લોન ડ્રાઇવરના નામે લઇ આંબાવાડીના એક દંપતિએ હપ્તા ભર્યા ન હતા. લોન લેતા બેંકના માણસો ડ્રાઇવરના ઘરે જઇ પરેશાન કરતા તે અને તેનો પરિવાર કંટાળી ગયો હતો. જેથી કંટાળેલા ડ્રાઇવરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
આ અંગે વેજલપુર પોલીસે બે સુસાઇટ નોટ કબ્જે કરી છે. પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોધ્યો હતો. જોકે સુસાઇટ નોટ હેન્ડ રાઇટીંગ એક્સપર્ટ પાસેથી રિપોર્ટ આવ્યા બાદ અને પુરાવા એક્ત્ર કરી આરોપીની ધરપકડ કરાશે તેમ પોલીસે જણાવ્યુ હતુ.
શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા વણકરવાસમાં વીનીત મહેન્દ્રભાઇ ગોહેલ પરિવાર સાથે રહે છે અને પોતે અભ્યાસ કરે છે. વીનીતના પિતા વસ્ત્રાપુર ખાતે એમ એમ આઇ પી એલ કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. ગત 18મી એપ્રિલે સવારે પિતા મહેન્દ્રભાઇ રાબેતા મુજબ ઉઠ્યા હતા અને તેઓ પાણી ગરમ મુકી ઉપરના માળે ગયા હતા. મકાનના બીજા માળે પાછળની ગેલેરીમાં મહેન્દ્રભાઇ હુકમાં ચેનલનો વાયર ભરાવી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
મહેન્દ્રભાઇની અંતમવિધિ કરી પરિવાર ઘરે આવ્યો હતો અને તેમણે તેમનો સામાન તથા અન્ય વસ્તુઓની ચકાસણી હાથ ધરી હતી. તેમના પાકિટમાંથી બે ચીઠ્ઠીઓ મળી આવી હતી. જેમાં લખ્યું હતુ કે, યોગેશ શુકલા તથા તેની પત્નીએ મળીને મારી પાસેથી અલગ અલગ વસ્તુની લોન લઇ મારી પાસે છેતરપિંડી કરી છે.
છેલ્લા બે મહિનાથી તે બેંકના હપ્તા ભરતા નથી તેના કારણે બેંકના કર્મીઓ અને ઉઘરાણી માટે મારા ઘરે આવે છે. જેથી હું કંટાળી ગયો છું. હું શાંતિથી જમી પણ શકતો નથી. સુઇ પણ શકતો નથી. યોગેશ શુકલા(રહે.આંબાવાડી, સુખીપુરા સોસાયટી) ના કારણે મારી જીંદગી બરબાદ થઇ ગઇ છે. મારા ડોક્યુમેન્ટ તેના મોબાઇલમાં છે. તથા મારી બેંકના ક્રેડિટ કાર્ડ પણ તેની પાસે છે. આ મહિનાનો પગાર પણ તેને ઉઠાવી લીધો છે. હવે મારાથી સહન થતું નથી હવે હું આપઘાત કરું છું. યોગેશ અને તેની પત્નીને એવી સજા કરાવજો કે જેથી કરીને તે મારા જેવા ભોળા તથા નિર્દોષ લોકોને આવી રીતે છેતરપિંડી કરે નહી. લિ. મહેન્દ્ર ગોહિલ. બીજી ચીઠ્ઠીમાં ટ્રાવેલ્સ ડીટેઇલ લખેલી હતી. જેમાં ચોક્કસ રકમ લખેલી હતી. આઠ મહિના સુધી યોગેશે ભરવાની છે તેની નોધ લેશો કે, હું આ પૃથ્વી પર ના રહું તો યોગેશની જવાબદારી.
જેના કારણે છેલ્લા બે માસથી સતત ટાટા કેપિટલ, આઇડીએફસી બેંકની ઉઘરાણી માટે માણશો આવતા હતા. આ અંગે વેજલપુર પોલીસે દુષ્પ્રેરણના ગુનો નોધી તપાસ હાથ ધરી છે. પોલીસે સુસાઇટ નોટ હેન્ડ રાઇટીંગ એક્સપર્ટને મોકલવાની તજવીજ હાથ ધરી છે. રિપોર્ટ આવ્યા બાદ આરોપીઓની શોધખોળ હાથ ધરશે તેમ પોલીસે જણાવ્યુ હતુ.