અમદાવાદમાં સોમવારે 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાની શક્યતા

| Updated: April 25, 2022 8:20 am

અમદાવાદમાં રવિવારના રોજ મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું હતું અને ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારના રોજ શહેરમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.

આ સાથે જ રવિવારે અમદાવાદ ગુજરાતનું સૌથી ગરમ શહેર હતું અને ત્યારબાદ સુરેન્દ્રનગર 43 ડિગ્રી સેલ્સિયસ સાથે બીજા નંબરનો સૌથી ગરમ જિલ્લો રહ્યો હતો.

આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું હતું કે, અમદાવાદમાં આગામી 48 કલાકમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ શહેરમાં આગામી ત્રણ દિવસ દરમિયાન બે-ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થવાની સંભાવના છે.

અમદાવાદ ઉપરાંત ગુજરાતના અન્ય કેટલાક વિસ્તારોમાં આગામી ચાર દિવસ સુધી મહત્તમ તાપમાન ઉંચુ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે સોમવાર અને મંગળવાર માટે ભાવનગર, ગીર, જૂનાગઢ, કચ્છ, પોરબંદર, સોમનાથ અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અમરેલી, ગાંધીનગર, કચ્છ, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા અને વલસાડ માટે બુધવાર અને ગુરુવાર માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

પ્રવર્તમાન હીટવેવની સ્થિતિ વચ્ચે હીટસ્ટ્રોકથી બચવા માટે નિષ્ણાતો સૂચવે છે  કે, બપોરના સમયે બહાર જવાનું ટાળવું. બહાર જતી વખતે હળવા રંગના કપડા પહેરવા કે જે શરીરને સંપૂર્ણપણે ઢાંકી રાખે. તેમજ બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓની સવિશેષ કાળજી લેવી જોઈએ.

Your email address will not be published.