Ahmedabad : માતેલા સાંઢ બનેલા ટ્રેલરે ત્રણ વાહનોને અડફેટે લીધી, મહિલાનું મોત

| Updated: January 22, 2022 2:19 pm

શહેરના હાટકેશ્વરમાં વિસ્તારમાં માતેલા સાંઢ બનેલા ટ્રેલર ચાલકે અક પછી એક ત્રણ વાહનોને અડફેટે લેતા એક મહિલાનું મોત થયાની ઘટના બનવા પામી છે, સીટીએમ પાસે ઇકો કારને અડફેટે લીધા બાદ ટ્રેલર ચાલક જોગેશ્વરી રોડ પરથી ભાગવા જતો હતો ત્યારે એકટીવા ચાલક દંપતી અને અન્ય વાહનને અડફેટે લીધા હતા, જેમાં એકટીવા પર બેસેલા મહિલાનું મોત થયું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે.

વિગતો એવી છે કે વસ્ત્રાલ ખાતે રહેતા દિનેશભાઇ યાદવ અને તેમના પત્ની સુશિલાબેન પોતાના ભાઈના ઘરે જઈ પરત ફરતા હતા.દંપતી એચ.ડી.એફ.સી બેંકમાં નોકરી કરતા હતા.દરમ્યાનમાં સીટીએમ પાસે માતેલા સાંઢની જેમ એક ટ્રેલરે એક ઇકો કારને અડફેટે લીધી હતી, બાદમાં જોગેશ્વરી તરફ નાસી છુટયો હતો, દરમ્યાનમાં ત્યાંથી પસાર થઇ રહેલા એકટિવા ચાલક દિનેશભાઇ અને તેમના પત્ની સુશિલાબેનને ટ્રેલરે અડફેટે લીધા હતા, આ અકસ્માતની સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઇ છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે, દંપતી સામેથી એક્ટિવા લઈને આવે છે. દરમિયાન સામેથી એક ટ્રેલર આવે છે અને વળાંક લે છે. આ સમયે મહિલાને ટ્રક કચડીને નીકળી જાય છે. એક્ટિવાને ટક્કર વાગતાં એક્ટિવા પડી જતાં પુરુષને ઇજા થાય છે અને પગમાં ઇજાના કારણે તેઓ ટ્રક પાછળ દોડી શકતા નથી. તેઓ અન્ય વાહન ચાલકોને ટ્રકે અકસ્માત કર્યો હોવાનું જણાવતા સીસીટીવીમાં દેખાય છે.

સુશીલા બહેનનું માથું ફૂટી જતા અને પેટના ભાગે ટ્રકનું ટાયર ફરી વળતા મોત નિપજયું હતું. આ અંગે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોધ્યો હતો, અકસ્માતને પગલે લોકોના ટોળે-ટોળા દોડી આવ્યા હતા. ટ્રાફિક પોલીસે ગુનો નોંધી જીજે1 DZ 4199 નંબરના ટ્રેલરના ચાલકની શોધખોળ હાથ ધરી છે. દિનેશભાઇ અને એક અન્ય વ્યકિતને ઇજા થતાં સારવાર માટે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Your email address will not be published.