અમદાવાદ મ્યુનિસિપલના ગ્રીન કેનોપી પ્લાનમાં સીસીટીવી અને વૃક્ષો નડશે

| Updated: April 8, 2022 4:27 pm

ગ્રીન કેનોપી લગાવવામાં આવતા તાપમાનમાં સીધો ત્રણથી ચાર ટકાનો ઘટાડો અનુભવાય છે

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રાફિક સિગ્નલો પર સ્કૂટરિસ્ટો અને પદચાલકો માટે ધોમધખતા તાપમાં રાહત માટે ગ્રીન કેનોપી લગાવવામાં આવેલું વચન ફોક જાય તેમ મનાય છે. તેનું કારણ એ છે કે જો કેનોપી લગાવે તો પછી સીસીટીવીનો કોઈ અર્થ રહેતો નથી. આ સિવાય કેટલાય સ્થળોએ વૃક્ષો પણ નડે તેમ છે.

શહેર સુધરાઈએ આ અંગે હજી સુધી ટ્રાફિક પોલીસ અને શહેર પોલીસની સલાહ લીધી નથી. પણ માનવામાં આવે છે કે કેટલાક સ્થળોએ જો ગ્રીન કેનોપી લગાવવામાં આવે તો સીસીટીવી ફૂટેજ પર અસર પડી શકે છે. તાજેતરમાં આંધ્રપ્રદેશમાં કુર્નૂલ અને કર્ણાટકમાં વિજયપુરા જેવા શહેરો ખાતે ગ્રીન કેનોપી લગાવવામાં આવી છે.

નાગપુરમાં 2016 ખાતે સૌપ્રથમ વખત ગ્રીન કેનોપી લગાવવામાં આવી હતી. નાગપુરના અગ્રણી ટ્રાફિક પોઇન્ટ પર કેનોપી લગાવવામાં આવી હતી. એએમસીના સિટી એન્જિનિયરને આ માટે શહેર પોલીસ વિભાગ સાથે સંપર્ક સાધીને કેનોપીની ઊંચાઈ કેટલી રાખવી તેના અંગે સલાહમસલત કરવા જણાવાયું છે. પણ કેટલાક સ્થળોએ ઝાડોની શાખાઓ, જાહેરાતના બોર્ડ અને સીસીટીવી કેમેરાના થાંભલા વચ્ચે નડતા હોવાથી કેનોપીની લગાવવાની સંભાવના મર્યાદિત બની જાય છે. કેનોપી લગાવવાના લીધે તાપમાનમાં કમસેકમ ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસમનો ઘટાડો કરી શકાય છે, એવો દાવો એએમસીના અધિકારીએ કર્યો હતો.

મેયર કિરીટ પરમાર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે મહત્વના રોડ અને જંકશનો પર ડ્રિન્કિંગ વોટર વેન્ડિંગ મશીન પણ સ્થપાશે. અમારા અધિકારીઓએ બાંધકામ સાઇટ પર મજૂરોને બારથી ચાર વાગ્યાની વચ્ચે વિશ્રામ આપવામાં આવે તેની વિનંતી કરી છે. અમને આશા છે કે કેટલીય બાંધકામ કંપનીઓને અમારી આ પહેલની સાથે જોડાવવાનું ગમશે, એમ પરમારે જણાવ્યું હતું.

અત્યંત આકરી ગરમી દરમિયાન વાહનચાલકોમાં સિગ્નલ તોડવાનું પ્રમાણ વધતું જોવા મળે છે.  કમસેકમ ગ્રીન કેનોપીની સાથે અમે તેટલી તો આશા રાખી શકીએ કે વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે, એમ એએમસીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. આ ગ્રીન કેનોપી ક્યારે નાખવામાં આવશે અથવા તો કઈ સમયમર્યાદાની અંદર નાખી દેવામાં આવશે તેના અંગે તેમણે જણાવ્યું હતું કે આ માટે 150 જંકશન ચકાસાઈ ચૂક્યા છે અને આ માટેના જંકશનોની યાદી ટૂંક સમયમાં તૈયાર કરવામાં આવશે.

Your email address will not be published.