સાથે પણ વાતચીત કરીશ.

આ અગાઉ વડાપ્રધાને રવિવારે જણાવ્યું હતું કે ક્વાડ સમિટ દરમિયાન વિવિધ નેતાઓને પારસ્પરિક હિતના મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક મળશે. જાપાનમાં ટોક્યો ખાતે ભારતીયો દ્વારા વડાપ્રદાન મોદીનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદીના આગમન પર ભારત માતા કી જયના નારા લાગ્યા હતા.
વડાપ્રધાન મોદી જાપાનના પ્રવાસ દરમિયાન અમેરિકન પ્રમુખ જો બાઇડેન સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. વાટાઘાટોમાં યુક્રેનની પરિસ્થિતિ પર ચર્ચાઓ કરીને તેના પર રચનાત્મક સંવાદ કરવામાં આવશે. તેના ઉકેલની દિશામાં વિચારવામાં આવશે.
આ ઉપરાંત જાપાનમાં વસતો ભારતીય સમાજ પહેલાથી જ સૈતામાં પ્રીફેકચરના કાવાગુચી શહેરમાં મોદીના આગમનની તૈયારી કરી રહ્યો છે. તેના સેક્રેટરી રમેશ કુમાર પાંડેએ જણાવ્યું હતું કે આજે લગભગ 100થી 150 લોકો મોદીનું સ્વાગત કરશે. વડાપ્રધાન જે હોટેલમાં રોકાયા છે તેની સામે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. વડાપ્રધાને વિદેશમા ભારતનું કદ ઘણું ઊંચું કર્યુ છે. યુક્રેનના સંદર્ભમાં બધાની નજર ભારતના વલણ પર છે.
આ ઉપરાંત વડાપ્રધાન ટોક્યો હોટેલ પહોંચ્યા ત્યારે ટોક્યોના એક બાળકે તેમને હિંન્દીમાં તેમનો પરિચય આપીને મોદીને ચોંકાવી દીધા હતા. મોદી પણ તેના હિન્દી પર વિચાર કરતા થઈ ગયા હતા. મોદીએ પૂછ્યું હતું કે આટલું સરસ હિન્દી તમે ક્યાંથી શીખ્યા. આ ઉપરાંત કેટલાક ભારતીય બાળકોએ પણ પીએમના ઓટોગ્રાફ લીધા હતા.