Site icon Vibes Of India

લશ્કર માટે અગ્નિપથ યોજના યોગ્ય દિશામાં કરાયેલો સુધારોઃ મનીષ તિવારી

કોંગ્રેસના નેતા અને સાંસદ મનીષ તિવારીએ પક્ષના વલણથી એકદમ વિપરીત વલણ અપનાવતા અગ્નિપથ યોજનાને યોગ્ય દિશામાં લેવાયેલો મહત્વનો સુધારો ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે સશસ્ત્ર દળોની નોકરી કંઈ રોજગાર ગેરંટી કાર્યક્રમ ન હોવો જોઈએ.

સરકારે મંગળવારે લશ્કર, હવાઈદળ અને નૌકાદળ માટે દાયકાઓ જૂની પસંદગીની પ્રક્રિયા હેઠળ ચાર વર્ષના કોન્ટ્રાક્ટના આધારે સૈનિકોની ભરતી માટેની યોજનાનું અનાવરણ કર્યુ હતું. કોંગ્રેસના જી-23 જૂથના સભ્ય મનીષ તિવારીએ જણાવ્યું હતું કે આ એક એવો સુધારો છે જેની ઘણી જરૂર છે. આ એક યોગ્ય દિશામાં કરવામાં આવેલો સુધારો છે.

તેમણે જણાવ્યું હતું કે મને અગ્નિપથ ભરતી પ્રક્રિયાને લઈને ચિંતિત યુવાનો પ્રત્યે સહાનુભૂતિ છે. વાસ્તવિકતા એ છે કે ભારતને અત્યાધુનિક શસ્ત્રોથી અને ટેકનોલોજીથી સજ્જ યુવા સશસ્ત્ર દળની જરૂરિયાત છે. લશ્કરનો સશસ્ત્ર દળોનો કાર્યક્રમ કંઈ રોજગાર ગેરંટી કાર્યક્રમ ન હોવો જોઈએ, એમ તેમણે ટવીટ કરી જણાવ્યું હતું.

જ્યારે મનીષ તિવારીથી વિપરીત કોંગ્રેસે સરકારની આ યોજનાની ટીકા કરી છે. તેણે માંગ કરી છે કે આ યોજનાને સ્થગિત રાખવી જોઈએ. તેની સાથે નિષ્ણાતો અને અન્ય લોકો સાથે વ્યાપક વિચારવિમર્શ કરીને આગામી પગલું ઉઠાવવું જોઈએ.

આ યોજના હેઠળ 17થી 21 વર્ષના યુવાનોને ત્રણેય લશ્કરની ત્રણેય પાંખમાં ચાર વર્ષ માટે સમાવવામાં આવશે. જો કે ચાર વર્ષ પૂરા થયા પછી સમાવેશ કરાયેલા કુલ જવાનોમાં 25 ટકા એટલે કે ત્રીજા ભાગનાને કાયમી ધોરણે રાખવાની જોગવાઈ છે. સરકારે જણાવ્યું હતું કે નવું મોડેલ સશસ્ત્ર દળોમાં નવી ક્ષમતા લાવશે અને તેની સાથે ખાનગી ક્ષેત્રમાં પણ યુવાનો માટે રસ્તો ખોલશે.

જો કે સરકારનો આ સુધારો દેશમાં લશ્કરમાં આગેવાન રહેતા રાજ્યોને ખાસ પસંદ આવ્યો લાગતો નથી. તેથી હરિયાણાથી લઈને હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર જેવા રાજ્યોમાં તેની સામે ખાસ દેખાવ થયા છે. આ ઉપરાંત ઝારખંડ, રાજસ્થાન અને તેલંગણા જેવા રાજ્યોમાં પણ યુવાનોએ આ નવી યોજનાનો વિરોધ કરીને જૂની યોજના જ ચાલુ રાખવા કહ્યું છે. તેઓનું માનવું છે કે આના લીધે અમારી સ્થિતિ વણસશે. ચાર વર્ષ પૂરા કર્યા પછી અમને નોકરી કોણ આપશે. વિરોધના પગલે સરકારે પણ પ્રવેશની વયમર્યાદા ફક્ત ચાલુ વર્ષ માટે 21થી વધારી 23 કરી છે. છતાં પણ વિરોધ રોકાવવાનું નામ લેતો નથી.