હોમગાર્ડ, પટ્ટાવાળા જેવી સરકારી નોકરીની લાલચ આપી TRB જવાને 42 હજારની ઠગાઇ આચરી

| Updated: April 21, 2022 8:31 pm

શહેરના ટીઆરબી જવાનો રસ્તા પર લોકોને રોકી પૈસા પડાવી લેતા હોવાના અનેક કિસ્સા બહાર આવ્યા છે. તેવામાં ટીઆરબી જવાન ક્રાઇમ બ્રાંચના ઓફિસર બની હોમગાર્ડ અને કોર્ટમાં પટ્ટાવાળા તરીકે નોકરી અપાવી પૈસા પડાવ્યા હોવાનો કિસ્સો પણ બહાર આવ્યો છે. આ અંગે કારંજ પોલીસે નોંધી ટીઆરબી જવાનની ધરપકડ કરી છે. જવાનો 42 હજાર પડાવ્યા હોવાનું બહાર આવ્યું છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ જિલ્લાના ધોળકાના દમારવાડામાં કાસીમ વ્હોરા રહે છે. કાસીમ શાહપુરમાં શીટ કવર બનાવતી દુકાનમાં નોકરી કરે છે. ગત 15 મી ફેબ્રુઆરીએ બપોરે જમવા માટે સરદારબાગ ખાતે બગીચામા ગયો હતો. આ દરમિયાન બગીચામાં પોલીસનું માસ્ક, ટોપી, ખાખી પેન્ટ અને લાલ બુટ પહેરીને ફરતા શખ્સ સાથે પરિચય થયો હતો. તેણે પોતાનું નામ રવિન્દ્રસિંહ સોલંકી આપ્યું હતુ અને પોતે ક્રાઇમ બ્રાંચમાં નોકરી કરે છે. તેને હોમગાર્ડમાં નોકરી કરવા માટે ઓફર પણ કરી દીધી હતી. તેમ કહી મોબાઈલ નંબરની આપલે થઇ હતી. રવિન્દ્ર સોલંકીએ કાશીમને કોલ કરી લાલદરવાજા પટ્ટાવાળાની જગ્યા ખાલી છે અને જો નોકરી જોઈતી હોય તો વ્યક્તિ દિઠ 2 હજાર લેખે રૂ.4 હજાર ગુગલ પે કરાવ્યા હતા.

બાદમાં આ રવિન્દ્રસિંહે સરકારી યુનિફોર્મ તેમજ બુટ, મોજા, ટોપી અને ડ્રાઈવરની નોકરી લેખે અલગ અલગ રીતે કુલ રૂ. 42 હજાર ભરાવ્યા હતા. બાદમાં અંગ્રેજીમાં ટાઈપ કરેલ જોઈનીંગ લેટર બતાવ્યો હતો જો કે તપાસ કરતા તે જોઈનીંગ લેટર ખોટો હોવાનું બહાર આવ્યું હતુ. જેથી કાસીમે રવિન્દ્રસિંહ પાસેથી પૈસા પરત માંગ્યા હતા. પૈસા પરત આપવા માટે રવિન્દ્રસિંહ ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. બાદમાં કાસીમ સાથે ઠગાઇ થઇ હોવાનું તેને જાણ થતાં તેણે આ અંગે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.

કારંજ પોલીસે આરોપી રવિન્દ્રની ધરપકડ કરી હતી. જોકે તેણે અનેક લોકો સાથે ઠગાઇ કરી હોવાનું પોલીસ માની રહી છે. જો કોઇ પણ લોકો સાથે ઠગાઇ કરી હોય તો તેમણે પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે.

Your email address will not be published.