ઓફિસ સ્પેસના વેચાણમાં અમદાવાદે સાત શહેરોને પછાડ્યા

| Updated: April 8, 2022 2:52 pm

ઓફિસ સ્પેસના વેચાણમાં 165 ટકાનો વધારો નોંધાયો

અમદાવાદઃ અમદાવાદ શહેરે ઓફિસ સ્પેસના વેચાણમાં દેશના બીજા સાત શહેરોને પાછળ છોડી દીધા છે. કોરોનાનો ઓથાર ખતમ થવાની સાથે વ્યાપારિક કામકાજે વેગ પકડતા અને માંગમાં ઉછાળો આવતા શહેરમાં 2022ના પ્રથમ ક્વાર્ટરમાં ઓફિસ સ્પેસના વ્યવહારોમાં 165 ટકા વધારો નોંધાયો હતો, એમ નાઇટ ફ્રાન્કે જણાવ્યું હતું.

કોરોનાના લોકડાઉનની કોમર્સિયલ અને રિયલ એસ્ટેટ સેગમેન્ટ પર વ્યાપક અસર થઈ હતી. તેના લીધે ઘણી કંપનીઓએ વર્ક ફ્રોમ હોમ વિકલ્પ અજમાવવો પડ્યો હતો. પણ અર્થતંત્ર અપેક્ષા કરતાં વધારે ઝડપથી સુધર્યુ છે અને તેના લીધે દેશમાં ઓફિસ સ્પેસની ઊંચી માંગ જોવા મળી રહી છે, એમ અહેવાલે જણાવ્યું હતું.

અમદાવાદ શહેરે ક્વાર્ટર દરમિયાન ઓફિસ સ્પેસના વેચાણમાં 165 ટકા વધારો જોયો હતો ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન તેનું ઓફિસ સ્પેસનું વેચાણ 0.2 મિલિયન ચોરસ ફૂટ હતુ જે આ વર્ષે વધીને 0.5 મિલિયન ચોરસ ફૂટ થયું છે.

દેશના ટોચના આઠ શહેરોમાં અમદાવાદે સૌથી ઊંચો વધારો નોંધાવ્યો છે. જો કે શહેરમાં ભાડું બદલાયું નથી અને પ્રતિ ચોરસ ફૂટ 40.2 રૂપિયા ભાડું છે. શહેરના ડેવલપર શર્વિલ શ્રીધરે જણાવ્યું છે કે છેલ્લા ક્વાર્ટર દરમિયાન કોમર્સિયલ સ્પેસમાં ઇન્કવાયરી ઘણી સારી રહી છે. ઓફિસ સ્પેસની માંગમાં વધારો થવાનું કારણ આઇટી અને આઇટીઇએસ પોલિસી પણ છે. રિટેલ સ્પેસની માંગે પણ વેગ પકડ્યો છે. તેમનું તો ત્યાં સુધી કહેવું છે કે કોમર્સિયલ સ્પેસની માંગમાં હજી પણ તેજી જોવા મળશે, કારણ કે છેલ્લા બે વર્ષ દરમિયાન ઘણા બધા નવા લોન્ચિંગ ઘટ્યા હતા. હવે તેની માંગમાં ટૂંક સમયમાં વધારો જોવા મળી શકે છે. તેના લીધે તેમાં વેગ પણ જોવા મળી શકે છે.

સરકારે રસીકરણની હાથ ધરેલી પ્રવૃત્તિના પગલે ભારતમાં મોટાપાયા પર લોકોનું રસીકરણ થઈ ગયું છે. તેના લીધે કોરોનાના ડરનું જે વાતાવરણ હતું તે ઓછું થઈ ગયું છે. આમ ભારતીય અર્થતંત્ર મજબૂત થવાનું જારી રહેતા પરિસ્થિતિ આગામી ક્વાર્ટરોમાં વધારે સુધરતા તે કોવિડ પૂર્વેના સ્તરે પહોંચી જશે. તેના લીધે કર્મચારીઓની ભરતીમાં પણ નોંધપાત્ર ઉછાળો આવશે અને છેલ્લા આઠ ક્વાર્ટરોની દબાયેલી માંગ ઉછળતા માર્કેટ વોલ્યુમ પણ ઉચકાશે.

Your email address will not be published.