સ્પાઇસજેટ પછી હવે ઇન્ડિગો-વિસ્તારાની ફ્લાઇટમાં જોવા મળ્યો ટેકનિકલ સ્નેગ

| Updated: July 7, 2022 12:40 pm

ઇન્ડિગો અને વિસ્તારાની ફ્લાઇટમાં ટેકનિકલ સ્નેગ જોવા મળ્યો છે. ઇન્ડિગોની રાયપુર-ઇન્દોર ફ્લાઇટે મંગળવારે ઉતરાણ કર્યુ ત્યારે કેબિન ક્રૂએ પ્લેનમાંથી ધુમાડો નીકળતો જોયો હતો, એમ ઉડ્ડયન નિયમનકાર ડીજીસીએએ બુધવારે જણાવ્યું હતું.

તેણે જણાવ્યું હતું કે બધા પ્રવાસીઓ સલામત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ) આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. વિસ્તારાની બેંગકોકથી દિલ્હીની ફ્લાઇટમાં પ્લેન દિલ્હીના એરપોર્ટ પર લેન્ડ થયા પછી તેમા ઇલેક્ટ્રિક ગડબડ થઈ હતી. આ સમયે પ્લેન સિંગલ એન્જિન પર ચાલતુ હતુ. તેના લીધે પાયલોટ્સે ટો ટ્રકને પ્લેનને પાર્કિંગ એરિયા સુધી લઈ જવા વિનંતી કરવી પડી હતી.

હજી હમણા જ સ્પાઇસજેટની ફ્લાઇટમાં ચાલુ ફ્લાઇટે ધુમાડો નીકળતા ફ્લાઇટ પરત લેવી પડી હતી. તેના લીધે ક્રુ મેમ્બર અને પ્રવાસીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. કેટલાકે તો ફ્લાઇટ પરત લેવી પડતા મુસાફરીની રકમ પરત માંગી હતી.

ડીજીસીએ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ભારતીય વિમાનોમા જોવા મળતી તકલીફનો રેકોર્ડ તૈયાર કવામાં આવી રહ્યો છે. ડીજીસીએ દ્વારા વિમાની પ્રવાસીને યોગ્ય સગવડો પૂરી ન પાડતી તથા સલામતીના ધારાધોરણોનું પાલન ન કરતી વિમાની કંપનીઓને દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે. આ સંજોગોમાં સલામતીના મોરચે કોઈપણ પ્રકારની એરલાઇન્સની બેદરકારી તેઓ નહી ચલાવી લે તેમ તેણે જણાવ્યું હતું. હાલમાં બધી વિમાની કંપનીઓને તેમની સેવા અંગે ચેતવણી આપવામાં આવી છે.

સ્પાઇસજેટને તો મિડ-એર સેફ્ટીમાં ક્ષતિ બદલ ડીજીસીએએ નોટિસ પણ ફટકારી છે. ડીજીસીએએ કારણદર્શક નોટિસ ફટકારતા જણાવ્યું છે કે તેઓ સમજાવે કે શા માટે તેઓ સલામત, કાર્યક્ષમ અને વિશ્વાસપાત્ર એર સર્વિસ પૂરી પાડવામાં નિષ્ફળ ગયા. બુધવારે ત્રીજા બનાવમાં ચાઇના જતી સ્પાઇસજેટની ફ્રેટ કેરિયરને રડાર કામ ન કરતું હોવાના લીધે કોલકાતા ઉતરાણ કરવું પડ્યુ હતુ. સ્પાઇસજેટમાં મે પછી સલામતી સાથે સંલગ્ન આ નવમો બનાવ બન્યો છે. મંગળવારે સ્પાઇસજેટની બે ફલાઇટમાં પણ ટેકનિકલ ક્ષતિઓ જોવા મળી હતી. આ પહેલા દિલ્હી-દુબઈની ફ્લાઇટે પણ કરાચીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યુ હતુ. જ્યારે કંડલાથી મુંબઈ જતી ફ્લાઇટે પણ વિન્ડશિલ્ડમાં ક્રેક બદલ ઉતાવળે ઉતરાણ કરાવવું પડ્યું હતું.

Your email address will not be published.