બજાજ ફાયનાન્સમાંથી લોન આપવાની વાત કરીને યુવકને વિશ્વાસમાં કેળવીને ઠગે લોનના ચાર્જ પેટે કુલ રૂ.1.45 લાખ પડાવી લીધા હતા અને બાદમાં ફોન સ્વીચઓફ કરી લોન આપી ન હતી. આ અંગે યુવકે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિશ્વાસઘાત અને ઠગાઈનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
ભુવાલડીમાં રહેતા અને કઠવાડા જીઆઈડીસી ખાતે ગણેશ ફાઉન્ડર્સમાં સુપર વાઈઝર તરીકે નોકરી કરતા મનોજભાઈ પટેલ થોડા દિવસ પહેલા સવારના સમયે ઘરે હાજર હતા ત્યારે ફેસબુક પર બજાજ ફાયનાન્સની લોન લેવા માટેની એક લીંક જોવા મળી હતી જેમાં એક મોબાઈલ નંબર પણ લખેલો હતો.
મનોજભાઈએ લોન લેવાનો વિચાર કરીને લીંક પર જે નંબર લખ્યો હતો તે નંબર પર ફોન કર્યો ત્યારે સામા પક્ષે રહેલા યુવકે બજાજ ફાયનાન્સમાંથી બોલતા હોવાનુ જણાવી વિશ્વાસમાં લઈને લોન લેવા માટેની વાતચીત કરી હતી એટલુ જ નહીં લોન લેવા માટે અમુક ચાર્જ પણ ભરવો પડશે તેમ જણાવ્યુ હતુ.
જેથી મનોજભાઈ તેની વિશ્વાસમાં આવીને ચાર્જ ભરવા તૈયાર થયા હતા. બાદમાં આ અજાણ્યા શખ્સે એક નંબર આપ્યો હતો જેમાં લોન લેવા માટે અલગ અલગ ચાર્જ પેટે કુલ રૂ.1.45 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. જો કે પૈસા ટ્રાન્સફર કર્યા બાદ નંબર પર ફોન કરતા ફોન બંધ આવતો હતો. જેથી પોતાની સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત થયો હોવાની જાણ થતા મનોજભાઈએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.