રાજયમાં કોરોના વાયરસના કેસો દિવસે દિવસે સતત વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે. તો બીજી બાજુ પોલીસબેડમાં ઘણા કર્મચારીઓ સંક્રમિતો થઈ રહ્યા છે. ઉત્તરાયણના દિવસે રાખવામાં આવેલ બંદોબસ્તમાં 85 પોલીસ કર્મચારીઓ કોરાનાની ચપેટમાં આવ્યા હતા.
અમદાવાદ પોલીસ કંટ્રોલ રુમના ડિસીપી હર્ષદ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, હાલ અમદાવાદ પોલીસના કુલ 351 જવાનો કોરોના સંક્રમિત થયા છે જેઓ હાલ ઘરે જ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. ત્યારે ઉત્તરાયણના દિવસે વધુ 85 જવાનો કોરોના સંક્રમિત થતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે. આ સાથે તેમના સંપર્કમાં આવેલા અન્ય પોલીસ કર્મચારીઓન તાત્કાલિક આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા માટેની સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાજયગૃહ મંત્રી સહિત ભાજપના ઘણા નેતાઓ કોરોના સંક્રમિત થયા છે અને આ સાથે રાજયના પોલીસ વડા આશિષ ભાટિયા પણ કોરોના સંક્રમિત થયા હતા.